સુરત(Surat) : નશામાં ધૂત દારૂડિયા કાર ચાલકે (DrunkedCarDriver) મહિલા સહિત ચારને અડફેટે (Accident) લીધા હોવાનો બનાવ સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં બન્યો છે. અહીં આદર્શ નગર સોસાયટીની પાછળ આવેલી પછાત વર્ગની સોસાયટીમાં આ ઘટના બની છે.
- આદર્શ નગર પાછળ પછાત વર્ગની સોસાયટીનો બનાવ
- દારૂડિયાએ દારૂના નશામાં ચારને અડફેટે લીધા
- લોકોએ નશેડી ડ્રાઈવરને બહાર ખેંચી ફટકારી પોલીસને સોંપ્યો
દારૂના નશામાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર દારૂડિયાનો પગ પડી જતા કાર બેકાબુ બની હતી. જેના લીધે રસ્તે ચાલતા ચારને કારની ટક્કર લાગી હતી. ચાર ઈજાગ્રસ્તો પૈકી બેની હાલત ગંભીર હોવાનુું જાણવા મળ્યું છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડની આદર્શ નગર સોસાયટીની પાછળ પછાત વર્ગની સોસાયટી આવેલી છે. અહીં દારૂનો અડ્ડો છે. ત્યાં દારૂ પીને ડ્રાઈવર કાર લઈ નીકળતો હતો ત્યારે ભૂલમાં બ્રેકના બદલે એક્સિલેટર પર પગ મુકી દીધો હતો, જેના લીધે કાર બેકાબુ બની હતી અને ચાર રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ઈલેક્ટ્રીક હતી. અકસ્માતમાં પછાત વર્ગ સોસાયટીમાં રહેતા રાજુ છગન રાઠોડ (ઉં.વ. 53), પ્રવીણ અને શશી ઉપરાંત અમરોલીના કોસાડ આવાસમાં રહેતી સરિતા અશોક દેવીપૂજક ઘવાઈ હતી.
ઘટનાને નજરે જોનાર સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાર ચાલક પછાત વર્ગ સોસાયટીમાં દારૂ પીવા જ આવ્યો હતો. નશામાં ચૂર બની કાર ચાલુ કરતા જ ભાન ભૂલેલા કાર ચાલકે બ્રેકની જગ્યા એ એક્સીલેટર પર પગ મૂકી દેતા ઇલેક્ટ્રિક કાર બેકાબુ બની હતી અને ઓટલા પર બેસેલા રાજુભાઇને અડફેટે લીધા હતા. ત્યાં કાર અટકી નહોતી અને આગળ જઈ સરિતાબેનને અડફેટે લીધા હતા. ત્યારબાદ પ્રવીણ અને શશીને ટક્કર મારી હતી. લોકોએ કારનો પીછો કરી અટકાવી હતી અને ડ્રાઇવરને બહાર ખેંચી કાઢ્યો હતો. ત્યારબાદ નશેડી ડ્રાઈવરને ફટકારીને પોલીસ ને સોંપી દીધો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઇજાગસ્ત સરિતાબેન હમેશા બાળકોને સાથે લઈને ભંગાર વીણવા આવતા હતા. આજે એકલા જ આવતા બાળકો બચી ગયા હતા. પ્રવીણ ભાઈ સુરત મહાનગર પાલિકાનો કર્મચારી છે અને ડ્રેનેજ સફાઈ કામ કરી રહ્યા હતા. ત્યારે કાર ની અડફેટે ચઢયા હતા. શશી પણ ઘર બહાર બેઠેલો હતો. હાલ પોલીસે પીધેલા ડ્રાઇવરની ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત તમામ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે.