વાપી: વાપી રેલવે સ્ટેશન નજીક મોટો ટ્રેન અકસ્માત ટળ્યો છે. વાપી રેલવે સ્ટેશનની નજીક કોઈ અસામાજિક તત્વોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ ફેંક્યો હતો. જો આ ટ્રેક પરથી કોઈ ટ્રેન પસાર થાય તો તે પાટા પરથી ઉથલી પડે તેવી શક્યતા હતા. જોકે, ટ્રેન ટ્રેક પરથી પસાર થાય તે પહેલાં રેલવે કર્મચારીની સિમેન્ટના પોલ પર નજર પડી હતી. તેથી ટ્રેનને અટકાવી દેવાઈ હતી, જેના પગલે મોટી હોનારત ટળી હતી.
- અસામાજિક તત્વોએ મંગળવારે રાતે વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો
- તંત્રની સતર્કતાથી મોટી દૂર્ઘટના ટળી, પોલીસે તપાસ શરૂ કરી
રેલવે પોલીસે આ ગંભીર મામલે તપાસ આદરી છે. રેલવેના ડીઆરએમે ઘટના અંગે કહ્યું કે, ગંભીર કૃત્ય કરનારાને પકડવામાં આવશે અને પોલીસને સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના જુના જકાતનાકા નજીક રેલવે ટ્રેક પર મંગળવારે રાત્રે અસામાજિક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી દીધો હતો. આ સિમેન્ટના પોલ પર રેલવે કર્મચારીને નજર પડી હતી. કર્મચારીએ તરત જ ઉપરી અધિકારીને આ અંગે જાણ કરી હતી. અધિકારીઓએ તાત્કાલિક તે ટ્રેક પરથી દોડતી ટ્રેનને થોભાવી દઈ સિમેન્ટનો પોલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે મોટી હોનારત ટળી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં રેલવે અધિકારી, પોલીસ અધિકારી, આરપીએફના અધિકારી અને ટીમ પણ દોડી ગઈ હતી. આ પ્રકારનું ગંભીર કૃત્ય કરી મુસાફરોના જીવ સામે જોખમ ઉભું કરનારા અસામાજિક તત્વોને પકડવા કવાયત હાથ ધરી છે. પશ્ચિમ રેલવે ડીઆરએમ વાપી રેલવે સ્ટેશને આવ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.
ઘટના સ્થળે હાજર અધિકારી, જીઆરપી અને આરપીએફના અધિકારી સાથે વાતચીત કરી હતી. ડીઆરએમએ જણાવ્યું હતું કે ઘટના સ્થળ નજીક જીડીયુસી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે, અને મટીરીયલ્સ પણ હોવાથી અસામાજીક તત્વો સિમેન્ટનો પોલ ઉઠાવી ટ્રેક પર મુકી ગંભીર કૃત્ય કર્યુ હતું.
આવું કૃત્ય કરનારાને પકડી પાડી કડક કાર્યવાહી કરાશે સાથે જ આરપીએફના આધિકારીને પેટ્રોલિંગ સઘન કરવા સુચના આપી હતી. પોલીસ પણ આ પ્રકારનું કૃત્ય કરી મુસાફરોના જીવ સામે જોખમ ઉભું કરનારા તત્વોને ઝડપથી પકડી પાડી કડક પગલા ભરે તે ખૂબ જ જરૂરી બન્યું છે.