શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે
પ્રશ્ન: મારી ઉંમર ૨૫ વર્ષની છે. ઘરવાળા લગ્ન માટે દબાણ કરે છે. મને છોકરીઓ પણ પસંદ કરે છે પરંતુ મારા શિશ્નની લંબાઈ માત્ર સાડા ચાર ઈંચની જ છે. જેથી લગ્ન કરવામાં ડર લાગે છે. મારે શું કરવું જોઈએ?
ઉત્તર: દરેક પુરુષને મનમાં એક ડર હોય છે કે તેમના શિશ્નની લંબાઈ ઓછી છે પરંતુ ૧૦૦માંથી ૯૯ પુરુષોની ઇન્દ્રિયની લંબાઇ સ્ત્રીને જાતીય સંતોષ આપવા માટે એકદમ બરાબર હોય છે પરંતુ આ ખોટી માન્યતાના કારણે તમારી જેમ ઘણા નવયુવાનો લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને લગ્ન કરવાથી દૂર ભાગતા હોય છે. ઉત્તેજીત અવસ્થામાં જો શિશ્નની લંબાઇ બે ઇંચ કે તેનાથી વધારે થતી હોય તો તે તમારા સ્ત્રી સાથીને સંતોષ આપવા માટે પૂરતી હોય છે. બિનઉત્તેજિત અવસ્થામાં ઇન્દ્રિયની લંબાઇ જો એક ઇંચ હોય તો પણ કોઈ ફરક પડતો નથી કારણ કે તે અવસ્થામાં એનું કામ માત્ર અને માત્ર પેશાબ કરવાનું જ છે.
હકીકતમાં ઘણી બધી સ્ત્રીઓને શિશ્નની લંબાઇ ખૂબ વધારે હોય તો સેક્સ દરમિયાન અનકમ્ફર્ટેબલ અને પીડાનો અનુભવ થતો હોય છે માટે ઝટપટ લગ્ન કરી લો અને સાઇઝ માપવાનું બંધ કરી દો. આપના શિશ્નની સાઈઝને બદલે એ બાબતની ચિંતા આપને ભવિષ્યમાં વધારે મુશ્કેલી ઊભી કરી શકે છે. હંમેશાં યાદ રાખો લગ્નજીવનની શરૂઆત પ્રેમ અને વિશ્વાસના આધારે થતી હોય છે, નહીં કે લિંગની સાઇઝના આધારે.
ઇન્દ્રિયમાં પ્રવેશ પહેલાં તેમાં ઢીલાશ આવી જતી હોય છે.
પ્રશ્ન: મારી ઉંમર ૪૪ વર્ષની છે. છેલ્લા છ-સાત મહિનાથી મને ઇન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ થાય છે. આમ જોવા જઈએ તો ઉત્થાન તો ઠીકઠાક થાય છે પરંતુ પ્રવેશ પહેલાં તેમાં ઢીલાશ આવી જતી હોય છે. જેથી કરીને સંબંધ બાંધવામાં મુશ્કેલી થાય છે. મારે શું કરવું?
ઉત્તર: ઘણી બધી વાર આપની ઉંમરમાં શરીરમાં હોર્મોન્સના ફેરફાર થતા જોવા મળે છે. જેમ કે પુરુષત્વના હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટી ગયું હોય તો પણ શરીરમાં પૂરતી ઉત્તેજના આવતી નથી. મગજમાં આવેલ પીટ્યુટરી ગ્રંથિમાંથી થતો પ્રોલેક્ટીન નામના હોર્મોનનો સ્ત્રાવ વધી ગયો હોય તો પણ આવી તકલીફ થઇ શકતી હોય છે. ડાયાબિટિસની શરૂઆતમાં પણ ઘણા લોકોમાં સૌ પ્રથમ આડઅસર ઇન્દ્રિયના ઉત્થાનમાં જ જોવા મળતી હોય છે. તમાકુ, સિગરેટ અને દારૂના વ્યસનના કારણે પણ નપુંસકતા અનુભવાતી હોય છે.
