બીલીમોરા : ગણદેવી કાંઠા વિસ્તારના અમલસાડ- મોવાસા માર્ગ ઉપર ગુરુવાર સવારે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ રહેણાંક મકાન સાથે ટકરાઈ હતી. જેમાં ૭ જેટલા મુસાફરોને આંશિક ઇજા પહોંચી હતી. મકાન ધારકોએ બસ ચાલક સામે રૂપિયા ૩૦ હજારના નુકસાનની ફરીયાદ નોંધાવી હતી. બસ ચાલક કેફી પીણું પીને બસ ચલાવતો હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.
ગણદેવી તાલુકાના અમલસાડ નજીક આવેલા વાસણ ગામે ભાગડથી અમલસાડ જતી એસટી બસ નં. GJ-18-Z-3729 નાં ચાલક પ્રકાશભાઈ કમજીભાઈ અસારીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબુ બસ મકાનની દીવાલ સાથે ભટકાઈ હતી. જેનો અવાજ અને મુસાફરોની ચીચીયારી સાંભળી લોકો મદદે દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ મારફત અમલસાડ સીએચસી સેન્ટર પર લઈ જવાયા હતા.
બસ ચાલક પ્રકાશભાઈ કમજીભાઈ અસારી (ઉ.વ.૪૫ હાલ રહે. બીલીમોરા બસ ડેપો, તા ગણદેવી)ને મુસાફરોએ પૂછતાછ કરતાં તેના મોઢામાંથી કેફી પીણું પીધેલું હોવાની વાસ આવતી હોવાની માહિતી આપી હતી. જોકે મકાન માલિક હસમુખ પટેલ (૫૨ રહે.વાસણ, પટેલ ફળીયા)એ ગણદેવી પોલીસમાં બસ ચાલક પ્રકાશ અસારી સામે કેફી પીણાના નશા હેઠળ એસ.ટી. બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી મકાનની દીવાલ સાથે અથડાવી રૂપિયા ૩૦ હજારના નુકશાન સાથે મુસાફરોને ઈજા પહોંચાડયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
