જમાના પ્રમાણે ઘણું બધું બદલાતું રહે છે. માણસ માત્રના સ્વભાવથી લઈને સમાજ સુદ્ધાંની તાસીર… આવક વધી- બચત વધવા લાગી એટલે ચોરી-ચપાટી ને તફડંચીઓ પણ વધી ગઈ. ખાસ કરીને તો મોટી શૉપ્સ કે પછી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી આડકતરી ચોરીઓ વધવા માંડી. આવી ચીલઝડપી ઉઠાંતરી ‘શૉપ લિફ્ટિંગ’ના રૂપકડા નામથી ઓળખાય છે. આ પ્રકારની ‘હાથ મારવાની’ કળામાં અનેક લોકો ગજબના પારંગત હોય છે. ટચૂકડી સેફ્ટી પીનથી લઈને જલદી નજરે ચઢી જાય એવાં શેવિંગ ક્રીમનાં કેન્સ- બૉટલ્સ પણ આપણી નજર સામેથી પલક વારમાં એ ‘ગાયબ’કરી ઘરભેગા કરે તો ય આપણને અણસાર સુદ્ધાં ન આવે. થોડાં વર્ષ પૂર્વે સુરતમાં ‘સાડી યુગ’ એની પરાકાષ્ઠા પર હતો ત્યારે ત્યાંની કેટલીક મહિલા તો એકસાથે બબ્બે સાડી પોતાના શરીર પર એવી રીતે ‘સંતાડી’ને સરકી જતી કે એ ક્યારેક અક્સ્માતે ઝડપાય ત્યારે એની આ ચોરીકળા પર પોલીસવાળા પણ અવાક વત્તા આફ્રિન પોકારી જતા…!
હવે તો ડિજિટલ યુગમાં મોટાં સ્ટોર્સ-મૉલમાં ચોતરફ ક્લૉઝડ સર્કિટ TV ગોઠવાઈ ગયા છે એટલે આવી તફડંચી અઘરી થઈ ગઈ છે. વિદેશોના મૉલમાં તો આવા છૂપા કૅમેરા ઉપરાંત સાદા વેશમાં ‘હાઉસ ડિટેક્ટિવ’ પણ ફરતા રહે છે. આવા સંજોગોમાં હાથચાલાકી કરનારા માટે કામ થોડું મુશ્કેલ જરૂર થયું છે,પણ નામુમકીન નથી થયું. એક અહેવાલ અનુસાર, કોવિડના કોપ પછી વધી ગયેલી આર્થિક ભીંસને લીધે વિદેશોમાં શૉપલિફ્ટિંગના કેસોમાં વધારો નોંધાયો છે. એમાં આવી ચોરી-તફડંચીના ટ્રેંડ- રીતરસમમાં ય ફેરફાર થયો છે. કોઈ મોંઘી વસ્તુ પર હાથ મારવાને બદલે જીવન જરૂરિયાતની રોજિંદી ચીજ-વસ્તુઓ વધુ ચોરાવા માંડી છે, જેમ કે ટુથપેસ્ટ- શેવિંગ ક્રીમ- બ્લેડ- ડાઈપર કે પછી મહિલાનાં બૉડી-સ્પ્રે તથા ડિઓડોરંટ.
હવે આવા તફડંચીકારોને ઓળખીને એ હાથફેરો કરે એ પહેલાં બ્રિટન – અમેરિકાનાં શૉપિંગ બજાર – મૉલના સ્ટાફને ચેતવી દેવા એક વિશેષ ટેકનિક અમલમાં આવી ગઈ છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (A.I) ની મદદથી ‘ફેશ્યલ રેકગ્નિશન’વાળા કૅમેરા દ્વારા આવા ભાવિ ચોરના ચહેરા પર નજર રાખીને નોંધ લેવામાં આવે છે. આવા શંકાસ્પદ ગ્રાહકોનું એક વૉચ લિસ્ટ શૉપિંગ સેન્ટર્સને પહોંચાડવામાં આવે છે જેથી જેવો આવો ઉઠાંતરકાર મૉલમાં પ્રવેશે કે એના સ્ટાફને મોબાઈલ પર એલર્ટ-સૂચના મળી જાય કે ‘ભાઈસા’બ પધાર રહે હૈ. …સાવધાન!’ આવા સંભવિત ચોરને પ્રથમ માનપૂર્વક પરત જવા કહેવામાં આવે અને એ જો વિરોધ કરે તો સ્ટાફ સિક્યુરિટીને સોંપી દેવામાં આવે…. કોરોના પહેલાં બ્રિટનમાં દર વર્ષે આવી હેરાફેરી-ઉચ્ચકબાજીના ત્રણેક લાખ કેસ સામે આવતા. કોરોના ઘટ્યા પછી કેસ ફરી વધ્યા તો ખરા પણ માસ્ક સાથે પણ ચહેરા ઓળખી લેવાની ટેક્નિક હવે એવી અસરકારક પુરવાર થઈ છે કે છેલ્લા બારેક મહિનામાં 2500થી વધુ આવી ‘હાથ કી સફાઈ’ પર અંકુશ આવી ગયો છે. …આને કહેવાય તફડંચીકારોને તમતમતો તમાચો!
