SURAT

સુરત જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે ઉમેદવારોનો રાફડો, 17 ઉમેદવાર મેદાનમાં

બારડોલી, વાંકલ: સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શનિવારના રોજ ઉમેદવારી નોંધાવવા માટે એક મહિલા સહિત 17 જેટલા ઉમેદવારોએ પક્ષના ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આટલા બધા ઉમેદવારો પ્રમુખ પદની રેસમાં આવતા પક્ષમાં ચાલતો આંતરિક જૂથવાદ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વની ગતિ તેજ કરી છે. મંડળોમાં પ્રમુખની રચના બાદ હવે જિલ્લા પ્રમુખોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. સમગ્ર રાજ્યમાં એકસાથે થયેલી પ્રક્રિયામાં સુરત જિલ્લા સંગઠન પ્રમુખ માટેની પસંદગી માટે ઉમેદવારીપત્રો ભરવાની કાર્યવાહી બારડોલી સ્થિત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી અધિકારી જીવરાજભાઈ, સહાયક ડો.શિરીષભાઈ ભટ્ટ, સહાયક ચૂંટણી અધિકારી કેતનભાઈ પટેલ તેમજ કમલેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી પ્રક્રિયામાં કુલ 17 ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં વર્તમાન પ્રમુખ ભરતભાઇ રાઠોડનો પણ સમાવેશ થાય છે.

બપોર બાદ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી કરીને જિલ્લાના ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો અને ચાર ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં જે ચર્ચા થઈ છે તે રિપોર્ટ અને મંજૂર 17 ફોર્મ લઈને 6ઠ્ઠીએ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ કક્ષાએથી અંદાજિત 8મીના રોજ પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા છે.

પત્રિકા કાંડ બાદ જૂથવાદથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો?
સુરત જિલ્લા ભાજપામાં પત્રિકા કાંડ બાદથી આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે, જે જિલ્લા સંગઠનના પ્રમુખ પદ માટેની દાવેદારીમાં સ્પષ્ટ નજરે પડ્યો હતો. જિલ્લામાં ચાલતા બે જૂથો પૈકી માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના તાલુકામાંથી કુલ 8 જેટલા ઉમેદવારીઓએ પ્રમુખ પદ માટે દાવેદારી કરી છે. મંડળોમાં પ્રમુખની વરણીમાં ગણપત વસાવા જૂથની અવગણના કરવામાં આવી હોય અને સંદીપ દેસાઇ જૂથનો હાથ ઊંચો રહ્યો હોવાની ચર્ચા છે. જેને લઈને માંગરોળ તાલુકામાં ચાલતી નારાજગીને લઈને જિલ્લા સંગઠનમાં 8 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું ભાજપનાં આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરત શહેરમાં સક્રિય સભ્ય પદે કાર્યરત માજી ધારાસભ્ય ઝંખના પટેલની પણ ઉમેદવારી
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ચોર્યાસીના માજી ધારાસભ્ય ઝંખના પટેલે પણ ઉમેદવારી કરી છે. જો કે, તેઓ હાલમાં સુરત શહેરમાં સક્રિય સભ્ય પદે કાર્યરત હોય તેઓ જિલ્લામાં કઈ રીતે ઉમેદવારી કરી શકે તેવા સવાલો ઊભા થયા છે. તો બીજી તરફ માંગરોળમાંથી ઉમેદવારી કરનાર ધર્મેન્દ્રસિંહનાં પત્ની જિલ્લા પંચાયતમાં હાલમાં સભ્ય છે. તેઓ પણ પાર્ટીએ નક્કી કરેલા નિયમોમાં ફિટ બેસતા નથી. ત્યારે ઝંખના પટેલ અને ધર્મેન્દ્રસિંહ બંનેના ફોર્મ રદ થવા જોઈએ પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા તેમનાં ફોર્મ પણ માન્ય રાખવામાં આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.

ઉમેદવારોનાં નામ
અનિલ શાહ – પીપોદરા, માંગરોળ, જિતેન્દ્ર પટેલ (બામણી)-બારડોલી, ભરતભાઈ રાઠોડ-કામરેજ, મહેશભાઈ વસાવા-બારડોલી, બળવંતભાઈ પંચાલ-તરસાડી, માંગરોળ, કિશોરસિંહ કોસાડા-તરસાડી, માંગરોળ, રાજેશ ભગુભાઈ કટારિયા-માંગરોળ, દીપકભાઈ વસાવા-માંગરોળ, કિશોરભાઈ માહ્યાવંશી-બારડોલી, અજિતસિંહ રાઉલજી-ઓલપાડ, જયેશભાઈ પટેલ-માંગરોળ, ધર્મેન્દ્રસિંહ સોલંકી-માંગરોળ, કાંતિભાઈ પટેલ-ઓલપાડ, ભરતભાઈ નટવરભાઈ પટેલ-માંગરોળ, વિમલભાઈ પટેલ-ઓલપાડ, આશિષભાઈ ઉપાધ્યાય-માંડવી અને ઝંખનાબેન પટેલ-ચોર્યાસી

Most Popular

To Top