એક ધનવાન માણસ એક સદ્ગુરુ પાસે ગયો અને તેમના પગે પડીને બોલ્યો, ‘ગુરુજી પરેશાન છું …દુઃખી છું …જાણે અગ્નિમાં તપી રહ્યો હોઉં મને શાંતિ જોઈએ છે.’સદ્ગુરુ બોલ્યા, ‘ઈશ્વરે આપેલી અપાર સંપત્તિ, કીર્તિ ,વૈભવ અને શક્તિ હોવા છતાં તમને શાંતિ નથી મળતી!?’ માણસે કહ્યું, ‘ના, મને સમજાઈ ગયું છે કે પૈસામાં સુખ છે પણ શાંતિ નથી.’ સદ્ગુરુ બોલ્યા, ‘વાહ , આ સમજાઈ ગયું છે તો અહીં શું કરો છો ?? જાવ જઈને જેમની પાસેથી છીનવીને આ બધું ભેગું કર્યું છે તે બધાને આપી દો.મારી પાસેથી કૈંક જોઈતું હોય તો ધનવાન નહિ, પણ જરૂરિયાતમંદ બનીને આવજો.’ માણસ ગયો. પોતાનું બધું છોડી દીધું ,દાનમાં આપી દીધું અને પછી તે ફરી સદ્ગુરુ પાસે આવ્યો.સદ્ગુરુ પાસે જઈ પૂછ્યું, ‘ગુરુજી, મેં બધી જ સંપત્તિ તમે કહ્યું તેમ આપી દીધી. હવે આગળ શું માત્ર તમારો આશરો છે.’
પણ અચાનક સદ્ગુરુ ઊભા થયા અને હાથ પકડીને પેલા ધનવાન માણસને જંગલમાં બનેલી પોતાની ઝૂંપડીની બહાર કાઢી મૂક્યો અને દરવાજો બંધ કરી દીધો.પેલા માણસે ઘણી વાર સુધી દરવાજો ખોલવા વિનવણી કરી, પોતાની ભૂલ અને આમ ગુસ્સે થવાનું કારણ પૂછ્યું, પણ અંદરથી કોઈ જવાબ જ ન મળ્યો. આજુબાજુ ઘનઘોર જંગલ હતું અને રાત પડવા આવી હતી.પેલો માંસ અવાચક હતો કે પોતે આટલું સારું કામ કરીને આવ્યો છતાં ગુરુનું આવું વર્તન …પૈસા તો નકામા જ હતા તે સમજાયું હતું, પણ તે પૈસાનો ત્યાગ કરો તે પણ વ્યર્થ..
થોડે દૂર તે થાકીને એક ઝાડ નીચે સૂઈ ગયો…હવે તેને કોઈ ઓળખતું ન હતું , તેની પાસે ન કોઈનો સહારો હતો , ન સાથી …ન ઘર , ન સંપત્તિ,ન હતી સત્તા કે ન હતી કોઈ શક્તિ. હવે તો ન હતું તેની પાસે કંઈ જેનો તે ત્યાગ કરી શકે, ન બચત ,ન ત્યાગ …બસ આમ જ કંઈ જ ન હોવાની સ્થિતિમાં તે સૂઈ ગયો. સવારે ઊઠ્યો તો તેની પાસે કંઈ ન હતું, પણ મનમાં તે અવર્ણનીય શાંતિનો અનુભવ કરી રહ્યો.તેણે જાણ્યું કે જેની પાસે કંઈ નથી હોતું તે નિરાધાર મનને ભગવાનમાં આશ્રય મળે છે અને એટલે ભગવાન પાસે પહોંચેલું મન શાંતિ અનુભવી શકે છે. તે દોડીને સદગુરુનાં ચરણોમાં પડ્યો. ગુરુજીએ તેને ગળે લગાડી કહ્યું, ‘સંપત્તિ છોડવી સહેલી છે, પણ તેનો બધી રીતે ત્યાગ કરવો અઘરો છે. તેં બધાનો ત્યાગ કર્યો છે એટલે હવે તને શાંતિનો અનુભવ થયો અને થતો રહેશે.’