સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી એક ડાયમંડ ફેક્ટરીમાં આજે મંગળવારે તા. 24 સપ્ટેમ્બરના રોજ આગ ફાટી નીકળી છે. ડાયમંડ ફેક્ટરીની ગેસ પાઈપ લાઈનમાં અચાનક બલાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 રત્નકલાકાર દાઝ્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગી છે. ફેક્ટરીની પેન્ટ્રીમાંથી પસાર થતી ગેસ પાઈપ લાઈનમાં ધડાકો થયો હતો. આગની ઝપેટમાં આવતા ફેક્ટરીમાં કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. બે વ્યક્તિની હાલત ગંભીર હોય તે બંનેને સારવાર અર્થે નજીકની કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે બની ઘટના?
ઘટના બની ત્યારે ફેક્ટરીમાં ક્લીનીંગની કામગીરી ચાલી રહી હતી. એકાએક ગેસ લાઈનમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. હીરા ઉપરની ધૂળ સાફ કરવા માટે આ ગેસ લાઈનનો ઉપયોગ કરાતો હતો. એકાએક બ્લાસ્ટ થતા હીરાના ક્લીનીંગનું કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા.
ફાયર ઓફિસરે શું કહ્યું?
આ ઘટના અંગે ફાયર ઓફિસર રમેશ સેલરે કહ્યું કે, કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી. ફાયરની ટીમ પહોંચે તે પહેલાં 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કયા કારણોસર બ્લાસ્ટ થયો તે જાણવા મળ્યું નથી.
ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે, કોલ મળતાં જ કતાર ગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેશફાયરથી બે કારીગર ગંભીર રીતે દાઝ્યા હતાં. ઘુમાડાને હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લિકેજ થતાં આગ લાગી હોય શકે છે. 6 ફાયરની ગાડીઓ અને બ્રાઉઝર આવ્યા હતાં.