સુરતઃ શહેરના કોટ વિસ્તારમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટરિયા પુરની સ્થિતિ સર્જાતાં સ્થાનિકોની હાલત કફોડી થવા પામી છે.
ભરશિયાળામાં રસ્તાઓ અને ગલીઓમાં પાણીનો ભરાવો થતાં વાહન ચાલકો જ નહીં પરંતુ રાહદારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોની ફરિયાદને પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા ગઈકાલે બુધવારે ડ્રેનેજ લિકેજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આજે સવારથી જ પુનઃ ગટરીયા પૂર આવતા ડ્રેનેજ વિભાગે કામગીરીમાં નકરી વેઠ ઉતારી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
ફરી ગટરો ઉભરાતા આજે સુરત મહાનગર પાલિકાનાં ડ્રેનેજ વિભાગ દ્વારા લીકેજની સમસ્યા દુર કરવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ કાદરશાની છેલ્લા બે દિવસથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. સ્થાનિકો દ્વારા આ અંગે મહાનગર પાલિકાનાં વહીવટી તંત્ર સમક્ષ ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાન આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.
આજે પણ વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં નોકરી – ધંધે જનારા રાહદારીઓ અને વાહનચાલકોની સાથે – સાથે શાળાએ જતા ભુલકાઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ ફરિયાદ કરતા કહ્યું કે, છેલ્લા બે દિવસથી ઘરમાં કેદ છીએ. મેટ્રોના ખોદકામ પછી આ નવી સમસ્યા ઉભી થઈ છે. તંત્ર મશીનો મૂકીને જતી રહે છે પણ પાણીનો નિકાલ થતો નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.
જો કે, ડ્રેનેજ વિભાગ દ્વારા સમગ્ર ઘટના અંગે મગનું નામ મરી પાડવાને બદલે કામગીરી ચાલી રહી હોવાનો અને એકાદ દિવસમાં ભંગાણનું રિપેરીંગ કરી દેવામાં આવશે તેવો સૂર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.