Business

કાગ વાસમાં ભળ્યો પ્રેમનો અહેસાસ

પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવાનો મહાપર્વ એટલે કે પિતૃપક્ષનું શ્રાદ્ધનો પ્રારંભ થઈ ચૂકયો છે. 15 દિવસમાં 16 શ્રાદ્ધ થકી પિતૃઓને ખુશ કરવામાં આવે. શ્રાદ્ધ એટલે પૂર્વજો માટેના પ્રેમનો દિવસ. આ દિવસે લોકો પોતાના ઘરના વ્યક્તિઓ જેઓ મૃત્યુ પામ્યા હોય તેમને મનગમતા પકવાન પણ ચઢાવે છે. માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓ કાગડાનું રૂપ લઈ પૃથ્વી પર પોતાનું મનપસંદ ભોજન આરોગવા આવે છે. આવી માન્યતાની સાથે લોકો પોતાના સ્વજનોની આત્માની શાંતિ માટે તેમની અધૂરી ઈચ્છાઓ કે મનગમતી વાનગીઓનું કાગવાસ નાખે છે. આમ તો કોરોનામાં ઘણાંય ઘરોમાં પોતાના સગાસબંધીઓ ગુમાવ્યાં. ત્યારે જે લોકો કોરોનામાં દવા વિના , ઓક્સિઝન કે રેમ્ડેસીવિર ઈંજેકશનના અભાવે મૃત્યુ પામ્યા એમના સ્નેહીજનો આ વર્ષે અગાસીમાં ખીર પુરીની સાથે ઓક્સિજન કે રેમ્ડેસીવિર પણ મૂકી રહ્યાં છે.

અધૂરી ઈચ્છા પૂરી કરવાનો અનોખો પ્રયાસ

હવે પિતૃપક્ષને શ્રાદ્ધમાં સુરતીઓએ નવીનતા ઉમેરી છે. કોરોના બાદ આમ તો બધુ જ બદલાઈ ચુકયું છે. જે કપરા સમયમાંથી આપાણે પાસર થયા એ કોને ભૂલાય? દવા અને ઈંજેકશન માટે રઝળતા લોકો, જેમને ખબર જ છે કે જો સમયસર સારવાર નહીં મળે તો પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવશે પણ કરે પણ શું ? મેડિકલ સવલતના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યો તેમના સ્નેહીજનો આ શ્રાદ્ધમાં પિતૃપક્ષની આત્માની શાંતિ માટે એક અનોખો પ્રયત્ન કરતાં અંકિતા કાકલોતર જણાવે છે કે. ‘’મારા સાસુ કોરોનામાં મૃત્યુ પામ્યાં. એ સમયે અમે અનેક પ્રયત્નો કર્યા એમને દરેક મેડિકલ સવલત મળી રહે. જેમ તેમ હોસ્પીટલમાં સેટિગ કરીને બેડ મળ્યો. ત્યારબાદ જરૂર પડી ઈંજેકશનની, કેટલીય જગ્યાએ ભટકયા, ઓળખાણ લગાવી પણ ઈંજેકશન મળ્યા પહેલા જ તેઓ જતાં રહ્યાં અને એ ઈંજેક્સશન એમ જ પડ્યું હતું, આથી આ શ્રાધ્ધમાં એમના આત્માની શાંતિ માટે રેમ્ડેસીવિર મૂકવાના છીએ. જેથી કરીને એમના આત્માને શાંતિ મળે.’’

વાસમાં ઑક્સીજન કે રેમ્ડેસીવિર મૂકતાં સુરતીઓ

કોરોનાની કપરી પરસ્થિતિ સૌ સુરતીઓ ભોગવી ચૂક્યા છે. આવી લાચારી અગાઉ ક્યારેય સુરતીઓએ ભોગવી ના હતી અનેક સુરતીઓએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અને એ સમય જ એવો હતો કે લોકોને પ્રયત્ન કરવા છ્તાય ઑક્સીજન કે રેમ્ડેસીવિરના અભાવને લીધે અનેકના જીવ ગયાં. માણસ ઈચ્છે તો પણ શું કરી શકે ? કોઈ રસ્તો જ ના હતો. જો કે હાલ પરિસ્થિતિમાં સુધારો થયો છે પણ જે એકવાર ગયા બાદ પાછા તો આવવાના નથી. આથી આવા અનેક લોકો પોતાના સ્વજનોની આત્માને શાંતિ મળી રહે એના માટે જેના અભાવે તેઓ મૃત્યુ પામ્યા એ વસ્તુઓને લઈને અગાસીમાં વાસની સાથોસાથ મૂકી રહ્યાં છે. કેવિન ધોળકિયા જ્ણાવે છે કે, ‘’મારા મમ્મી દર વર્ષે શ્રાદ્ધના દરેક દિવસે અગાસી ઉપર કાગવાસ નાખે છે. તેઓ માને છે કે જરૂરી નથી કે આપણે પોતાનાં સ્વજનોની આત્માની શાંતિ માટે જ વાસ નાખવી, પણ જેનું કોઈ ના હોય તેનું શું ? આથી દરેક આત્માની શાંતિ માટે બધા જ દિવસ અલગ અલગ વસ્તુઓની વાસ નાખે છે. આ વર્ષે અનેક લોકો કોરોનામાં દવા વિના તો કેટલાક સારવાર વિના મૃત્યુ પામ્યા આથી આ વર્ષે કાગવાસની સાથે કોરોનાની દવા પણ વાસ સાથે મૂકીશ જેથી જેઓ દવાના અભાવે મૃત્યુ પામ્યા હોય એમના દિવ્ય આત્માને શાંતિ મળે.’’

વાસનું બદલાયું મેન્યૂ

હવે પિતૃઓ ફક્ત ખીર પૂરી કે દૂધપાક પૂરી જ નહીં પણ અનેક અવનવી વાનગીઓ આરોગશે. જરૂરી નથી દરેક પિતૃઓને ખીર પૂરી જ ભાવે. કોઈક ખાવાના રસિયાઓ અને વળી એમાંય રહ્યાં સુરતીઓ,  તો એકનું એક કાગવાસમાં વર્ષોથી આરોગે એ કેમ ચાલે ? એમાં પણ સુરતી મિજાજને સ્વાદ તો જોઈએ જ ને!!. આથી પોતાના સ્વજનોને ધ્યાને લઈ ખમણ, લોચો, ઢોકળા, ઘારી ભૂસું જેવુ સુરતી ફેમસ ફૂડ પણ વાસમાં રખાય છે. ભાવિકા જણાવે છે કે, ‘’મારા ઘરે આમ તો મારા કાકા સસરાનું શ્રાદ્ધ નંખાય છે, એમને આલુપુરી ખૂબ જ પ્રિય હતી, આથી એ દિવસે અમે બાળકોને આલુપુરી ખવડાવીએ છીએ.’’

Most Popular

To Top