હવે ઘસઘસાટ ઊંઘી જાવ ઑફિસમાં!
આ સમાચાર આમ તો તાજા છે પણ એની વાત …વેલ, જાણીતી છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા કે બેંગ્લુરુની એક કંપનીએ પોતાના કર્મચારીઓને એક E-mail દ્વારા જાણ કરી છે કે પ્રત્યેક કર્મચારી કામના સ્થળે રોજ બપોરે બેથી અઢી દરમિયાન અડધા કલાકની ઊંઘ લઈ શકશે….અનિદ્રાથી પીડાતા લોકોને સારી ઊંઘના ઉપાય સૂચવતી- સ્લીપ સોલ્યુશનની સેવા આપતી ‘વેકફિટ’ નામની આ કંપનીએ બપોરે આ રીતે આરામ કરવાની સત્તાવાર પરવાનગી આપી એનું એક કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. અમેરિકાના સ્પેસને લગતાં સંશોધન કરતી ‘નાસા’ તેમ જ ‘હાર્વર્ડ યુનિવર્સિટી’ દ્વારા કરવામાં આવેલા સર્વેનાં તારણ ટાંકીને ‘વેકફિટ’ કંપની કહે છે કે કામના અમુક કલાક બાદ બપોરના જો આવો ‘સ્લિપિંગ બ્રેક’ લેવામાં આવે તો એકાગ્રતા- સ્ફુર્તિ વધે છે-યાદશક્તિ પણ વધુ તીવ્ર થાય છે. પરિણામે ઉત્પાદકતામાં ખાસ્સો વધારો થાય છે. સર્વેનાં તારણ મુજબ આ પ્રકારની 30 મિનિટની નિદ્રાને લીધે કર્મચારીની કાર્યક્ષમતામાં 33% નો વધારો નોંધાયો છે. આને ધ્યાનમાં રાખીને બેંગ્લુરુની પેલી કંપનીએ પોતાના સ્ટાફર્સ માટે કાર્યસ્થળે ખાસ ખુશનુમા માહોલ સાથે એક ખંડ પણ તૈયાર કર્યો છે, જ્યાં કર્મચારી બપોરે આરામ ફરમાવી શકે….
આ સમાચાર અખબારો – સોશ્યલ મીડિયામાં પ્રસરતા આપણી સરકારી કચેરીઓમાં તો ગજબની ગમ્મત થઈ ગઈ. કેટલાક રીઢા સરકારીબાબુઓ કહે છે : આમાં આવા લાંબા-પહોળા સર્વે કરાવવાની શું જરૂર પડી? અમે તો આ વાત વર્ષોથી જાણીએ છીએ. કોઈ સરકારી સૂચન- આદેશ વગર પણ અમે કચેરીમાં 30-40 મિનિટનાં ઝોકાં ખાઈ જ લઈએ છીએ ને! હા,એ સાચું કે આવી અલપ-ઝલપ નિદ્રાથી કચેરી બહારનાં અમારાં કામમાં તાજગી ને સ્ફુર્તિ સારી રહે છે…!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
સોશ્યલ મીડિયા પર હમણાં એક વિચિત્ર કિસ્સો ચમક્યો છે. પોતાનું નામ બદલી- દેશ કે સિટીનું પણ નામ જણાવ્યા વગર એક યુવતીએ બધા પાસે મદદ માગતા કહ્યું છે કે મારા બૉય ફ્રેન્ડને હમણાં ન સમજાય એવી એક લત લાગી કે એ જેવો નવરો પડે એટલે ખોદકામનાં સાધન લઈને એના ઘર પાછળની વધારાની જમીન નીચે સતત ટનલ બનાવવા લાગી જાય છે….
શું કામ આવું કરે છે એનો એ સંતોષકારક જવાબ પણ કોઈને આપતો નથી તો પ્લીઝ, મને કોઈ ઉપાય બતાવોને કે હું એને આવી ટનલ બનાવતા અટકાવી શકું.… આ યુવતીને જાતજાતના જવાબ મળ્યા છે. એકે લખ્યું છે: ‘તું એને બહુ તંગ નહીં કર. તારાથી કંટાળીને એણે નવી ગર્લ ફ્રેન્ડ શોધી લીધી હશે. તારાથી ભાગી છૂટવા જ એ બોગદું ખોદી રહ્યો હશે,જેના દ્વારા એ ગુપચુપ પેલીના ઘરે પહોંચી જશે. તું એના પર ધ્યાન રાખ!’
બ્રિટનનો સર્વપ્રથમ સત્તાવાર નકશો ૧૫૭૯ માં પ્રગટ કરવામાં આવ્યો હતો….
ઈશિતાની એલચી *
‘તકલીફ’ શબ્દમાં પ્રથમ બે અક્ષર ‘તક’ છે,
જેને ઝડપી લેતા આવડે તો તમને અચૂક સફળતા મળે જ મળે…!!