સુરત: સુરતના (Surat) રામપુરા પેટ્રોલ પમ્પ (Rampura Petrol Pump) નજીક આવેલી એક લેબમાં મધરાત્રે અચાનક બ્લાસ્ટ (Blast) થયા બાદ આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ 9 MM નો કાચ અને શટલ તોડી આગની જવાળા બહાર નીકળતા લોકોમાં ભય નો માહોલ દેખાયો હતો.
નજરે જોનાર યુવકે જણાવ્યું હતું કે બ્લાસ્ટ બાદ 3 માળ ના 9 ફ્લેટ ધારકો નીચે દોડી આવ્યા હતા. જોકે ફાયરના જવાનોએ સમયસર પહોંચી જઈ આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ વહેલી સવારે 3:42 મિનિટનો હતો. રામપુરા પેટ્રોલ પમ્પ પાસેની દેસાઈ મેટ્રોપોલી પેથોલોજી સ્પેશિયાલિસ્ટ લેબમાં અચાનક આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી હતી. જેને લઈ આજુબાજુના ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરાઈ હતી. એટલું જ નહીં એક કલાકના ટૂંકા સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. લોકોની ભીડ વચ્ચે પોલીસની હાજરીમાં ફાયરના જવાનોએ આગ પર કંટ્રોલ મેળવ્યો હતો.
મહેશ પટેલ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કોલ મળતા જ ઘાંચી શેરી અને મુગલીસરા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગને કંટ્રોલ કર્યા બાદ કુલિંગ કામગીરી હાથ ધરાઈ હતી. એસી, કોમ્પ્યુટર ફોડ મિલીન આલ્કોહોલ સહિતનો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો. શટલ અને 9 mm નો કાચ પણ ધડાકા સાથે તૂટીને જમીન પર વેરવિખેર પડેલો હતો. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ અને આલ્કોહોલ જવાબદાર હોય શકે એવું અનુમાન છે. ઘટના બાદ લેબના મેનેજર અને કર્મચારી દોડી આવ્યા હતા.
જેનિષ પટેલ (રહેવાસી) એ જણાવ્યું હતું કે 3 માળ ના એપાર્ટમેન્ટમાં 7-8 દુકાનો આવેલી છે. જેમાં આ એક દેસાઈ મેટ્રોપોલી પેથોલોજી સ્પેશિયાલિસ્ટ લેબનો પણ સમાવેશ થાય છે. તેઓ ત્રીજા માળે રહે છે અચાનક જોરદાર ધડાકો થયો હોવાનું અવાજ સાંભળી તેઓ ઉંઘમાંથી જાગી ગયા હતા. દોડીને નીચે ઉતરતા લોકોમાં ભાગદોડ જોવા મળી હતી. તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા.