Columns

વિમાનમાં બોમ્બ મૂકાયાની એક ખોટી ધમકીથી ત્રણ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ માનવ જાતને હેરાન કરવા માટે પણ થઈ શકે છે. ઈન્ડિયન એરલાઈન્સને સતત છઠ્ઠા દિવસે ૧૦ થી વધુ વિમાનો સામે બોમ્બની ધમકી મળી છે. અત્યાર સુધીમાં ૭૦થી વધુ વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યા કોલના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે જ સમયે તે એરલાઇન કંપનીઓ માટે આવી ધમકીઓ મોટો આર્થિક ફટકો સાબિત થાય છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બનાવટી ધમકીઓને કારણે જ્યારે પ્લેન ગ્રાઉન્ડ થાય છે ત્યારે એરલાઈનને લગભગ ૩ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થાય છે.

ભારતીય વિદેશ મંત્રાલય પણ આ અંગે ગંભીર છે, પરંતુ આનાથી એરલાઇન્સ અને મુસાફરો બંને માટે નવી સમસ્યાઓ ઊભી થઈ છે. ધમકીભર્યા કોલ બાદ મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે જ એરલાઈન્સ કંપનીઓને પણ આર્થિક આંચકાનો સામનો કરવો પડે છે. દરભંગાથી દિલ્હી જતી આ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતાં જ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યાં હતાં અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શનિવારે ૧૦ અલગ-અલગ એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ મૂકાયો હોવાના આવા જ કોલ મળ્યા હતા, પરંતુ રાહતની વાત એ હતી કે ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. કલાકો સુધી મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ગૃહ મંત્રાલય આ મામલે તપાસ કરી રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ માને છે કે આ સતત બોમ્બ કોલ્સ પાછળ વિદેશમાં સ્થિત ભારતવિરોધી આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે. જો કે, ૧૪ ઓક્ટોબરે સોશ્યલ મિડિયા પર આપવામાં આવેલી ધમકીને પગલે એક સગીર પકડાયો હતો, જેણે તેના મિત્રને ફસાવવા માટે નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. નિષ્ણાતોના મતે બોમ્બની ધમકી બે રીતે આવી રહી છે. પ્રથમ સોશ્યલ મિડિયા એકાઉન્ટ દ્વારા અને બીજું એરલાઈન્સ કંપનીઓને સીધા મેઈલ મોકલીને. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે કેટલાંક ફળદ્રુપ ભેજાંઓ દ્વારા નકલી નામ અને સરનામાં સાથે વિદેશી VPN એકાઉન્ટનો ઉપયોગ કરીને આવું કરવામાં આવી રહ્યું છે.

ભારતમાં દરરોજ ચાર લાખથી વધુ મુસાફરો પ્લેનમાં એક જગ્યાએથી બીજા સ્થળે જાય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું ભારતના ઉડ્ડયન ઉદ્યોગને નુકસાન પહોંચાડવા માટે કોઈ મોટું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. એક મિડિયા રિપોર્ટ અનુસાર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સોશ્યલ મિડિયા દ્વારા વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપતા આઈપી એડ્રેસ શોધી કાઢ્યા છે, જેમાં કેટલાંક આઈપી એડ્રેસ જર્મની અને લંડનનાં હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં દેશમાં દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો આવવાના છે, જેના કારણે પ્લેન પર મુસાફરોનો ભાર વધી ગયો છે અને લોકો મોટી સંખ્યામાં પ્લેનમાં મુસાફરી કરી રહ્યાં છે.

ગયા અઠવાડિયે સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં ગરમ કપડાં પહેરેલાં મુસાફરો દૂરના કેનેડિયન શહેર ઇક્લુઇટની ઠંડી હવામાં એર ઇન્ડિયાના પ્લેનની સીડીઓ પરથી ઉતરતાં જોવા મળ્યાં હતાં. મુંબઈથી શિકાગો જઈ રહેલા આ બોઈંગ ૭૭૭માં ૨૧૧ મુસાફરો સવાર હતાં. બોમ્બની ધમકીને કારણે ૧૫ ઓક્ટોબરની સવારે આ પ્લેનનો રૂટ બદલવામાં આવ્યો હતો. આ પ્લેનમાં સવાર હારિત સચદેવાએ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યું હતું કે અમે ૨૦૦ મુસાફરો સાથે સવારે પાંચ વાગ્યાથી એરપોર્ટ પર ફસાયેલાં છીએ. અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે અથવા આગળ શું કરવું. સચદેવાની સોશ્યલ મિડિયા પોસ્ટ શિકાગો જઈ રહેલાં મુસાફરોની હતાશા અને ચિંતા દર્શાવે છે. થોડા કલાકો પછી કેનેડિયન એરફોર્સના વિમાને ભારતના ફસાયેલાં મુસાફરોને એરલિફ્ટ કરીને શિકાગો પહોંચાડીને રાહત આપી હતી.

આ વર્ષે જૂનમાં એક જ દિવસમાં ૪૧ એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બની ખોટી ધમકીઓ મળી હતી, જે બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ૨૦૧૪ થી ૨૦૧૭ ની વચ્ચે દેશના વિવિધ એરપોર્ટ પર બોમ્બની અફવા અંગે ૧૨૦ એલર્ટ નોંધાયાં હતાં. આમાંથી લગભગ અડધાં દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં એરપોર્ટને ટાર્ગેટ કરવાનાં હતાં. તાજેતરનાં વર્ષોમાં આવી ધમકીઓની સંખ્યા વધી ગઈ છે, પરંતુ આ વર્ષે આવી ધમકીઓમાં થયેલો વધારો સનસનાટીભર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ કહે છે કે ભારતીય એરલાઇન્સને નિશાન બનાવતી તાજેતરની ઘટનાઓથી હું ખૂબ જ ચિંતિત છું. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસર પડી રહી છે.

