રાજ્યની રાજધાની ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના બની છે. અહીં સવારે 10 વાગ્યે 150ની સ્પીડે બેફામ ટાટા સફારી કાર દોડાવી કાર ચાલકે ટુવ્હીલર ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા છે. આ ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણવા મળ્યું છે. તે સવારે 10 વાગ્યે 150થી વધુ સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો.
આ દુર્ઘટના ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં બની હતી. રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારીના કાર ચાલકે ફુલસ્પીડમાં કાર હંકારી રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત થયા હતા જ્યારે અનેક ઘાયલ થયા હતા. ઘાયલોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
કાર હિતેશ વિનુ પટેલની હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે. ઘટના નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર કાર ચાલક નશામાં હતો અને 150થી વધુ સ્પીડે કાર હંકારી રહ્યો હતો. દરમિયાન પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું?
આ અકસ્માતની ઘટના નજીકના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ફૂટેજમાં જોઈ શકાય છે કે કાર ચાલક બેફામ કાર હંકારીને રસ્તામાં જે આવે તેને અડફેટે લઈ રહ્યો છે. નજીકના સુકન હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા પ્રત્યક્ષદર્શી ઈલાબેન પટેલે કહ્યું કે, સવારે 10.30 વાગ્યા આસપાસની ઘટના છે. એક ટાટાની કાર ફુલસ્પીડમાં દોડી રહી હતી, ચાર પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અમે ત્રણ ચાર મૃતદેહ જોયા છે. રસ્તા પર એક કારે ટક્કર મારતા એક ભાઈનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. લોકો ભેગા થઈ ગયા. ગાડીમાં બે જણા હતા. તેઓ તેમને કાઢવા મથી રહ્યાં હતા. પરંતુ અંદર બેઠેલા લોકો બહાર નીકળતા ન હતા. મારીને પરાણે કાઢ્યા હતા. અકસ્માત કરનાર ચિક્કાર પીધેલો હતો. તે ઉભો રહી શકતો ન હતો. લોકોએ તેને મારી પકડી રાખ્યો.