રાજપીપળા: પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) 2025માં ભારત દેશમાંથી ટીબી (TB) રોગ સંપૂર્ણ નાબૂદ કરવા માટે સંકલ્પ લીધો છે. અગાઉ કોઈ પણ બિન સરકારી વ્યક્તિ જો ટીબીના દર્દીને શોધી લાવે અને એ દર્દીને જો ટીબી હોવાનું નિદાન થાય તો એ વ્યક્તિને 500 રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી હતી. હવે ટીબીના દર્દીઓની (patients) ડિજિટલ (digital) રીતે સારવાર કરવાની સરકારની યોજના છે.
- ત્રણવાર એલાર્મ વાગ્યા પછી પણ દર્દી દવા લેવાનું ભૂલી જાય તો આરોગ્ય વિભાગ ફોન કરી ખબર પૂછશે
- નિક્ષય સોફ્ટવેરનું ડિજિટલ બોક્સ 21.5 સેમી લાંબુ, 28.1 સેમી પહોળું અને 9.1 સેમી ઊંચું હશે
- એકવાર ચાર્જ કર્યા પછી 2 મહિના સુધી એ બોક્સને ચાર્જ કરવાની જરૂર નહીં પડે
પીએમ મોદીને ડિજિટલ ઈન્ડિયાનું સૂત્ર આપ્યું છે. ત્યારે સરકારે હઠીલા ટીબીની ડિજિટલ રીતે સારવાર કરવાનું નક્કી કર્યું છે. હાલ ગુજરાતના નર્મદા, જામનગર, સુરત, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ અને બનાસકાંઠામાં એ માટેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યા બાદ આખા ગુજરાત અને દેશભરમાં એ સારવાર પદ્ધતિ લાગુ કરાશે.
નર્મદા જિલ્લા ક્ષય અધિકારી ડો.ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે, હવે મલ્ટી ડ્રગ રેજિસ્ટન્ટ ટીબી (હઠીલો ટીબી)ની સારવાર ડિજિટલ ટેક્નોલોજી MERM (Medication Event And Reminder Monitor)થી દવા આપવાનો પાયલોટ પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં હાથ ધરાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના 2 દર્દીને તા.19/01/2022થી આ પદ્ધતિ દ્વારા સારવાર પર મુકાયા છે.
આ પદ્ધતિમાં હઠીલા ટીબીના દર્દીને આપવામાં આવતા એક માસના દવાના બોક્સમાં એક ઇલેક્ટ્રોનિકસ ડિવાઈઝ ફિટ કરવામાં આવ્યું છે. એ ડિવાઈઝના IMEI નંબરને ટીબીના નિક્ષય નામના સોફ્ટવેર સાથે સંકલિત કરાયું હોય છે, એ સોફ્ટવેરમાં ટીબીના દર્દીની તમામ માહિતી પહેલેથી એડ કરેલી હોય છે. જે-તે દર્દીને દવા લેવા માટેનો એક ચોક્કસ સમય સેટ કરેલો હોય છે. જો દર્દી એ સમયે દવા લેવાનું ભૂલી જાય તો દવાનાં બોક્સમાં અડધો કલાકમાં 3 વાર એલાર્મ વાગશે. છતાં જો દર્દી દવા લેવાનું ભૂલી જશે તો ટીબીના નિક્ષય સોફ્ટવેરમાં લાલ લાઈટ થશે. જેથી આરોગ્ય વિભાગ ફોન કરી દર્દીને દવા લેવાનું યાદ કરાવશે, અને સાથે સાથે એમ પણ પૂછશે કે, તમે કેમ સમયસર દવા લીધી નથી. જો દર્દીએ નિયત સમયે દવા લીધી હશે તો નિક્ષય સોફ્ટવેરમાં લીલી લાઈટ થશે. આ ડિજિટલ બોક્સ 21.5 સેમી લાંબુ, 28.1 સેમી પહોળું અને 9.1 સેમી ઊંચું હશે. આ બોક્સ સાથે એક ચાર્જર પણ આપવામાં આવશે. એકવાર ચાર્જ કર્યા પછી 2 મહિના સુધી એ બોક્સને ચાર્જ કરવાની જરૂર નહીં રહે.