ભારતીય મૂળની મહિલા કેપ્ટન હરપ્રીત ચાંડીએ ઈતિહાસ રચ્યો: હાડ ગાળતી ઠંડી વચ્ચે દક્ષિણ ધ્રુવ પર પહોંચી! ત્રણ વર્ષ પહેલાં જેને ધ્રુવીય વિશ્વ વિશે કંઈ જ ખબર ન હતી. ઝડપથી ફૂંકાતા પવન અને માઈનસ ૫૦ ડિગ્રી તાપમાનનો સામનો કરી મુશ્કેલ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી છેવટે વાસ્તવિકપણે દક્ષિણ ધ્રુવ પર એકલી પહોંચી! દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવું કોઈ પણ સંજોગોમાં સહેલું નથી. ગોરી નહોતી તેથી પશ્ચિમમાં ચકચાર જામી કે ૪૦ દિવસમાં અને ૭૦૦ માઈલ કે ૧૧૦૦ કિમીનું અંતર? સાહસિક હરપ્રીત ચાંડી એ એકલ અભિયાન પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બની છે! ધ્રુવીય મહિલા કેપ્ટન હરપ્રીત ચાંડી ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમમાં મેડિકલ રેજિમેન્ટ સાથે સંકળાયેલા બ્રિટિશ શીખ આર્મી ઓફિસર છે. તે હાલમાં લંડનમાં રહે છે. ફિઝિયોથેરાપીસ્ટ પોલર પ્રીત (Polar Preet)તેની ખાસ ઓળખ છે. બ્રિટિશ આર્મીમાં તેની ફરજ ક્લિનિકલ ટ્રેનિંગ ઓફિસરની છે.
અસામાન્ય કરવાની જિદ કે ઝંખના જ આવું સાહસ કરવાની હિંમત બને છે. ધ્રુવ ફતેહ કરવાના અભિયાન પહેલાં હરપ્રીતે ૨૭ દિવસ સુધી ગ્રીનલેન્ડમાં આઈસ કેપ પર તાલીમ લીધી. ધ્રુવીય તાલીમ માટે કેટલાંક મહિના સુધી અભ્યાસ કરતાં બે ભારી ટાયર ખેંચ્યાં હતા.એન્ટાર્કટિકામાં જે ભારે સ્લેજ ખેંચવાં પડે તેના વિકલ્પ તરીકે આકરી કસરત જરૂરી હતી. ૪૦ દિવસની આક્રમક યાત્રા દરમિયાન તેની પાસે પલ્ક અથવા સ્લેજ એક જમીન પરનું વાહન હતું જે સામાન્ય રીતે બરફ અથવા બરફની સપાટી પર સરકતું હતું. માઈનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસના તાપમાન સામે સંરક્ષણ આપતાં સાધનોની એક કીટ હતી.
આ અભિયાન હંમેશા ધાર્યા કરતાં વધારે અઘરું હતું. પોતાને આગળ ધપાવવા તેણે આત્મવિશ્વાસ કેન્દ્રિત કર્યો, માર્ગમાં ગંભીર માંદગીમાં પટકાઈ પણ તેની સામે લક્ષ્ય જ પ્રબળ શક્તિ હતી. તે આગળ વધી, એકલપંથ પ્રવાસી બની, પોતાના જુસ્સાને અનુસરી, પ્રશિક્ષિત સૈન્ય અધિકારીની જેમ સાહસિક સફર પ્રતિકૂળ સંજોગોમાં આગળ ધપાવ્યે રાખી,મનને પરોવી રાખવા ભાંગડા કરી અને પંજાબી ગીતો સાંભળી યાત્રાને આનંદદાયક બનાવતી રહી. એન્ટાર્કટિકાથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ પણ સમર્થન વગર સોલો વોક પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાની સિધ્ધિ હાંસિલ કરવા સહન ન થઈ શકે તેવા પવનના ઝાપટાંનો સામનો કર્યો, પારો નમતો હતો પણ ઈરાદો મજબૂત હતો. સંઘર્ષને તે વીડિયો મારફત, સંપર્ક જાળવતા, ઝંઝાવાતનાં દ્રશ્યો પણ ઝબકાવતી રહી. આખરે તેણે ખુદની મદદ કરી ,કડકડતી ઠંડીમાં હોઠ પણ ફફડે ત્યારે ધ્રુવીય પ્રીત બનવાનું ધ્યેય તેને કપરા ચઢાણ અને લપસતી ભોમ પર બળ આપતું હતું. ફક્ત દક્ષિણ ધ્રુવ સુધી જવું એ જ અસાધારણ પ્રયાસ છે અને આ માર્ગ જ અત્યંત કઠીન છે, તેમાં એકલાં ઝંપલાવી ફતેહ મેળવવી એ ખરેખર જિંદાદિલી કહેવાય. દક્ષિણ ધ્રુવ સર કરી પોતાની સિદ્ધિ વિનય સાથે સ્વીકારી. અસહ્ય ઠંડી, દુર્ગમ ટ્રેક, વચ્ચે વિઘ્નો પણ જેની મહત્ત્વાકાંક્ષા ક્ષિતિજને સ્પર્શવાની હોય તેને કોણ રોકી શકે!