SURAT

સ્ટાર બજારની સામે રસ્તા પર વેચાણ માટે મુકેલા ફટાકડામાં આગ ફાટી નીકળી

સુરત(Surat) : શહેરના અડાજણ (Adajan) વિસ્તારમાં આવેલા સ્ટાર બજાર (StarBazar) સામે એલપી સવાણી (LPSavani) રોડ પર ફૂટપાથ (FootPath) પર ફટાકડાના (Crackers) સ્ટોલમાં આગ (Fire) લાગી હોવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લઈ લીધી છે. કોઈ નુકસાનીના અહેવાલ નથી.

આજે ગુરુવારે સવારે એલપી સવાણી રોડ પર સ્ટાર બજારની સામે ક્રોમા નજીક ફૂટપાથ પર ફટાકડાના સ્ટોલમાં આગ ફાટી નીકળી હતી. આગના લીધે એક બાદ એક ફટાકડા ફૂટવા લાગ્યા હતા. ફટાકડા સળગીને આડેધડ ચિંગારી ફેંકતા હોય રાહદારી અને વાહનચાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી. લોકો દૂર ભાગી ગયા હતા. રસ્તા પર અવરજવર બંધ થઈ હતી, જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ફાયરના સૂત્રોએ કહ્યું કે, બપોરે 1.03 વાગ્યે આગ લાગી હતી. કોલ નહોતો મળ્યો. આગ લાગી હોવાનું ધ્યાન પર આવતા તરત જ ફાયરના અધિકારીઓ દોડી ગયા હતા. 10 મિનીટમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ફટાકડા સળગી ગયા હતા. અન્ય કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. આ મામલે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરી દેવાયો છે.

રસ્તા પર ફટાકડા વેચવાનો પરવાનો કોણ આપે છે?
એલપી સવાણી રોડ પર ઠેરઠેર ફૂટપાથ પર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. આ ફટાકડાના વિક્રેતાઓને રસ્તા પર ફટાકડા મુકી વેચવાની પરવાનગી કોણ આપે છે તે પ્રશ્ન ઉઠ્યો છે. ફટાકડાના વેચાણ માટે પાલિકા, કલેક્ટર, પોલીસ, ફાયર બ્રિગેડના લાયસન્સની જરૂર હોય છે, પરંતુ રસ્તા પર વેચનારા આવી કોઈ પરવાનગી લેતા નથી. તેમ છતાં કલેક્ટર, સુરત મનપાનું તંત્ર આંખે પાટા બાંધી લોકોના જીવને જોખમમાં મુકી રહ્યાં હોવાનું ચિત્ર ઉભું થયું છે.

Most Popular

To Top