વિશ્વની તમામ મમ્મીઓ એમના માતૃત્વને સાર્થક કરે અને તમામ સંતાનો માતાનાં પ્રેમની, ફરજની અને સંઘર્ષની કદર કરી એને સ્ત્રી તરીકે જીવવાની તક પૂરી પાડે એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.માતૃત્વ એ માત્ર બાળક અને માતા વચ્ચેનું જોડાણ નથી પરંતુ માતાને જીવનના વિવિધ રંગોનો જુદી રીતે પરિચય કરાવતું નવજીવન છે. ઘોડિયામાં સૂતેલાં બાળકથી લઇને પ્રૌઢત્વને આરે પહોંચેલાં સંતાનોનાં હૃદયની લાગણી સમજવાનું સામર્થ્ય માતામાં છે. ઘા બાળકને પડે છે અને પીડા માને થાય છે. શબ્દો વિનાનો સંવાદ એટલે મા અને બાળકનાં હૃદયનો સંવાદ…. પોતાનાં શરીરના અંશને એક માણસ તરીકે મોટો થતાં જોતી માતાની આંખો હૃદયમાં કેટકેટલું સમાવી લે છે. એક માણસનાં આંતર-બાહ્ય સર્જનની ભૂમિકા ભજવતી મા કોઇ પણ સંજોગોમાં હારતી નથી.
માતૃત્વનું બળ આખી દુનિયા સામે લડવાની તાકાત આપે છે. માતૃત્વ ઝૂકતાં પણ શીખવે છે અને ઝુકાવતા પણ, એ સ્ત્રીને લડાયક પણ બનાવે છે અને શાંત પણ. માતાના હૃદયમાં લોખંડી મનોબળ અને મીણ જેવી કોમળતા બંને સાથે વસે છે. માતૃત્વ એ સૃષ્ટિના સર્જનનો સ્થાયીભાવ છે. છતાં આજે સ્ત્રીઓ માટે કયારેક માતૃત્વ મોજ નહીં બોજ લાગે છે. એક માતા તરીકે કેટલીક નવી માન્યતાઓને સ્વીકારી આનંદિત જીવન જીવી શકાય.
પહેલી વાત એ કે બાળકના માલિક નહીં માળી બનો. માલિકીભાવ સાથે અપેક્ષાઓ આવે છે અને બીજા પાસેની અપેક્ષાઓનો ભાર પણ જોડાય છે જે વધતે – ઓછે અંશે દુ:ખી કરે છે. બાળક એ સ્વતંત્ર વ્યકિત છે, વસ્તુ નથી. એના માટેનો માલિકીભાવ બાળકનાં વ્યકિતત્વને ખતમ કરે છે. એ બાળકને કેદી બનાવે છે. તેથી એમાં આનંદની ક્ષણો ખરતી જાય છે. જયારે એના સ્વતંત્ર વ્યકિતત્વને સ્વીકારાય છે ત્યારે અપેક્ષાઓ, તથા વૈચારિક ભિન્નતાઓની કાંગરી ખરી પડે છે અને એક સાચુકલો – પ્રેમાળ સંબંધ સર્જાય છે.
બીજું બાળક સાથે મોટી વ્યકિત જેવો વ્યવહાર કરો… ઊંડો આદર આપો. બાળકે તમને યજમાન તરીકે પસંદ કર્યા છે. એને અપમાનિત નહીં થવા દો. માતાઓ પોતાનો સઘળો ગુસ્સો બાળક પર કાઢી એને નિ:સહાય બનાવે છે અને પછી પોતે ગીલ્ટ ફીલ કરે છે જે માતૃત્વના નિર્મળ આનંદને છીનવી લે છે. ત્રીજું, બાળક પર કશું લાદવાની કોશિશ ન કરો. તમે કેવળ એને વિશ્વને જાણવા – સમજવાની આઝાદી આપો. એની સમજણને વધુ બુલંદ બનાવામાં મદદ કરો. એને સગવડો આપો પરંતુ એનાથી દૂર રહીને. એને જાતે જીવનને સમજવા દો. તમારી માન્યતાઓ અને સમજણ એના પર લાદશો તો એ દંભી બનશે.તમે બાળક માટે શું કર્યું છે એની યાદી વારંવાર બાળક સમક્ષ રજૂ કરવી એ ગાંડપણ છે. બાળકના જન્મથી માતાનો પણ બીજો જન્મ થાય છે. બાળક માતાને બદલી નાંખી કશુંક આપે છે તેથી માતા બાળકની ઋણી છે.
ચોથું, બાળકને પ્રેમ આપો પરંતુ એનો અતિરેક કળવા ન દો. પ્રેમથી બાળકને ગૂંગળામણ ન થવી જોઇએ. પ્રેમ એની આઝાદીમાં દખલરૂપ ન થવો જોઇએ. માતા પોતાના બાળકને કદી પુખ્ત વ્યકિત સમજતી જ નથી અને એમાંથી જ બંને વચ્ચે વિવાદ – વિદ્રોહ જન્મે છે.
કયારેક બાળક રડે છે તો તેની બહુ ચિંતા કરવાની જરૂર નથી. હંમેશાં દોડી જઇને તેની સેવામાં ખડે પગે રહેવાની જરૂર નથી. એને એની રીતે વ્યકત થવા દો. વળી, બાળકને વધારે પડતી ગંભીરતાથી લેશો તો એ મુરઝાઇ જશે….. અપંગ બની જશે. બાળકરૂપી વાજિંત્રમાંથી પ્રસન્નતારૂપી સંગીતના સૂર નીકળે એ જોવાની જવાબદારી માતાની છે… અગર માતા એના જીવનનાં પ્રશ્નો અને નિષ્ફળતાનાં ગીત વારંવાર ગાશે તો બાળક દુ:ખી રહેશે. બાળકને તકલીફોનો સામનો કરવા દો. એ અંગે દુ:ખી થવાની જરૂર નથી. આજે માતાઓ વધારે દુ:ખી છે કારણ કે એ ખુદ તો સ્પર્ધામાં ધકેલાય છે પરંતુ સાથે બાળકને પણ ધકેલે છે.
બાળક એ તમારા ઇગોને સંતોષવાનું માધ્યમ નથી. એ તમારી મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ નથી. બાળકને જન્મ આપીને તમે એના પર કોઇ અહેસાન નથી કરતાં પણ બાળક દ્વારા તમને નવું જીવન મળે છે, એ તમારી દુનિયામાં અનેક રંગ અને રસ ઉમેરે છે. એ તમારા જીવનને એક નવો અર્થ આપે છે. એના ઉછેર માટે તમારે જે કંઇ કરવું પડે છે એ તમારા પ્રેમની અભિવ્યકિત છે એમાં આનંદ જ હોય. અકળામણ નહીં, બાળક પ્રેમ કરવા માટે છે તેથી એનાં કામ પણ પ્રેમપૂર્વક જ થવાં જોઇએ વેઠપૂર્વક નહીં…. જો આટલી સમજણ કેળવાય તો માતૃત્વ એ મોજ બની શકે.
સંપાદ