જામનગર: પેકેજ્ડ ફૂડમાં બેદરકારીના અનેક કિસ્સા બહાર આવી રહ્યાં છે. ત્યારે આજે જામનગરમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં બાલાજી વેફરના પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો છે. વેફરના પેકેટમાં દેડકો જોતા જ ગ્રાહક ઉછળી પડ્યો હતો. આ અંગે બાલાજી વેફરના ઉત્પાદકોને ફરિયાદ કરી હતી, પરંતુ તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.
બહારથી ખાણી-પીણીની વસ્તુઓમાં બેદરકારીના એક બાદ એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી નીકળી હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો, ત્યારે હવે જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી તળેલો દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે.
જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન પટેલ નામના ગ્રાહકે પોતાની ભત્રીજી માટે મંગળવારે નજીકના પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજી ક્રન્ચેક્સ વેફરનું પેકેટ ખરીદ્યું હતું. આ પેકેટને ઘરે લઈ ગયા પછી તેને ખોલતા તેમાંથી મૃત હાલતમાં દેડકો મળી આવ્યો હતો. આ બાબતે જસ્મીન પટેલે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. જોકે દુકાનદારે પોતે કશું કરી શકે નહીં બાલાજી વેફર્સના કસ્ટમર કેરમાં જાણ કરવા સલાહ આપી હતી.
તેથી ગ્રાહકે બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ગ્રાહકને મળ્યો ન હતો. તેથી ગ્રાહકે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. જે બાદ પાલિકાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વેફર્સના પેકેટને સીલ કર્યું હતું. ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લઈને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ગ્રાહકે કહ્યું કે, બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો. આ અંગે બાલાજી વેફર્સના કસ્ટમર કેરમાં ફોન કરતા મેડમે કહ્યું તમારે તમારી રીતે જે કરવું હોય એ કરો, અમારે તો આવા કેસ આવ્યા રાખે છે. ખાસ વાત છે કે બાલાજી ખૂબ મોટી નમકીન કંપની છે અને હજારો-લાખો લોકો તેના ફૂડ પેકેટ્સનું રોજિંદા સેવન કરતા હોય છે. એવામાં બાલાજીના વેફરમાં આ પ્રકારે દેડકો આવતા મોટી બેદરકારી સામે આવી છે.