SURAT

મોટા વરાછાના યુવકને કોલેજના મિત્ર પર વિશ્વાસ કરવાનું ભારે પડ્યું, મદદના બહાને એવું કર્યું કે…

સુરત(Surat): મોટા વરાછા (Varacha) ખાતે રહેતા યુવકને તેના કોલેજ (CollegeFriend) સમયના મિત્રએ એસબીઆઈમાંથી (SBI) 30-35 લાખની પર્સનલ લોન (PersonalLoan) કરાવી આપવાના બહાને 3.88 લાખ પડાવ્યા હતા. બાદમાં લોન નહી કરાવી બીજા 40 હજારની માંગણી કરી હતી. યુવકે પૈસા આપવાની ના પાડી તો તેને અને તેના મામાએ ફોન કરીને ધમકી (Threaten) આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • કોલેજ સમયના મિત્રએ લોન અપાવવાના બહાને મિત્ર પાસેથી 3.88 લાખ પડાવ્યા
  • લોન નહીં કરાવી બીજા 40 હજારની માંગણી કરી
  • જો નહીં આપે તો ઘરે આવીને મારી નાંખવાની ધમકી આપી

મોટા વરાછા ખાતે આનંદ ધારા સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મીત જગદીશભાઈ ઠુમ્મર સાયણ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કાપડના કારખાનામાં નોકરી કરે છે. તેને વરાછા પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ લાલજીભાઈ માંગુકીયા (રહે. કલાકુંજ સોસાયટી, કાપોદ્રા) ની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશ તેની સાથે અભ્યાસ કરતો હોવાથી સાતેક વર્ષથી તેને ઓળખે છે. અભ્યાસ પુરો થયો પછી તે ક્યારેક મળતો હતો. અને પોતે લોનનું કામ કરતો હોવાનું કહ્યું હતું. મીતને તેના મામા સાથે ભાગીદારીમાં મશીન નાંખવાના હતા. તેને જયેશનો સંપર્ક કરીને 30-35 લાખની લોનની જરૂરીયાત હોવાનું કહ્યું હતું. જયેશે એસબીઆઈમાંથી કરાવી આપશે તેમ કહીને મીતના તમામ ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને પર્સનલ લોન માટે પ્રોસેસીંગ ચાર્જ 3500 માંગ્યા હતા.

બાદમાં ફેબ્રુઆરી 2023 માં લોનની ફાઈલ ઘોડદોડ રોડ એસબીઆઈ શાખામાં પહોંચી ગઈ છે. મેનેજરનો વેરીફિકેશન માટે ફોન આવશે તેમ કહ્યું હતું. અને પછી લોનના સેટીંગના વ્યવહાર પેટે અલગ અલગ સમયે ટુકડે ટુકડે કરીને 3.88 લાખ લીધા હતા. ત્યારપછી પણ લોન નહીં કરતા મીતે તેને આપેલા પૈસાની માંગણી કરી તો જયેશે બીજા 40 હજાર આપવા પડશે તેમ કહ્યું હતું. પરંતુ મીતે આપવાની ના પાડી તો હવે તું તારા પૈસા ભુલી જા પૈસાની ઉઘરાણી કરી તો ઘરે આવી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બાદમાં જયેશના મામાએ ફોન કરીને મીતને તારી લોનના 40 હજાર જયેશે મારી પાસે લીધા હતા. તે પૈસા આપી દે જે નહીતર ઘરેથી ઉપાડી જઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં તપાસ કરતા જયેશે અનેક લોકો પાસેથી લોન અપાવવાના બહાને પૈસા પડાવ્યાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Most Popular

To Top