આવી તકલીફવાળા તમે એકમાત્ર વ્યક્તિ નથી. યોગ્ય સેક્સોલોજિસ્ટને બતાવી ઈલાજ કરાવો. તેઓ તમારી તકલીફની પૂરતી જાણકારી મેળવી, જરૂર લાગે એ પ્રમાણેના લોહીના રિપોર્ટ કરાવવાની સલાહ આપશે. યોગ્ય નિદાન બાદ એનો સચોટ ઇલાજ આજની તારીખમાં શકય છે. બજારમાં આવેલી નવી દવાઓ દ્વારા હવે દરેક વ્યક્તિ જિંદગીના છેલ્લા પડાવ સુધી જાતીય જીવન માણવા સક્ષમ થઈ શકે છે.
આ એ સમયગાળો છે કે તે દરમ્યાન સ્ત્રીબીજ ગર્ભાશયમાં હોતું નથી
પ્રશ્ન: એવી કોઇ રીત છે કે જેથી હું મારાં પત્ની સાથે કોઇ આંતરિક કે બાહ્ય ગર્ભનિરોધક જેવાં કે નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ વગર જાતીયજીવન એન્જોય કરી શકું અને બાળક પણ ન રહે?
ઉત્તર જો આપ કોઇ જ આંતરિક-બાહ્ય ગર્ભનિરોધકના ઉપયોગ વગર સંતતિ નિયમન કરવા માગતા હો તો આપે સેફ પીરિયડ ફોલો કરવો જોઇએ. આ એ સમયગાળો છે કે તે દરમ્યાન સ્ત્રીબીજ ગર્ભાશયમાં હોતું નથી. તેથી શુક્રાણુનું ગર્ભાશયમાં જવા છતાં બાળક રહેતું નથી. આ સમય એટલે સ્ત્રીના માસિક સાઈકલના બારમાથી અઢારમા દિવસ સિવાયના દિવસો પંરતુ કોઇ કારણસર માસિક બે-ચાર દિવસ આગળપાછળ થાય તો આ દિવસોમાં પણ ગર્ભ રહી શકે છે. તેથી જ આ સિવાયના દિવસોને રિલેટિવલી સેફ દિવસો કહેવાય છે. અમુક લોકો સ્ખલન પહેલાં ઇન્દ્રિયને યોનિમાર્ગમાંથી બહાર કાઢી, બહાર સ્ખલન કરાવતા હોય છે પરંતુ તેમાં ઘણી વાર પ્રવેશ વખતની ચીકાશમાં બે-ચાર શુક્રાણુ આવી જતા હોય છે અને બાળક થવા માટે તો એક જ શુક્રાણુ કાફી હોય છે માટે જો આપને એક પણ બાળક ના હોય અને 100% સફળતા જોઇતી હોય તો નિરોધ અથવા ગર્ભનિરોધક ગોળીનો પ્રયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે.
જો આપને એકાદ બાળક પણ હોય અને ટેમ્પરરી બીજું બાળક ના જોઇતું હોય તો સ્ત્રી માટે ‘કોપર-ટી’ એ પણ એક સારો વિકલ્પ છે. આજકાલ નવી આવેલ ‘કોપર-ટી’ને પાંચ વર્ષ સુધી બદલવાની ઝંઝટ રહેતી નથી પરંતુ અમુક સ્ત્રીઓને તે માફક આવતી નથી. તેઓએ તેને દૂર કરાવવી પડે છે અને જો આપને પૂરતાં બાળકો હોય, નાના બાળકની ઉંમર પાંચ વર્ષ થઇ ગયેલ હોય તો પુરુષ નસબંધી એ કાયમના ઇલાજ તરીકે કરાવી શકો છો. તેનાથી જાતીયજીવનમાં કોઇ જ નબળાઇ આવતી નથી.
