National

ટામેટા વેચીને ખેડૂત 30 જ દિવસમાં કરોડપતિ બની ગયો

પાલઘર : છેલ્લાં કેટલાંક દિવસોમાં ટામેટાના (Tomato) ભાવ અસામાન્ય રીતે વધી ગયા છે. દેશના કેટલાંય શહેરોમાં ટામેટા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. તેના લીધે લોકો હવે ટામેટા ખરીદવાનું ટાળવા લાગ્યા છે. થાળીમાંથી ટામેટાની ચટણી, સલાડ ગાયબ થઈ ગયા છે.

ટામેટાની કિંમતોએ અનેક લોકોને રડાવ્યા છે ત્યારે કેટલાંક લોકો એવા પણ છે જે ટામેટાના ભાવ વધતા ખુશ થઈ રહ્યાં છે. ખાસ કરીને મહારાષ્ટ્રના (Maharashtra) ખેડૂતોને (Farmers) ટામેટાની કિંમત વધતા બમ્પર ફાયદો થયો છે. રાતોરાત ખેડૂતો કરોડપતિ (Millionaire) થઈ ગયા છે.

આપણે વાત કરી રહ્યાં છે મહારાષ્ટ્રના પાલઘરની (Palghar). અહીં રહેતા ખેડૂત કિસાન તુકારામ ગાયકર માત્ર 30 દિવસમાં ટામેટા વેચીને કરોડપતિ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે પાલઘરમાં 10થી 12 ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. આ ખેડૂતોની જેમ તુકારામે પણ પોતાના દીકરા ઈશ્વર અને પત્રવધુ સોનાલી સાથે મળીને 12 એકર જમીનમાં ટામેટાની ખેતી કરી હતી. તુકારામ પાસે 18 એકર જમીન છે, તેમાંથી 12 એકર જમીનમાં ટામેટાની ખેતી કરવાનો નિર્ણય તુકારામ માટે નસીબવંતો સાબિત ત્યારે થયો જ્યારે ટામેટાની કિંમત વધી ગઈ.

છેલ્લાં એક મહિનામાં અછતના લીધે ટામેટાની કિંમત અસામાન્ય રીતે વધી જતા તેનો મોટો ફાયદો તુકારામ અને તેના જેવા પાલઘરના ખેડૂતોને થયો છે. તુકારામ વર્ષોથી ટામેટાની જ ખેતી કરે છે અને આજે તેને તેનું ફળ મળ્યું. સ્થાનિક સ્તરે 100 મહિલાઓને રોજગારી આપતા તુકારામના ટામેટા આ વખતે 1000થી 2400 પ્રતિ કેરેટની કિંમતે વેચાયા હતા.

ગુણવત્તા પ્રમાણે છેલ્લાં 30 દિવસમાં તુકારામને ટામેટાના પ્રતિ કેરેટ અલગ અલગ ભાવ મળ્યા હતા. છેલ્લે તા. 14 જુલાઈના રોજ તુકારામે 2100 રૂપિયા પ્રતિ કેરેટના ભાવે 900 કેરેટ ટામેટા વેચી એક જ દિવસમાં 18 લાખની કમાણી કરી હતી. આમ પાછલા 30 દિવસમાં તુકારામે ટામેટા વેચી કુલ 1.25 કરોડની કમાણી કરી છે. આમ, ટામેટાના વધતા ભાવે તુકારામ અને તેના જેવા પાલઘરના 10થી 12 ખેડૂતોને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે.

Most Popular

To Top