નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અને કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પીએમ મિત્ર પાર્ક નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે 1141 એકર જમીન પર સાકાર થવા જઈ રહ્યો છે. ત્યારે આગામી ૨૨મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત થનાર હોવાથી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે કામગીરીનું જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આર.સી.પટેલે પણ નિરિક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પાંચ ડોમમાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્ય સમારોહમાં જનમેદનીને ભેગી કરવા માટેનું માઈક્રો પ્લાનિંગ પણ કરી દેવાયું છે.
- વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્કમાં તૈયારીનો ધમધમાટ
- વડાપ્રધાન મોદીના 22મીના ખાતમુહૂર્ત કાર્યક્રમને ભપકાદાર બનાવવા આયોજન
- જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે નિરિક્ષણ કર્યું
- સભાસ્થળે જનમેદનીને એકત્રિત કરવા માટે માઈક્રો પ્લાનિંગ
- પાંચ ડોમમાં 450 એલઈડી લાઈટ, 40 એલઈડી સ્ક્રીન લગાડાશે
- નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર, વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓ કામે લાગ્યા
પીએમ મિત્ર પાર્કના ખાતમુહૂર્ત સમારોહના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સભાસ્થળ પર જિલ્લા વહીવટી તંત્ર જીઆઈડીસી વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. જે કામગીરીનું ગઈકાલે શુક્રવારે તા. 16 ફેબ્રુઆરીના રોજ જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આર.સી.પટેલે પણ સંગઠનના હોદ્દેદારો સાથે વિઝિટ લઈ નિરિક્ષણ કર્યુ હતું.
સીઆર પાટીલને જિલ્લા કલેક્ટરે તમામ તૈયારી અંગે વાકેફ કર્યાં
નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ સભા સ્થળની મુલાકાત લીધી હતી. ટેક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સાંસદ સી.આર.પાટીલને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા.
વડાપ્રધાનને આવકારવા પાંચ ડોમમાં જનમેદની ઉમટશે : આર.સી. પટેલ
જલાલપોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું કે, કુલ પાંચ ડોમમાં જનમેદની ઉમટશે, આ માટે આયોજન પણ કરી દેવાયું છે. જલાલપોર વિધાનસભામાં સમાવિષ્ટ 67 અને નવસારી વિધાનસભા મત વિસ્તારના 35 સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને તેમના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને ઉષ્માભેર આવકારવા માટે ઉપસ્થિત રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વર્ષોથી પડતર જમીન પર મોદીના આગમનને પગલે વીજલાઈન નાંખવી શરૂ કરાઈ
નવસારીના વાંસી બોરસી ખાતે ઘણા સમયથી પડતર રહેલી આ જમીન પર વીજલાઈન લાવવાથી માંડીને ટ્રાન્સફોર્મર ઉભા કરવાની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. કુલ પાંચ ડોમમાં યોજાનારા આ સમારોહમાં એક ડોમમાં 300 અને બાકીના ચાર ડોમમાં 150 એલઈડી લાઈટ લગાવવામાં આવશે. જે માટે વીજ કંપની દ્વારા કાસામરીન રિસોર્ટથી સભાસ્થળ સુધી 1 કિમીથી વધુ લંબાઈની અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વીજલાઈન નાંખવામાં આવી છે. પાંચ ડોમમાં કુલ 40 એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે.
સભાસ્થળે પાવર સપ્લાય માટે 500 કેવીના 12 ટ્રાન્સફોર્મર ગોઠવવામાં આવ્યા છે. ડીજીવીસીએલ દ્વારા 21 કનેકશન આપવામાં આવ્યા છે. આ સિવાય 38 નંગ ડિઝલ જનરેટર (ડીજી)ના સેટ પણ સ્ટેન્ડ બાય સોર્સ તરીકે રાખવામાં આવ્યા છે. કુલ ચાર સોર્સ વીજ સપ્લાય માટે તૈયાર કરાયા છે.