સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો વચ્ચે ઝઘડો થતા પાંચ વ્યક્તિએ ફોટોગ્રાફરોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સાપુતારા રહેતા શૈલેષ યાદવ સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓની ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શૈલેષભાઈ તથા તેમના નાના ભાઈ નિલેશ અને આદિત્ય જીતેન્દ્ર પાંડે સાથે મોટરસાયકલ ઉપર કેમેરો લઈ સાપુતારા ગવર્નર હિલ ઉપર પ્રવાસીઓના ફોટા પાડી રહ્યા હતા. તે વખતે શૈલેષભાઈ સાથે કામ કરતો આદિત્ય પાંડેએ શૈલેષભાઈના કેમેરાથી પ્રવાસીના ફોટો પાડતા હતા. ત્યારે ટેબલ પોઈન્ટ ઉપર ફોટોગ્રાફીનું કામ કરતો શુભમ રાજપુતે આવી આદિત્યને અપશબ્દ બોલી તું મોટો કેમેરો કેમ લઈને આવેલો છે તારા લીધે અમારો ધંધો થતો નથી. કહી શુભમ શૈલેષભાઈ સાથે મારા મારી કરવા લાગ્યો હતો. જ્યાં શુભમ રાજપુતનો પક્ષ લઈ રોશન અશોક પાંડેએ આવી શૈલેષભાઈને તથા નિલેશને માર મારવા લાગ્યા હતા તે સમયે શૈલેષભાઈના મિત્ર બબલુભાઈ વચ્ચે પડ્યા હતા.
જોકે પછી સાંજે શૈલેષભાઈ ટેબલ પોઇન્ટ ઉપર આવ્યા ત્યારે તેમનો ભાઈ નિલેશ તેમની બોલેરો ગાડીમાં સુતેલો હતો. તે સમયે સવારના ઝઘડાનુ મન દુ:ખ રાખી રોશન પાંડે, ઉજ્જવલ પાંડે, રીંકી પાંડે તથા દિવ્યેશ પાંડેએ શૈલેષ તથા નિલેશને માર મારી ઉજ્જવલે લાકડાનો ડંડો લઈ નિલેશને ફટકારવા લાગ્યો હતા. જેથી બંને ભાઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે ફરી વાર લાગમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં શૈલેષભાઈએ સાપુતારા પોલીસ મથકે ૧. શુભમ રાજપૂત (હાલ રહે. બોરગાવ) ૨. રોશન પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૩. ઉજ્જવલ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૪. રિંકી પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) ૫. દિવ્યેશ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી) સામે ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.