SURAT

સુરત એરપોર્ટની ફરતે મંડરાઈ રહ્યો છે જીવલેણ ખતરો, તાત્કાલિક આ વસ્તુ દૂર નહીં કરાય તો…

સુરત: 2014માં બફેલો હીટની ઘટના પછી એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટનાઓ વધી જતાં આ ઘટનાઓ કયાં કારણોસર બને છે એનો અભ્યાસ કરવા કોઈમ્બતુરની સંસ્થા સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) ઇન્સ્ટિટ્યૂટને કામ સોંપ્યું હતું. આ ઇન્સ્ટિટ્યૂટે એરપોર્ટનાં 5 વર્ષના ડેટાનો અભ્યાસ કર્યો હતો, જેમાં એરપોર્ટની ફરતે આવેલી વેટલેન્ડ્સના કારણે પક્ષીઓ અહીં ખાવાની શોધમાં આવતાં હોવાથી બર્ડ હીટની ઘટના બનતી હોવાનું તારણ સામે આવ્યું હતું.

  • કોઈમ્બતુરની સંસ્થાએ કરેલો અભ્યાસઃ સુરત એરપોર્ટ પર બર્ડ હીટ સહિત પ્રાણીઓ મળી આવવાની 88 ઘટના બની
  • એરપોર્ટની ફરતે આવેલી વેટલેન્ડ્સને લીધે પક્ષીઓ ભોજનની શોધમાં આવતાં હોવાનું તારણ
    એરપોર્ટની ફરતે આવેલા જિંગા તળાવો ક્યારેય મોટી જાનહાની સર્જશે
  • જિંગા તળાવો, પાણીનો ભરાવો, ગંદકીને લીધે એરફિલ્ડ વિસ્તારમાં 96, જ્યારે એરપોર્ટના 10 કિ.મી. ફરતે 154 પ્રજાતિનાં પક્ષીઓ અને પ્રાણીઓની અવરજવર રહે છે

જિંગા તળાવો, પાણીનો ભરાવો, ગંદકીને લીધે એરફિલ્ડ વિસ્તારમાં 96, જ્યારે એરપોર્ટની 10 કિ.મી. ફરતે 154 પ્રજાતિનાં પક્ષીઓ અને પ્રાણીઓની અવરજવર રહે છે. વેટલેન્ડ્સ (તળાવ, ભીંની જમીન, દરિયાઈ વિસ્તાર)ના કારણે એરફિલ્ડ વિસ્તારમાં પશુઓ અને પક્ષીઓ અહીં ખોરાકની શોધમાં આવતાં હોય છે, જેમાં સુરત એરપોર્ટની નજીક 5 વર્ષમાં બર્ડ હીટ સહિત પ્રાણીઓ મળી આવવાની 88 ઘટના બની હોવાનું નોંધ્યું હતું. જો કે, પ્રાણીઓની અવરજવર રોકવા એરપોર્ટ ફરતે ઊંચી દીવાલ ઊભી કરવામાં આવી હતી.

ડિસેમ્બર-2020થી માર્ચ-2021 દરમિયાન કોઈમ્બતુરની સંસ્થા સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી (SACON) દ્વારા સુરત એરપોર્ટ પર બનતી બર્ડ હીટની ઘટનાઓ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં પક્ષીઓ સુરત એરપોર્ટના એરફિલ્ડ વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી જતાં હોવાનું તારણ આપ્યું હતું. નજીકમાં મત્સ્ય ઉછેર પ્રવૃત્તિ, એરફિલ્ડ વિસ્તારમાં વણવપરાયેલાં વ્હીકલ, સુરક્ષા માટે કરેલી બ્રાઉન્ડ્રી વોલના બાકોરા, ડસ્ટબિનનાં ખુલ્લાં ઢાંકણ તથા વિવિધ જગ્યાએ ભરાઈ રહેતાં પાણીનાં ખાબોચિયાંના કારણે પક્ષીઓની સાથોસાથ સાપ, નોળિયા, જંગલી બિલાડી જેવાં જાનવરો પણ એરફિલ્ડ વિસ્તારની અંદર આવી જતાં હોવાનું અભ્યાસમાં સામે આવ્યું હતું.

