ભરૂચ: ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક રમૂજ પમાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં દર્દીઓ તો મફત સારવાર માટે આવતા હોય છે પણ પશુઓ પણ હવે ઘૂસવા લાગતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સીએચસી કેમ્પસમાં ઊગી નીકળેલા ઘાસને લઈ એક ગાય ચરતી ચરતી પાછળથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અંદર ઘૂસી ગઈ હતી.
- નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘાસ ચરતા ચરતા ગાય ઘૂસી આવી
- ગાય સહિત પશુઓ રેમ્પ ઉપર ચડીને આવે છે, ત્યારે કેમ્પસની સફાઈ થાય એ જરૂરી
ભરૂચ અને અંકલશ્વર નગરમાં દિનપ્રતિદિન રખડતાં પશુઓને કારણે માથાનો દુખાવો બનતો જાય છે. રખડતી ગાય ભલે રોડ પર રખડે, પણ હવે નેત્રંગ CHCની અંદર આંટા મારતી નજરે પડી હતી. નેત્રંગ CHC કેન્દ્ર જાણે તબેલો હોય એમ એક ગાય આંટાફેરા મારતી નજરે પડી હતી. ગાય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ક્યાંથી અંદર ઘૂસી એ સંશોધનનો વિષય છે. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આખા તાલુકાનાં ૭૮ ગામના દર્દીઓ સારવાર લેવા આવે છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં ગાયનું વિચરણ થોડું હેરત પમાડે એવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેત્રંગ CHC કેમ્પસમાં લીલું ઘાસ મોટા પ્રમાણમાં ઊગેલું હોવાથી ગાય સહિત પશુઓ રેમ્પ ઉપર ચડીને આવે છે. ત્યારે કેમ્પસ સાફસફાઈવાળું રહે એવી લોકમાંગ ઊઠી છે.