સુરતઃ સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે મોડી રાત્રે અજીબો ગરીબ ઘટના બની હતી. રેલવે ટ્રેકના થાંભલા પર એક દારૂડિયો ચડી ગયો હતો અને ડાન્સ કરવા લાગ્યો હતો. દારૂડિયા યુવકની આ હરકતના લીધે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો હતો. પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકના એક થાંભલા પર ધવલ જાદવ નામનો યુવાન ચડી ગયો હતો. થાંભલા પર ચડ્યા બાદ ધવલ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. યુવક નશાની હાલતમાં લાગતું હતું. યુવકને નીચે ઉતારવા માટે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. રેલવે તંત્રના કર્મચારી, અધિકારીઓ દોડી ગયા હતા. ત્યાર બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડ્યો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો. જેથી ટ્રેનોને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી દેવી પડી હતી. ત્રણ કલાક સુધી યુવકે પરસેવો પડાવ્યો હતો. આખરે ફાયર બ્રિગેડે યુવકને નીચે ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નશામાં યુવક હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો.
પત્ની સાથે ઝઘડો થતા યુવક થાંભલા પર ચડી ગયો હતો
ફાયર ઓફિસર મહેશ પટેલ પાસેથી જાણવા મળ્યા અનુસાર ફાયરની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી હતી. ધવલ પાસે પથ્થર પણ હતો. તે પત્થર મારશે તેવો ડર હતો. 3 કલાક સુધી રેલ વ્યવહાર અટકતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી આખરે થાંભલા ઉપર ચઢ્યો હતો. 2 વાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. રેલવે એન્જીન અને સીડીની મદદથી તેને નીચે ઉતરવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમદ બાદ ફાયરની ટીમે ધવલને નીચે ઉતાર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચઢ્યો હતો.