સંસ્થાનાં 55 પાનાંના રિપોર્ટમાં જણાવાયું હતું કે, એરપોર્ટના એરફિલ્ડ વિસ્તાર તથા એરપોર્ટની ફરતે ઊગી નીકળેલા ઊંચા ઘાસ, ઝાડી-ઝાંખરાના કારણે પક્ષીઓ એમાં આવી પહોંચે છે. તાજેતરમાં કોઈ પ્રવાસીએ ઝાડી-ઝાંખરા વધ્યા હોવાની તસવીરો વાયરલ કરતાં આ ઝાડી-ઝાંખરા કાપવામાં આવ્યાં હતાં.

બર્ડ હીટ જેવી ઘટના અટકાવવા સૂચવેલાં પગલાં

  • એરપોર્ટની નજીક જિંગા અને મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિ પ્રતિબંધિત કરવી.
  • વખતોવખત એરફિલ્ડ વિસ્તારમાં આવેલા ઘાસની કાપણી થવી જોઈએ. તેની ઊંચાઈ 20 સે.મી.થી વધુ હોવી જોઈએ નહીં.
  • ફૂલો આવવાની સિઝન શરૂ થાય તે પહેલાં જ ઘાસની કાપણી કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.
  • એરપોર્ટના રન-વે વિસ્તારની નજીક તથા એરપોર્ટની કમ્પાઉન્ડ વોલની આસપાસ ઊગી નીકળતાં ઝાડી-ઝાંખરાને સમયે સમયે દૂર કરવા.
  • એરપોર્ટ પર અવારનવાર ચાલતી મેઈન્ટેનેન્સની કામગીરીના કારણે ઘણી જગ્યાએ ખાડા પડી જવાની સાથે કાચા માલનો જથ્થો લાંબાં સમય સુધી પડી રહે છે. ખાડાનું પૂરાણ કરીને સફાઈનું પૂરું ધ્યાન રાખવું
  • મોટા ભાગે સુરત એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન નોંધાતી હોય છે, ત્યારે એટીસી ટીમને ખાસ બર્ડ મોનિટરિંગની તાલીમ આપવી જોઈએ. (રિપોર્ટ પછી કર્મચારીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવી છે)
  • સાફસફાઈની કાળજી રાખવા માટે એરપોર્ટ પર એસઓપી બનાવીનું તેનું કડકપણે પાલન કરાવવું જોઈએ.
  • એરપોર્ટની બાઉન્ડ્રી વોલમાં જોવા મળેલા બાકોરામાંથી સાપ, જંગલી બિલાડી અને નોળિયા એરપોર્ટમાં આવી જતા હોય છે, જેનું પુરાણ કરવું આવશ્યક છે.(રિપોર્ટ પછી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી છે. જ્યાં બાકોરાં હતાં એ પૂરી દેવાયાં છે.)
  • એરપોર્ટ પર વિવિધ જગ્યાએ મૂકવામાં આવેલી ડસ્ટબિનને પણ ઢાંકીને રાખવામાં આવે અને સમયે-સમયે વેસ્ટ કલેક્શનની પણ સિસ્ટમ ગોઠવવી જોઈએ (રિપોર્ટ પછી સુરત મનપાનો સહયોગ લેવાયો હતો)

અગાઉ બે શિયાળ કચડાઈ ગયાં હતાં
સુરત એરપોર્ટના એરપોર્ટ રન-વે ઉપર ભૂતકાળમાં બર્ડ હીટ-બફેલો હીટ જેવી ઘટનાઓ બની ચૂકી છે. એટલું જ ભૂતકાળમાં રન-વે પર બે શિયાળ આવી જતાં તે પણ કચડાઈ ગયાં હોવાની માહિતી એક આરટીઆઈ અરજી થકી સામે આવી હતી.

Most Popular

To Top