SURAT

કામ આપવાના બહાને બોલાવી હીરાબાગના ફર્નિચરના વેપારીનું અપહરણ, ખેતરમાં લઈ જઈ..

સુરત: ટેક્નોલોજીના યુગમાં હવે ચોરી, લૂંટફાંટ પણ ઓનલાઈન થવા માંડી છે તે તો બધા જાણે છે. હેકર્સ ભોળા લોકોને પોતાની વાતોમાં ભોળવી ઓનલાઈન લૂંટી રહ્યાં છે, પરંતુ હવે તો ચોર, લૂંટારા ચોરી-લૂંટની જૂની અને નવી પદ્ધતિ મિક્સ કરીને લૂંટ ચલાવી રહ્યાં છે. કાપોદ્રાના ફર્નિચરના વેપારીનું અપહરણ કરી તેની પાસેથી ગૂગલ પે દ્વારા 1.90 લાખ ચોર લૂંટારાઓએ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતા વેપારીનું ફર્નિચરનું કામ બતાવવાનું છે કહી અપહરણ કરાયું હતું. ત્યાર બાદ અપહરણકારો વેપારીને કારમાં અવાવરું જગ્યાએ લઈ જઈ માર માર્યો હતો. ત્યાર બાદ તેની પાસેની રોકડ અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. ગૂગલ પે સહિતના યૂપીઆઈના પાસવર્ડ મેળવી લઈને ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને 1.9 લાખની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, હીરાબાગ વિસ્તારમાં ફર્નિચરનું કામ કરતાં દેવીલાલ સુથારને ફોન કરીને ફર્નિચરનું કામ અપાવવાનું હોવાનું કહ્યું હતું. પરંતુ વેપારી તે વખતે વતન રાજસ્થાન હોવાનું કહ્યું હતું. બાદમાં એ ફોન પર વેપારીએ સુરત આવીને ફોન કર્યો હતો. જેથી અપહરણકારોએ ફોરવ્હિલમાં બેસાડીને ફાર્મ હાઉસનું ફર્નિચર હોવાનું કહીને હીરાબાગ સર્કલથી પલસાણાથી આગળ બલેશ્વર ગામના ખેતરમાં લઈ ગયા હતાં.

બલેશ્વરમાં ચાલતા બાંધકામનું ફર્નિચર કરવાનું હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ મારવાનું શરૂ કરી દીધું અને ધમકી આપી હતી. જેથી વેપારીએ પોતાની પાસેના રોકડા 100 રૂપિયા અને મોબાઈલ આપી દીધો હતો. અપહરણકારોએ મોબાઈલનો પાસવર્ડ તથા ફોન પેનો યૂપીઆઈ પીન જાણી લઈને અલગ અલગ ખાતામાં 99 હજાર ટ્રાન્સફર કરીને કુલ 1.9 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતાં.

બે આરોપી પકડાયા
ફર્નિચરના વેપારીની ફરિયાદના પગલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી આ કેસમાં બે આરોપી કમલેશ સીતારામ ઝાટ અને સોનુ સ્વૈઈને પકડી લીધા છે. કમલેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ રાજસ્થાનમાં ફાયરિંગ કેસમાં ઝડપાયો હતો. સોનું સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જ્યારે ત્રીજો આરોપી જે પોલીસ પકડથી દૂર છે તેની સામે પણ ભૂતકાળમાં ગુના નોંધાયા હતાં. તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top