સુરત : ભગવાન મહાવીર કોલેજમાં બી.એસ.સીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સોમવારે બપોરના સમયે મિત્ર સાથે મોપેડ પર ઘરે જઈ રહી હતી. તે વખતે મોપેડના પાછળના ટાયરમાં વિદ્યાર્થિનીનો દુપટ્ટો આવી ગયો હતો. જેથી મોપેડ સ્લીપ થઇ ગઇ હતી. અકસ્માત દરમિયાન પાછળથી આવતા ડમ્પર ચાલકે વિદ્યાર્થિનીને કચડી નાખી હતી. તેથી તેનું મોત નિપજ્યું હતું.
- ભગવાન મહાવીર કોલેજની વિદ્યાર્થિની મિત્ર સાથે પાછળ બેસીને ઘરે જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, રાજસ્થાન કોટામાં ફિરંગીલાલ જૈન પરિવાર સાથે રહે છે. તે સ્થાનિક રેલ્વે સ્ટેશન પર કેન્ટીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી અંજલી (21 વર્ષ) હાલમાં સુરતના પરવત પાટિયા વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં બહેનનો ત્યાં રહેતી હતી અને ભગવાન મહાવીર કોલેજના બી.એસ.સીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
અંજલી સોમવારે બપોરના સમયે મિત્ર દિલખુશ પંકજ રાવત (રહે. હરિહંત પાર્ક કડોદરા) સાથે મોપેડ પર પાછળ બેસીને ઘરે જઈ રહી હતી. દરમિયાન વેસુ ખાટું શ્યામ મંદિર ટી પોઇન્ટ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે અંજલીનો દુપટ્ટો મોપેડના પાછળના ટાયરમાં આવી ગયો હતો. જેથી તેઓની મોપેડ સ્લીપ થઇ ગઇ હતી.
તે સમયે બાજુમાંથી પસાર થતા ડમ્પર ચાલકે અંજલીને કચડી લીધી હતી. જેથી સર્જાયેલા અકસ્માતમાં અંજલીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે અલથાણ પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.