સાંજના ઇવનિંગ વોક પર બધા સીનીયર સીટીઝન મિત્રો ભેગાં થયાં અને વાતો કરતાં કરતાં ચાલી રહ્યાં હતાં. બે રાઉન્ડ માર્યા બાદ બધા બાંકડા પર બેઠાં અને વાતો કરી રહ્યાં હતાં ત્યારે એક યુવતી બાબાગાડીમાં પોતાના નાના બાળકને લઈને પસાર થઇ અને રસ્તામાં સામે મળેલી દોસ્ત સાથે વાત કરવા લાગી.વાતમાં ધ્યાન ના રહ્યું અને બાબા ગાડી પરથી હાથ છૂટી ગયો અને બાબાગાડી નાના બાળક સાથે રસ્તા પર આગળ ચાલી.
રસ્તાના ખૂણા પરના બાંકડા પર બેઠેલા સીનીયર સીટીઝનોએ આ જોયું બુમાબુમ કરી મૂકી.યુવતીનું પણ ધ્યાન ગયું. તે પણ ડરી ગઈ અને દોડવા લાગી. તે પહોંચે તે પહેલાં એક સીનીયર સીટીઝન અંકલે દોડીને બાબા ગાડી પકડીને અટકાવી લીધી.બધાં જોતાં જ રહી ગયાં.યુવતી રડતાં રડતાં અંકલનો આભાર માનવા લાગી.અમુક લોકો તેને ખીજાયાં અને બધાએ સીનીયર સીટીઝન અંકલ મધુભાઈને તાળીઓથી વધાવી લીધા.
તેમના મિત્રે તરત મજાક કરી, ‘અરે મધુ, આ ઉંમરે આવી સ્ફૂર્તિ! એવી તો કઈ દવા ખાય છે જરા અમને પણ કહે.’મધુ અંકલ બોલ્યા, ‘અરે દોસ્ત, કોઈ દવા ખાતો નથી.મારા એક મિત્ર ડોક્ટર છે. તેમના દવાખાનામાં એક સરસ વાક્ય તેમણે લખ્યું છે કે કોઈ દવામાં કોઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી. બસ જ્યારથી આ વાક્ય વાંચ્યું છે ત્યારથી ગમી ગયું છે અને મેં તે જીવનમાં વણી લીધું છે કે જો જીવનમાં દવાથી દૂર રહેવું હોય તો બસ મજા કરતાં રહેવું.’ બીજા મિત્રે કહ્યું, ‘મજા કરતાં રહેવું એટલે શું? દિવસના ૨૪ કલાક રોજેરોજ શું મજા કરાય ભાઈ?’મધુભાઈ હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત,આપણે મજા કરવી અને કઈ રીતે કરવી તે તો આપણા જ હાથમાં છે તો શું કામ ૨૪ કલાક રોજેરોજ મજા ન કરી શકાય.પોતાની મસ્તીમાં જીવવાની એક મજા છે …પોતાનું કામ જાતે કરવાની મજા છે…
ઘરમાં બીજાને કામમાં મદદરૂપ થવાની મજા છે.આપનું મનગમતું કામ કરવામાં પણ એક મજા છે.અન્યની સેવા કરવાની પણ મજા છે અને કંઈ કર્યા વિના આરામથી બેસવાની પણ મજા છે. દોસ્તોને મળવાની મજા,સાથે ચાલવાની મજા, જૂની યાદોમાં ખોવાઈ જવાની મજા, કસરત કરવાની મજા,થોડું ઓછું પણ ભાવતું ખાવાની મજા ,બાળકો સાથે રમવાની મજા…અરે આવી તો કંઈ કેટલી મજા છે…બસ મસ્તીથી આ મજા માણતા રહો તો કોઈ દિવસ કોઈ દવા નહિ લેવી પડે.’ બધા દોસ્તોએ મનોમન આ વાતને સમજી લીધી કે દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી અને હંમેશા મજામાં રહેવાનું નક્કી કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.