SURAT

દીકરી અમેરિકા જવાની હોવાથી પાસપોર્ટ માટે સુરત આવેલા વાલોડના ખેડૂતને BRTS બસે અડફેટે લેતા મોત

સુરત: તાપી (Tapi) જિલ્લાના વાલોડ (Valod) તાલુકામાં રહેતા ખેડુતની (Farmer) દીકરીને અમેરિકા (America) જવાનું હોવાથી તેના પાસપોર્ટના કામ માટે આખું પરિવાર સુરત પાસપોર્ટ ઓફિસ (Surat Passport Office) આવ્યું હતું. તેઓ ઉધના દરવાજા પર રિલાયન્સ મોલ સામે રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા તે સમયે બીઆરટીએસ (BRTS) બસના ડ્રાઇવરે ખેડુતને અડફેટે (Accident) લેતા તેઓને ગંભીર ઇજા થઈ હતી. ચાર દિવસની સારવાર બાદ આજ રોજ તેમનું મોત(Death) નિપજ્યું હતું

  • જામનિયા ગામના ખેડૂત સંજયભાઈ પટેલ, પત્ની અને દીકરી જીનલ સાથે પાસપોર્ટ ઓફિસની સામે આવેલા રિલાયન્સ મોલમાં જમીને રસ્તો ક્રોસ કરી રહ્યાં ત્યારે જ બસ ચાલકે ઉડાવી દીધા

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર સંજયભાઈ ગુણવંતભાઈ પટેલ ( 52 વર્ષ),મૂળ રહે. કણબિયાવાડ ફળીયું, જામનીયા ગામ, તાલુકો વાલોડ, જિલ્લો તાપી)વ્યવસાયે ખેડુત છે. પરિવારમાં પત્ની અને દીકરી જીનલ છે. તેમના ઘણા સંબંધીઓ અમેરિકામાં રહે છે. તેઓ પણ અવાર-નવાર અમેરિકા જતા હતા.

તેમની દીકરી જીનલને પણ અમેરિકા જવાનું હતું. તેથી જીનલના પાસપોર્ટની તૈયારીઓ ચાલી રહી હતી. સંજયભાઈ પત્ની હસમુતીબેન અને દીકરી જીનલ સાથે ત્રણ એપ્રિલના રોજ સુરતની પાસપોર્ટ ઓફિસ ખાતે આવ્યા હતા. દંપતિ સહિત પુત્રી જીનલ પાસપોર્ટ ઓફિસમાં કામ પતાવીને રિલાયન્સ મોલમાં જમવા માટે ગયા હતા.

તેઓ જમ્યા બાદ પાસપોર્ટ ઓફિસ ખાતે આવી રહ્યાં હતા. અને રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે બ્લ્યુ રંગની બીઆરટીએસ બસના ડ્રાઇવરે સંજયભાઈ પટેલને અડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી. તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ચાર દિવસની સારવાર બાદ આજ રોજ તેમનું મોત નિપજ્યું હતું. હસમુતીબેને બસના ડ્રાઇવર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ધરમપુરમાં ક્રેઇન ચાલકે અડફેટે લેતા આધેડનું મોત
ધરમપુર : ધરમપુરના કૈલાશ રોડ નજીક પંક્ચરની દુકાન પાસે પોતાનાં ઘરનો સામાન લેવા માટે જઈ રહેલા એક આધેડને સામેથી આવી રહેલી ક્રેઇનના ચાલકે અડફેટમાં લેતા તેમને પગ તથા શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ધરમપુરના કૈલાશ રોડ ખાતે રહેતાં દિનેશ મોહન તળાવીયા (ઉવ.52) જેઓ દુકાનમાં ઘરનો સામાન લેવા માટે ચાલતા જઈ રહ્યા હતા. તેજ અરસામાં અનિલભાઈની પંક્ચરની દુકાન પાસે તસ્કરી તલાટ તરફથી ક્રેઇનનો ચાલક ઇમામ એહમદ અલી (રહે. લાકડમાડ મૂળ રહે. બસતી યુપી)એ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતાં રાહદારી દિનેશ તળાવીયાને અડફેટમાં લેતા તેને પગ તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત દિનેશ મોહન તળાવીયાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે જીગ્નેશ તળાવીયાએ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top