Charchapatra

ઘોર કલિયુગ ચાલી રહ્યો છે

ભલા કોઇ માતા પોતાના બાળકને વેચી શકે? હા, આ ઘોર કલિયુગ ચાલી રહ્યો છે, એટલે એવું પણ બની શકે છે. ઇન્દોરના હીરાનગરમાં આવેલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સતીશ પટેલે જણાવ્યું કે તેમને એક સામાજીક કાર્યકર્તા દ્વારા જાણ કરવામાં આવી હતી કે અંતરસિંહ નામની એક વ્યકિત લીવ – ઇન – રીલેશનશીપમાં શાઇના બી નામની એક મહિલા સાથે રહેતો હતો. આ શાઇના બી એ 15 દિવસ પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ આ દંપતી ઘણી બધી મોંઘી વસ્તુઓ જેવી કે LED TV, ફ્રીજ, મોટરબાઇક વગેરેની ખરીદી કરી રહ્યા હતા પણ પેલુ નવજાત શીશુ તેમની સાથે દેખાતું નહોતું.

આથી એક ત્યાં નજીકમાં રહેતા સામાજીક કાર્યકરને શંકા જતાં તેમણે પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસને તપાસ કરતા માલુમ પડયું કે 15 દિવસ પહેલા જ શાઇના બી નામની મહિલાએ જે બાળકને જન્મ આપ્યો હતો, તેણે તેના પ્રેમીના કહેવાથી લીના નામની એક મહિલાને 5.5 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. એક માતા પોતાના પ્રેમીના કહેવાથી મોજ શોખના સાધનો લેવા માટે પોતાના જ તરતના જન્મેલા બાળકને વેચી શકે છે એ કેટલી શરમજનક અને દુ:ખદ ઘટના છે! સાચે જ ઘોર કલિયુગ ચાલી રહ્યો છે!

એવી જ રીતે સાંબરકાંઠા જીલ્લામાં સગી માતા પોતાની સગીર દીકરી પાસે દેહવેપાર કરાવતી હતી. માતાનો પ્રેમી પણ તે દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. માતા “ 2000 જેટલી રકમ લઇને પરપુરુષોને બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. દીકરીની ફરિયાદ પ્રમાણે 18 થી 20 જણાએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. એક અન્ય ક્રુર ઘટના કાનપુર રેલવે સ્ટેશન પર ઘટી. એક માતાએ પોતાના 1 વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ માતાએ તેના બાળકની લાશને ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી. ગુરુવારે મોડી રાત્રે બનેલી આ કરુણ અને ક્રુર ઘટના જેમણે નજરે જોઇ હતી, તેઓ પણ ધ્રુજી ઉઠયા હતા. આ માતાએ (મંજુબેન) તેના બાળકનું ચપ્પુ વડે ગળુ કાપી હત્યા કરી નાખી હતી! સાચે જ ઘોર કલિયુગ ચાલી રહ્યો છે!
શિકાગો – ડો. કિરીટ એન. ડુમસિયા   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top