સુરત: દેશભરમાં વિવિધ શહેરમાં દિવ્ય દરબારો ભરીને અચાનક ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) એટલે કે બાગેશ્વર બાબાના (Bageshwar Baba) દિવ્ય દરબારના (Divya Darbar) કાર્યક્રમો ટૂંક સમયમાં ગુજરાતમાં પણ યોજાનાર છે. ત્યારે રાજકોટ (Rajkot) બાદ હવે સુરતમાં (Surat) પણ બાગેશ્વર બાબાના કાર્યક્રમો અંધશ્રદ્ધાને પોષતા હોવાના આક્ષેપ સાથે વિરોધનો સૂર ઊઠી રહ્યો છે.
સુરતના હીરાના વેપારી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા ફેલાતી રોકવા મુદ્દે કામ કરતા સામાજિક કાર્યકર જનક બાબરિયા તરફથી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચમત્કારના પરચા બતાવવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, બાબા જો ખરેખર ચમત્કારી હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને હું 500થી 700 કેરેટ પોલિશ્ડ હીરાનું પેકેટ તેમને આપીશ અને એમાં કેટલા નંગ હીરા છે એ બાબા જણાવી આપે તો તેમની દિવ્ય શક્તિનો સ્વીકાર કરી આ તમામ હીરા તેમનાં ચરણોમાં અર્પણ કરવા તૈયાર છું.
સુરતમાં આગામી 26 અને 27 મેના રોજ બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર તરીકે કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. લિંબાયતના નીલગિરિ મેદાન ખાતે ભવ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના સુરત સહિત ગુજરાતના કાર્યક્રમોને લઇને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી ચમત્કારના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરે છે એ પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર કાર્યક્રમનો વધુ એક હીરા વેપારી જનક બાબરિયાએ વિરોધ દર્શાવ્યો છે. જનક બાબરિયા હીરાના વેપારી સાથે અંધશ્રદ્ધા નિવારણ સંસ્થામાં જોડાઈને તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે.
આ ચેલેન્જ સાથે તેણે જણાવ્યું હતું કે, આ ગુજરાતીઓએ બજરંગદાસ બાપા અને જલારામ બાપાને આદર્શ સંત તરીકે સ્વીકાર્યા છે. કારણ કે, બજરંગદાસ બાપા અને જલારામ બાપાને ક્યારેય કરોડો રૂપિયાના ખર્ચે ચમત્કાર/પરચાના ‘દિવ્ય દરબાર’ ભરવાની જરૂર નથી પડી.
અહીં કરોડો રૂપિયાના ખર્ચે દરબાર ભરીને લોકોની આસ્થા સાથે રમત કરતા ઢોંગીઓને ગુજરાતીઓએ વખોડી કાઢ્યા છે. જો ખરેખર બાબા પાસે આવી દિવ્ય શક્તિ હોય તો બાબાની સુરત કરતાં ભારતની બોર્ડર પર વધારે જરૂર છે. પાકિસ્તાન જેવા દેશની જાસૂસી એજન્સીઓ ભારત તરફ શું ષડયંત્ર કરી રહી છે એ બાબાએ આપણા સૈન્યને જણાવવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના તમામ કાર્યક્રમો રદ થાય એ માટે સરકારને રજૂઆત કરીશું. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં અંધશ્રદ્ધાને વેગ આપતો દિવ્ય દરબાર આ કાર્યક્રમ રદ થાય એ માટે સોમવારથી તમામ કલેક્ટર કચેરીઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવશે અને કાર્યક્રમ રદ કરવાની માંગ કરવામાં આવશે.
બાગેશ્વર બાબાનો વિરોધ કરવા બદલ ફોન પર ધમકીઓ મળતી હોવાની રાવ
સુરત : અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય દ્વારા સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી, જેમાં તેમણે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગ કરી રહ્યા છે અને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે એ પ્રકારની વાતનો ઉલ્લેખ કરીને આ કાર્યક્રમને બંધ રાખવા માટે અરજી કરી હતી. જેને લઈને હવે વિવાદ વધુ વકરી રહ્યો છે.
અંધશ્રદ્ધા નિવારણ શાખાના સભ્ય માધુભાઈ કાકડિયા દ્વારા અરજી કરવામાં આવી હતી કે, આ સંસ્થા દ્વારા ધર્મના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે. તેના નિર્મૂલન માટે કામ કરે છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના વચ્ચે જઈને દિવ્ય દરબારના નામે ઢોંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેઓ ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવતા હોવાની અને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત કરી છે.
આ બાબતે સુરતમાંથી કેટલાક યુવાનો દ્વારા તેમને ફોન કરવામાં આવી રહ્યા છે. ફોન ઉપર તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે અને બીભત્સ ગાળો પણ આપવામાં આવી રહી છે. જો કે, આ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારીઓ થઇ છે.