સમાગમમાં પત્નીને આનંદ મળે તેવી દવા અથવા ગોળી
પ્રશ્ન: મારી ઉંમર ૨૮ વર્ષની છે અને પત્નીની ૨૩ વર્ષ. મારા લગ્ન થયાને ચાર મહિના થયા છે. હું જ્યારે સમાગમ કરવા જાઉં છું ત્યારે મારી પત્નીને ગમતું નથી. આથી સમાગમમાં પત્નીને આનંદ મળે તેવી દવા અથવા ગોળી આપવા વિંનતી. સેક્સ સિવાય બાકી કોઇ જ તકલીફ નથી. અમે એક-બીજાને પંસદ પણ કરીએ છીએ.
ઉત્તર: સ્ત્રીની અને પુરુષની જાતીયતામાં એક પ્રાકૃતિક ભેદ પ્રવર્તે છે. તેની આંટીઘૂંટીનો ઘણી વાર યુગલો ભોગ બનતા હોય છે. સ્ત્રીના જીવનમાં પ્રેમ પહેલો હોય છે અને સેક્સ પછી. કહેવાય છે કે પુરુષ સેક્સ મેળવવા માટે પ્રણય કરે છે, જયારે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે. પતિ જો શરીરસંબધ ન રાખે તો ચાલે પણ તે જો લાડ ન કરે, આત્મીયતા ન દર્શાવે, સુંદરતાના વખાણ ના કરે (ખુશામત તો ખુદા કો ભી પ્યારી હૈ) અથવા પ્રેમાળ વાક્યો ન બોલે તો તેમને ચાલતું નથી એટલે કે લાગણીના નાનામાં નાના વ્યવહારો એ સ્ત્રીઓ માટે ઘણી વાર જાતીય સંબંધોની ના કહેલી પૂર્વશરત હોય છે માટે જો આપ આવું વલણ ધરાવતા ના હો તો આજથી જ આપના વ્યવહારમાં બદલાવ લાવવાની શરૂઆત કરી દો. ઘણી વાર પુરુષને તમાકુ, સિગારેટ, દારૂ કે બીજા વ્યસનો હોય છે. જેમાં તેઓને તો આનંદ આવે જ છે પણ આ વ્યસનને લીધે મોંઢામાંથી આવતી વાસ કદાચ સ્ત્રીની પંસદ ના પણ હોય અને આ વખતે જો પુરુષ કિસ કરવાનો પ્રયત્ન કરે તો સ્ત્રીને કેટલી પણ ઉત્તેજના હોય પણ તે સોડાની જેમ બેસી જતી હોય છે.
શરીરમાંથી આવતી પરસેવાની વાસથી પણ આમ બની શકે છે. આનો સરળ અને સાદો ઉપાય છે. વ્યસનો ત્યજી દો. સમાગમ પહેલાં બ્રશ કરો અને સ્નાન કરો. કોઇક કિસ્સામાં એવું પણ બને કે પતિ ફોરપ્લેમાં પૂરતો સમય ના આપે અથવા તેમને શીઘ્ર સ્ખલનની બીમારી હોય તો પણ સ્ત્રીને સંતોષ મળતો નથી. જો આમ વારંવાર બને તો પણ સ્ત્રીને સેક્સમાંથી રસ ઓછો થઇ જતો હોય છે. જેના માટે ફોરપ્લેમાં પંદર-વીસ મિનિટનો સમય આપવાથી અને શીઘ્ર સ્ખલનની સારવાર કરાવવાથી તકલીફ દૂર થઇ શકે છે અને પત્નીમાં ફરીથી કામેચ્છા જગાવી શકાય છે. બાકી જગતમાં પ્રેમાળ અને સમજદાર સાથીથી ઉત્તમ કોઇ જ સેકસ ટોનિક નથી.`