આવાં તોફાની અને ગેરકાયદેસર પગલાં ગંભીર ચિંતાનો વિષય છે. નિષ્ણાતો કહે છે કે એરલાઇન્સને નિશાન બનાવતી ખોટી બોમ્બ ધમકીઓ ઘણી વાર ધ્યાન આકર્ષિત કરવા, માનસિક સ્વાસ્થ્યના અભાવમાં અથવા ટીખળ તરીકે બદઇરાદા સાથે કરવામાં આવે છે. ધમકી આપનારા પકડાતા નથી પણ મુસાફરો તેમ જ એરલાઇનના કર્મચારીઓ હેરાન થઈ જાય છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે. અહીં આવી અફવાઓથી ભારે નુકસાન થાય છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ભારતમાં ૧૫ કરોડથી વધુ મુસાફરોએ સ્થાનિક હવાઈ મુસાફરી કરી હતી. ભારતમાં ૩૩ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત દેશના ૧૫૦ થી વધુ એરપોર્ટ પરથી દરરોજ ૩,૦૦૦ થી વધુ ફ્લાઈટ્સ લેન્ડ થાય છે અથવા ટેક ઓફ્ફ કરે છે.

ગયા અઠવાડિયે આ ખોટી અફવાઓ ચરમસીમાએ પહોંચી હતી. આ સમયગાળા દરમિયાન, ૧૪ ઓક્ટોબરના રોજ, એક જ દિવસમાં રેકોર્ડ ૪,૮૪,૨૬૩ મુસાફરો ભારતીય એરલાઇન્સમાં સવાર થયાં હતાં. સેરિયમના રોબ મોરિસ કન્સલ્ટન્સીના જણાવ્યા અનુસાર ભારતમાં ૭૦૦ થી ઓછા કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટ છે અને ૧,૭૦૦ થી વધુ એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ભારત આજે સૌથી ઝડપથી વિકસતું કોમર્શિયલ એરક્રાફ્ટ માર્કેટ છે. બોમ્બની ધમકીની ચેતવણી પ્રાપ્ત કરનાર એરલાઇનનાં પરિણામો ગંભીર છે.

જો પ્લેન હવામાં હોય તો તેને નજીકના એરપોર્ટ તરફ વાળવું પડે છે. એર ઈન્ડિયાની ફ્લાઈટને ગયા અઠવાડિયે કેનેડા તરફ વાળવામાં આવી હતી અથવા મુંબઈથી ફ્રેન્કફર્ટ જતી વિસ્તારાની ફ્લાઈટને સપ્ટેમ્બરમાં તુર્કી તરફ વાળવામાં આવી હતી. કેટલાકમાં ફાઈટર જેટ્સ કે એસ્કોર્ટ એરક્રાફ્ટને ધમકીઓની તપાસ કરવા માટે બોલાવવામાં આવે છે. ગયા અઠવાડિયે નોર્ફોકથી હીથ્રો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અને સિંગાપોર જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે આવું જ બન્યું હતું.

વિમાનને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી પછી જ્યારે પ્લેન લેન્ડ થાય છે અને મુસાફરો નીચે ઊતરે છે ત્યારે તેમનાં તમામ સામાન અને ખોરાકની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલાક કલાકો લાગી શકે છે. આ પછી ડ્યુટીના કલાકની મર્યાદાઓને કારણે ક્રૂ ઘણી વાર ફ્લાઇટમાં ચાલુ રહી શકતા નથી. આ કારણે સમગ્ર ક્રૂ બદલવા પડે છે, જેના કારણે વધુ વિલંબ થાય છે. એવિએશન એક્સપર્ટ સિદ્ધાર્થ કપૂર કહે છે કે આના કારણે ખર્ચ વધે છે. દરેક ડાયવર્ઝન અથવા રૂટમાં ફેરફાર અથવા વિલંબિત ફ્લાઇટ ઘણો વધારાનો ખર્ચ કરાવે છે.

ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ ખોટનો સોદો બની જાય છે. જો વિલંબ પછી ફ્લાઇટ રદ થાય છે, તો તમામ સમયપત્રક ખોરવાઈ જાય છે. બોમ્બની પોકળ ધમકી આપતા ગુનેગારોને ઓળખવાના પ્રયાસો સોશ્યલ મિડિયા પરના અનામી એકાઉન્ટ્સમાંથી બોમ્બની ધમકીઓમાં નાટ્યાત્મક વધારાને કારણે જટિલ બન્યા છે. ખાસ કરીને જ્યારે ઈમેલ સીધા એરલાઈન્સને મોકલવામાં આવે છે. આ ધમકીઓ પાછળનો હેતુ સ્પષ્ટ નથી અને તેની પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ જૂથ છે કે કેમ, તે પણ જાણી શકાયું નથી. જો કે એટલું નક્કી છે કે તાજેતરમાં આવેલા ઉછાળા પાછળ કોઈ સંગઠિત યોજના હોઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top