સુરત(Surat) : શહેરના હરીપુરા (Haripura) હાડીધોયા શેરીના એક મકાનના બીજા માળે વહેલી સવારે અચાનક ધુમાડો નીકળતો દેખાતા પાડોશીઓએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. એક વૃદ્ધની જાગૃતતાને પગલે હીરાનું સફાઈ કામ કરતી કંપનીની ઓફિસમાં કામ કરતા 6 કારીગરોનો જીવ બચાવી શકાયો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ આજે સવારે 7:55 નો હતો. ઘર નંબર 1262, હરીપુરા હાડી ધોયા શેરીના એક મકાનના બીજા માળે ધુમાડો નીકળતો હોવાનો કોલ મળતા જ ઘાંચી શેરીની ફાયર ટીમને રવાના કરી દેવાઈ હતી. સમયસર ઘટનાની જાણ થતાં મોટી દુર્ઘટના ટાળી શકાય હતી. આગ લાગી ત્યારે હીરાની ઓફિસમાં સૈદુલ, સાયપુલ, વ્યાસ, હલીમ, મલિક અને આલિમ નામના 6 કારીગરો અંદર હતા તેઓનો આબાદ બચાવ થયો હતો.
ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે (રોડિયમ મશીન) પાણી ગરમ કરવાના હીટર મશીનમાં આગ લાગતા ધુમાડો બંધ રૂમમાં ઘેરાઈ ગયો હતો. તમામ કારીગરો ઊંઘમાં હતા. ફાયરના જવાનોએ તમામને હેમખેમ બહાર કાઢી બચાવી લીધા હતા. આગને પણ કંટ્રોલમાં લઈ લેવામાં આવી હતી.
હીરા સફાઈ કરતી ઓફિસમાં પાણીનો મારો ચલાવતા થોડું નુકશાન થયું છે. જોકે મોટી દુર્ઘટના ટાળી શકાય હતી. આગ કંટ્રોલ થયા બાદ ટોરેન્ટ પાવર અને પોલીસને જાણ કરતા તેઓ બન્નેની ટીમ સ્થળ પર આવી ગઈ હતી.
ફાયરને ફોન કરનાર વૃદ્ધ શૈલેષભાઇ મોદીએ જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન વાંચવામાં આવેલું કે ધુમાડો નીકળે એટલે આગ લાગી હોવાનું સમજવું બસ સામેના મકાનના બીજા માળે ધુમાડો નીકળતો જોઈ ફાયર ને જાણ કરી જાગૃત નાગરિકની વ્યાખ્યા આપી ધર્મ નિભાવ્યો છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે હિટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સમયસર જાણ કરાતા મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.