કાલોલ: કાલોલ તાલુકાના ફતેપુરી ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા માટે સીમાંત અને ગરીબ ખેડૂતોની જમીન ભાડાપટે મેળવવા માટે પ્રલોભનો સહિત અનેક હથકંડાઓ અપનાવતા હોય છે. જે મધ્યે ભાડાપટે પોતાની જમીન આપવાની ના પાડતા ગામના એક નિવૃત્ત આર્મીમેન પર પણ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે ઘટના અંગેની પોલીસ ફરિયાદની વિગતો મુજબ ગામના માજી સૈનિક એવા સબુરસિંહ અંદરસિંહ રાઠોડ જેઓ આર્મીમાં ફરજ બજાવીને ૧૯૯૪માં નિવૃત્ત થઈ ગામમાં ખેતીવાડી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
જે મધ્યે પાછલા ચાર પાંચ વર્ષોથી ગામની સીમમાં પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા માટે ભાડાપટે જમીન મેળવવા માટે માજી સૈનિકની માલિકીની જમીન મેળવવા માટે ગામના કિરણસિંહ પ્રતાપસિંહ રાઠોડ ગત ૧૮/૦૯ના રોજ માજી સૈનિકને ઘેર આવ્યા હતા. જે કિરણસિંહ રાઠોડે માજી સૈનિકને તેમની જમીન ઈંટોના ભઠ્ઠા માટે આપવા માટે સંપર્ક કરતા હતા પરંતુ માજી સૈનિકે પોતે માલીક હોઈ પોતાની મરજી મુજબ માલિકીની જમીન ઈંટોના ભઠ્ઠા માટે આપવાની સ્પષ્ટ ના પાડી દેતા કિરણસિંહ રાઠોડે જમીન મેળવવા માટે ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી માજી સૈનિકના ડાબા હાથે સિમેન્ટનો બ્લોક મારી દેતા માજી સૈનિકના હાથે ઈજા પહોંચી હતી.
પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા ગુંડાગીરી
કાલોલ તાલુકાના મલાવ, વરવાળા અને ફતેપુરી જેવા ગામોની સીમમાં પરપ્રાંતીય ઈસમો દ્વારા ઈંટોના ભઠ્ઠા નાંખવા માટે સીમાંત અને ગરીબ ખેડૂતોની જમીન ભાડાપટે લેવા માટે તંત્રના ધારાધોરણોને નેવે મૂકીને સામ દામ દંડ અને ભેદના હથકંડાઓ અપનાવી ગરીબ ખેડૂતોની જમીનો પડાવી રહ્યા છે જે જમીનો પર ઈંટોના ભઠ્ઠાઓ નાંખ્યા પછી એ જમીનો ખેતીલાયક રહેતી નથી.જેથી સામ દામ અને આવા ઝઘડાઓનો ભોગ બનેલા ખેડૂતો બેહાલ બની રહ્યા છે જે સમગ્ર તરકટો સામે જવાબદાર તંત્રએ સત્વરે જાગૃત બની અસરકારક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.