SURAT

મુંબઈની જેમ સુરતમાં હીટ એન્ડ રન: નશાખોર નબીરાએ ફુલસ્પીડમાં ઓડી દોડાવી 10 ટુવ્હીલરને ઉડાવ્યા

સુરત: અમદાવાદના તથ્યકાંડ અને મુંબઈના બીએમડબ્લ્યુ કાંડની જેમ સુરતમાં ઓડી કાંડ થયો છે. શહેરના અલથાણ વિસ્તારમાં ગઈ કાલે તા. 11 જુલાઈ 2024ની રાતે હીટ એન્ડ રનની ઘટના બની છે. અહીંના વેસુ કેનાલ રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી ઓડી કારે 10 વાહન ચાલકોને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ વાહન ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

  • સુરતના અલથાણ વિસ્તારની ઘટના, ઓડી કાર ચાલકે રાત્રીના સમયે સજર્યો અકસ્માત
  • ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે સર્જ્યો અકસ્માત, રોડની સાઈડ પર બેઠેલા ચાર લોકોને અડફેટમાં લીધા હતા
  • બે લોકોને સામાન્ય ઈજા બે ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, કાર ચાલક નશામાં હોવાની વાત
  • કાર ચાલક રિન્કેસ ભાટિયાને લોકોએ પકડી પાડ્યા, પોલીસે કાર ચાલકની કરી ધરપકડ

ઈજાગ્રસ્તોને 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ પીછો કરી તેને પકડી પોલીસને સોંપ્યો હતો. અલથાણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે ગુરુવારે મોડી રાતે વેસુ કેનાલ (આઇકોનિક) રોડ પર જીડી ગોએન્કા સ્કૂલ પાસે એક ઓડી કાર ફૂલસ્પીડમાં દોડી રહી હતી. બેફામ ગતિએ દોડતી આ ઓડી કારે (જીજે-05 આરટી-5550) રસ્તાની સાઈડ પર ઉભેલી 8થી 10 ટુ વ્હીલરને અડફેટે લીધી હતી. ટુ વ્હીલર સાથે રસ્તાના કિનારે ઉભેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ઉભો રહેવાના બદલે ગાડીની સ્પીડ વધારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. કાર ચાલક નશામાં હોવાનું જણાતા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

કારના ટાયરમાં પંક્ચર પડતા કાર અટકી ગઈ
રસ્તા કિનારે ઉભેલી ટુવ્હીલર્સને અડફેટે લીધા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રાસ કર્યો હતો, પરંતુ કાર 150 મીટર આગળ ગઈ ત્યાં જ કારના ટાયરમાં પંક્ચર પડતા તે અટકી ગઈ હતી. દરમિયાન પીછો કરતા લોકોએ તેને પકડી કારની બહાર ખેંચી લઈ મેથીપાક ચખાડ્યો હતો. બીજી તરફ અકસ્માતમાં ઘવાયેલા લોકોને રાહદારી અને સ્થાનિકોએ 108માં હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા અને પોલીસને બોલાવી લીધી હતી.

કારચાલક રિકેશ ભાટિયાની પોલીસે ધરપકડ કરી
રાહદારી અને સ્થાનિકોએ જાણ કરતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લોકોએ અકસ્માત સર્જનાર નશાખોર નબીરાને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top