સુરતઃ કોલકત્તાથી સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટે હવામાં જ યુટર્ન મારતા પેસેન્જરોના જીવ અદ્ધર થયા હતા. આ ફ્લાઈટ કોઈક કારણોસર અડધે રસ્તેથી પરત કોલકત્તા ફરી હતી. આ તરફ સુરત એરપોર્ટ પર પેસેન્જરો ફ્લાઈટની રાહ જોતા રહી ગયા હતા. ફ્લાઈટ કેમ પરત ફરી અને સુરત એરપોર્ટ પર ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર રોજ સવારે 4.55 કલાકે એર ઈન્ડિયા એક્સપ્રેસની I5588 નંબરની ફ્લાઈટ કોલકત્તાથી સુરત આવવા ઉપડતી હોય છે. આજે આ ફ્લાઈટ કોલકત્તાથી 5.52 કલાકે ઉપડી હતી. આ ફ્લાઈટ સવારે 8.05 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચવાની હતી, પરંતુ કોઈ કારણસર તે આવી નહોતી. જબલપુર નજીક પહોંચ્યા બાદ ફ્લાઈટે યુટર્ન લીધો હતો. ફ્લાઈટ પરત કોલકત્તા જવા રવાના થઈ હતી. તેના લીધે ફ્લાઈટમાં બેઠેલાં મુસાફરો તથા સુરત એરપોર્ટ પર રાહ જોતા પેસેન્જરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ફ્લાઈટ કેમ પરત ફરી તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. ફ્લાઈટમાં કોઈ ખામી સર્જાઈ હતી કે કેમ તે અંગે પણ કોઈ ઈન્ફોર્મેશન એરલાઈન્સ તરફથી જાહેર કરાઈ નથી. ફ્લાઈટે યુટર્ન લીધો તે પહેલાં તે 38,000 ફૂટ પર ઉડી રહી હતી. કેબિન પ્રેસર ઇશ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.