સુરતઃ સુરત શહેર સ્માર્ટ સિટી બનવાની હોડમાં લાગ્યું છે પરંતુ અહીંના લોકો એટલા ઓવરસ્માર્ટ છે કે ખોટી ડિગ્રીના આધારે ડોક્ટર બની જાય છે. હજુ થોડા દિવસ પહેલાં જ બોગસ ડોક્ટરનું સ્કેમ બહાર આવ્યું હતું. લોકોના માનસપટ પર બોગસ તબીબોનું કૌભાંડ હજુ તાજુ છે ત્યાં નવું કૌભાંડ બહાર આવ્યું છે. સુરતની લો કોલેજમાં ફેઈલ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવી રહ્યાં છે. એટલે ભવિષ્યમાં સુરતમાં બોગસ વકીલો પણ જોવા મળે તો નવાઈ નહીં.
શહેરની વીર નર્મદ યુનિવર્સિટ સંલગ્ન વી.ટી. ચોક્સી લો કોલેજમાં કાયદાની જ મજાક ઉડાવવામાં આવી છે. અહીં એક સ્ટુડન્ટને રેકોર્ડમાં ફેરફાર કરી ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી દેવાયો છે. નાપાસ સ્ટુડન્ટ એકાએક 6 જ મહિનામાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જતા વિવાદ છેડાયો છે.
શું છે સમગ્ર ઘટના?
એપ્રિલ 2024માં કાયદા ફેક્લ્ટીની છઠ્ઠી સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ હતી, જેમાં એક સ્ટુડન્ટ ફેઈલ થયો હતો. રિએસેસમેન્ટ અને રિચેકિંગના રિઝલ્ટમાં પણ સ્ટુડન્ટનું ક્યાંય નામ નહોતું. ત્યાર બાદ અચાનક જ વિદ્યાર્થીના માર્કસ સુધરી ગયા અને તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ ગયો.
કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને લેટર લખી ફેરફાર માટે ભલામણ કરાઈ હતી, જેમાં સ્ટુડન્ટના ઈન્ટરનલ વાયવા માર્કસ ગેરકાયદે રીતે વધારવામાં આવ્યા હતા. પરિક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના સુધારેલું રિઝલ્ટ જાહેર કરી દીધું હતું.
સ્ટુડન્ટને પ્રોફેશનલ એથિક્સની ઈન્ટરનલ વાયવા એક્ઝામમાં 20માંથી 6 માર્ક મળ્યા હતા, જ્યારે પાસ થવા માટે 8 માર્કસ ફરજિયાત છે. સંચાલકોએ ઓવરરાઈટ કરી 6 માર્કના 8 માર્ક કરી દીધા અને યુનિવર્સિટી પાસે ભૂલ થઈ હોવાનું રજૂ કરી સ્ટુડન્ટના માર્કસ વધારવા ભલામણ કરી હતી. આમ સંચાલકોએ સ્ટુડન્ટને ફર્સ્ટ કલાસમાં પાસ કર્યો હતો.
કુલપતિએ તપાસનો આદેશ આપ્યો
આ ઘટના બહાર આવતા વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. કુલપતિએ કહ્યું કે કોલેજ સંચાલકની ભૂલ છે. જે પ્રોફેસરે ભૂલ કરી હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. તે પ્રોફેસરને પરિક્ષાથી દૂર રાખવામાં આવશે અને એમપીઈસી હેઠળ નિર્ણય લઈ કાર્યવાહી કરાશે.