SURAT

VIDEO: સુરતના સીમાડામાં ગેરકાયદે કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, એકનું મોત

સુરતઃ શહેરના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા એક કેમિકલના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. વાલમનગરમાં આવેલા આ ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયરે 5 કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

શહેરના પુણા સીમાડા વિસ્તારમાં આવેલો વાલમનગર વિસ્તાર આજે સવારે આગના ધૂમાડાથી ઘેરાઈ ગયો હતો. અહીં એક કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં કેમિકલ હોય આગે ગણતરીની મિનિટોમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનની અંદર કામ કરતા કામદારો ફસાઈ ગયા હતા. બીજી તરફ આગની જ્વાળાઓ ઉઠવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના મકાનો ખાલી થઈ ગયા હતા. લોકોએ આગ ઓલવવા પ્રયાસ કર્યો પરંતુ કેમિકલ સળગતું હોવાના લીધે નિષ્ફળતા મળી હતી.

લોકટોળાએ જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો અને ગોડાઉનની અંદર ફસાયેલા 5 કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું. વધુમાં મળતી માહિતી અનુસાર વાલમનગરમાં આવેલા આ કેમિકલના ગોડાઉનમાં પતરાંના શેડનો ગેરકાયદે ડોમ બનાવાયો હતો, જે આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે, 5 લોકો ફસાયા હતાં. જેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એક મૃતદેહ પણ મળી આવ્યો છે. સમગ્ર પતરાનો શેડ ગેરકાયદેસર રીતે ઉભો કરવામાં આવ્યો હતો. તેમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ લાગી ગઈ હતી. હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બે દિવસ પહેલાં હીરાના કારખાનામાં લાગેલી આગમાં એકનું મોત
સુરત: કતારગામના આરવી ઓર્નામેન્ટ કારખાનામાં મંગળવારે તા. 24 સપ્ટેમ્બરે આગ લાગી હતી. તેમાં 14 કારીગર દાઝી ગયા હતા. ચાર કારીગર ગંભીર રીતે દાઝ્યા હતા. 4 પૈકી એક કારીગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હજી ત્રણ કારીગરની હાલત ગંભીર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આરવી ઓર્નામેન્ટ નામથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં હીરા ઉપરની ધૂળ દૂર કરવા અને તેને સાફ કરવા માટે ગેસ લાઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો. મંગળવારે સવારે ત્રીજા માળે હીરા સફાઈ કરતી વેળાએ ગેસ લાઈનમાં કોઈ કારણસર અચાનક આગ લાગી ગઈ હતી.

આગના કારણે કારખાનામાં કામ કરતા 14 કારીગર દાઝી ગયા હતા. જે પૈકી ચાર ગંભીર રીતે દાઝ્યા હતા. ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. દાઝેલાઓને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 પૈકી નવાબ શેખ, ઇમરાન અલી, કોસાજીત પંડિત અને અસદ અલી ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગંભીર રીતે દાઝેલા પૈકી 24 વર્ષિય નવાબ નબીનાથ શેખ (રહે.,લાલ દરવાજા, મૂળ રહે.,પશ્ચિમ બંગાળ)નું બુધવારે બપોરે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવાબ શેખ સુરત ખાતે એકલો રહેતો હતો. નવાબ શેખની પત્ની વતનમાં રહે છે. નવાબ આરવી ઓર્નામેન્ટ કારખાનામાં સોના-ચાંદીના દાગીનામાં હીરા ચોંટાડવાનું કામ કરતો હતો. હજી ત્રણ કારીગર ગંભીર ઇજાગ્રસ્ત છે.

Most Popular

To Top