પલસાણા: છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત શહેર જિલ્લામાં રખડતાં કૂતરાંઓનો આતંક વધ્યો છે. કૂતરાંઓ નાના બાળકોને નિશાન બનાવી રહ્યાં છે. સુરતમાં ગયા અઠવાડિયે એક જ દિવસમાં 9 બાળકોને કૂતરાં કરડ્યા હતા હવે આવો કિસ્સો સુરત જિલ્લાના પલસાણામાં બન્યો છે. પલસાણાના કારેલી ગામે આવેલી કેજરીવાલ મિલના કમ્પાઉન્ડના પડાવમાં સૂતેલા મજૂરનો ચાર વર્ષનો બાળક રાતે યુરિન કરવા ઉઠયો હતો એ દરમિયાન ચાર કૂતરાં બાળક પર તૂટી પડ્યાં હતાં. ત્યાંથી બાળકને ઘસડીને લઈ જતાં તેના ગળા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી બાળકને તત્કાળ સારવાર અર્થે બારડોલી લઈ જતાં ગંભીર ઈજાઓના કારણે બાળકનું કરુણ મોત નિપજ્યું હતું.
- પડાવમાં સૂતેલા મજૂરનો બાળક રાતે યુરિન કરવાં પડાવની બહાર ગયો કે કૂતરાંઓ બાળક પર તૂટી પડ્યાં, શરીરના વિવિધ ભાગો ફાડી ખાધા
પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના કારેલી ગામે આવેલી કેજરીવાલ મિલમાં મજૂરીકામ કરતા અશોક કુકા મછાર, મૂળ રાજસ્થાનના વતની છે. જેઓ તેમના પરિવાર સાથે કેજરીવાલ મિલના કમ્પાઉન્ડમાં પડાવ નાંખીને રહે છે. ગત મંગળવારે રાત્રે તેના પરિવાર સાથે તે સૂતો હતો. દરમિયાન તેનો ચાર વર્ષનો પુત્ર આશિર્વાદ રાત્રે પડાવમાંથી બહાર નીકળી યુરિન કરવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર ચાર કૂતરાં આશિર્વાદ ઉપર હુમલો કરી ગળાના ભાગેથી તેને પકડી ખેંચી ગયા હતા. બાદમાં બાળકના શરીરના અન્ય ભાગો પણ ફાડી ખાતાં ત્યાં હાજર અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને કૂતરાંની ચુંગાલમાંથી બાળકને બચાવી બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પણ ત્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બાળકના પિતાએ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૂતરા દ્વારા બાળકોને ફાડી ખાવાના, બચકાં ભરી લેવાના બનાવો સતત વધી રહ્યાં છે છતાં આ બાબતે સ્થાનિક પ્રશાસન અને સરકાર કેમ ચૂપ છે? જંગલી જાનવરો બાળકોને કરડી કે ફાડી ખાવાના બનાવો બનતાં હતા પરંતુ શહેર અને ગામડાઓમાં રખડતાં કૂતરાઓએ આ વરસે તો હાહાકાર મચાવી મૂક્યો છે.