Columns

એક પચાસની નોટ

એક માજી ધીમે ધીમે ચાલીને જઈ રહ્યાં હતાં અને સતત જમીન પર જોઇને નીચે કંઈ શોધી રહ્યાં હતાં.ત્રણથી ચાર વાર માજીએ આમથી તેમ ચાલીને કૈંક શોધ્યું.પણ પરિણામ શૂન્ય.માજીની આંખોમાં આંસુ આવી ગયાં,બાજુમાંથી એક સ્કૂલમાં ભણતો નાનો છોકરો જતો હતો. તેણે માસુમિયત સાથે પૂછ્યું, ‘દાદી, શું થયું, કેમ રડો છો? કૈંક ખોવાઈ ગયું છે?’
માજીએ કહ્યું, ‘દીકરા, મારી છેલ્લી પચાસની નોટ પર્સમાંથી પડી ગઈ છે અને કયારની શોધી રહી છું, મળતી નથી. ખબર નહિ કોણે લીધી હશે? જેવી ભગવાનની મરજી.માજી રડી પડ્યાં.’

છોકરાએ કહ્યું, ‘દાદીમા, મારી સ્કૂલમાં ટીચરે એક રીત શીખવાડી છે , બોર્ડ પર એક ખૂણો રાખ્યો છે જયાં જેની કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તેણે લખવાનું કે મારી આ… વસ્તુ ખોવાઈ ગઈ છે જેને મળી હોય તે આપી જજો.મારી પાસે એક આઈડિયા છે; મને તમારું એડ્રેસ આપો.’આટલું કહીને છોકરાએ પોતાની નોટબુક કાઢી અને એક પેપર ફાડીને તેની પર લખ્યું -‘મારી ૫૦ રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે , જેને મળી હોય તે નીચેના સરનામે આપી જજો અને તેણે માજીનું એડ્રેસ લખ્યું.’અને તે પેપર જ્યાં માજીની ૫૦ ની નોટ ખોવાઈ હતી ત્યાં પાસેની ભીંત પર બધાને દેખાય તેમ ચીટકાવી દીધું.પછી માજીને કહ્યું, ‘દાદી, રડો નહિ અને ઘરે જાવ. ચોક્કસ જેને નોટ મળી હશે તે તમને આપી જશે.’છોકરાને માજીએ ઘણા આશિષ આપ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે ‘દીકરા, તારું મન સાફ છે પણ આ દુનિયા તો બહુરંગી છે કોઈ એમ મળેલા પૈસા પાછા આપવા ન આવે.’

તેઓ પૈસા પાછા મળવાની આશા છોડી ઘરે ગયાં અને સુનમુન બેઠાં હતાં ત્યાં થોડી વારમાં એક બહેન આવ્યાં અને કહ્યું, ‘માજી, આ લો તમારી ૫૦ ની નોટ મને મળી હતી, પણ ખબર ન હતી કોની છે.’માજી ખુશ થઇ ગયાં.બહેનને ઘણા આશિષ આપ્યા. બહેન ગયાં અને થોડી વારમાં એક કાકા આવ્યા, ‘લો બહેન, તમારી ૫૦ ની નોટ…’કહીને ૫૦ રૂપિયા આપ્યા.લગભગ ચાર કલાકમાં માજીને આઠથી દસ જણા પૈસા આપી ગયા.માજી ના પાડતાં રહ્યાં, કહેતાં રહ્યાં કે મારી એક જ ૫૦ની નોટ હતી અને સામે ઘણી મળી ગઈ છે.પણ બધા આગ્રહ કરી ૫૦ રૂપિયા આપીને જ જતા. માજી રડી પડ્યાં કે મેં દુનિયાને બહુરંગી કહી પણ આટલા બધા લોકોના મન આવા પરોપકાર અને પ્રેમથી રંગેલા હશે તેની મને ખબર જ ન હતી.માજી જ્યાં ચિઠ્ઠી લખી હતી ત્યાં ગયા તે લખાણ છેકી નાખી લખ્યું ‘આ મારી એક ૫૦ ની નોટ શોધીને મને આપનાર દરેકનો ખૂબ ખૂબ આભાર.’ દુનિયા,ખરાબ નથી સારપના રંગો પણ છુપાયેલા છે.

Most Popular

To Top