Comments

દેશનો જીડીપી ચાર પાયા પર ઊભો હોય છે

મોર્ગન સ્ટેનલીના મતે ભારત ૨૦૨૮ સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનો અંદાજ છે અને આગામી ત્રણ વર્ષમાં તેની અર્થવ્યવસ્થા ૫.૭ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે. ૨૦૨૩માં ભારતનું અર્થતંત્ર ૩.૫ ટ્રિલિયન ડૉલર હતું જે ૨૦૨૬માં ૪.૭ ટ્રિલિયન ડૉલર સુધી વિસ્તરવાનો અંદાજ છે, જે ભારતને યુએસ, ચીન અને જર્મની પછી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બનાવશે. ૨૦૨૮માં ભારત જર્મનીને પાછળ છોડી દેશે. મોર્ગન સ્ટેનલીના મતે, ૧૯૯૦માં ભારત વિશ્વનું ૧૨મુ સૌથી મોટું અર્થતંત્ર હતું, પરંતુ ૨૦૦૦માં તે ૧૩મા સ્થાને સરકી ગયું અને ૨૦૨૦માં નવમા ક્રમે અને ૨૦૨૩માં પાંચમા ક્રમે પહોંચ્યું.

જીડીપીની વાત કરીએ તો સામાન્ય સમજ એવી ઊભી થવી જોઈએ કે કોઈ પણ દેશના જીડીપીનો દર ચાર પાયા પર ઊભો હોય છે. એમાંનો પહેલો પાયો કંઝમ્પશન એટલે કે વપરાશ છે. ભારતીય રિઝર્વ બૅન્કની છેલ્લી બે મોનેટરી પોલિસી મીટિંગ મળી તેમાં ખરીદશક્તિ ઘટતી જાય છે અને બજા૨ સંકોચાતાં જાય છે, એવું સામાન્ય તારણ નીકળ્યું છે, જે ચિંતાનો મોટો વિષય હોવો જોઈએ.

ખ્યાતનામ અર્થશાસ્ત્રી કેઇન્સે આપેલ થિયરી મુજબ મંદી દૂર કરવી હોય તો વધારે માણસોના હાથમાં વધારે પૈસા મૂકવા પડે. આપણે ત્યાં તો મનરેગામાં વર્ષે ઓછામાં ઓછી ૧૦૦ દિવસ રોજગારી આપવાની જોગવાઈ છે, એ સામે પ૦ દિવસથી પણ ઓછી રોજગારી મળે છે. ખાધાખોરાકીની ચીજવસ્તુઓની મોંઘવારી અને ફુગાવો ભેગા મળીને મધ્યમ અને નિમ્ન-મધ્યમ વર્ગની વાપરવાલાયક વધારાની આવક એટલે કે પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા બાદ રહેતી બચત, જેને પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ કહે છે, તે ઘટતી જાય છે. આ પરિસ્થિતિમાં પહેલો જ પાયો વપરાશનો નબળો પડે છે.

બીજો પાયો છે રોકાણ. રોકાણ અનેક દિશાએથી આવી શકે છે, જેમાં ખાનગી રોકાણથી માંડીને વિદેશી રોકાણ સુધીનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે વિદેશી રોકાણ આ દેશમાંથી પાછું ખેંચાઈ રહ્યું છે.ખાનગી બચત ઘટતી ચાલી છે. બૅન્કો પાસે પણ મર્યાદિત લિક્વિડિટી છે એટલે સરકાર મોટાપાયે રોકાણ કરે અને તે પણ રોજગારી તેમ જ મૂલ્યવર્ધિત ઉત્પાદન થાય તે રીતનું, જે થતું નથી. સરકાર પ્રસિદ્ધિ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને સતત ચાલ્યા કરતી ચૂંટણીઓમાં મફત રેવડી વહેંચવાની પ્રવૃત્તિમાં નાણાં બિનઉત્પાદક કામો પાછળ ખર્ચે છે એટલે આ પાયો પણ નબળો છે.

ત્રીજો પાયો સરકારી ખર્ચ છે, જે આપણે આ વખતના બજેટમાં પણ જોયું. નાણાખાધ જાળવી રાખવા પાછળ વધુ સજાગ છે. આવનાર કેટલાંક વર્ષ નાણાખાધ વધે તો પણ સ૨કારી ખર્ચ મોટાપાયે વધારીને સમાજના ઓછી આવકવાળા વર્ગના હાથમાં જાય તે જોવું જોઈએ. આ ત્રીજા પાયાને તો બિલકુલ ઊધઈ લાગી છે. ત્યાર પછી ચોથો પાયો નિકાસનો આવે. આજે ચીન દુનિયાની ફેક્ટરી બની ગયું છે. ઉત્પાદિત માલસામાનમાં વિશ્વમાં એનો ફાળો ૨૮ ટકા છે, જ્યારે એનાથી દસમા ભાગનો એટલે કે ૨.૮ ટકા ફાળો ભારતનો છે. નિકાસ વ્યાપારમાં તો આપણું દસાડા દફતરે નામ જ નથી. વિશ્વ વ્યાપારમાં આપણો ફાળો બે ટકાથી પણ નીચે છે એટલે એક્ષપોર્ટ લેડ ગ્રોથ – નિકાસ આધારિત વૃદ્ધિ શક્ય નથી.

આમ, ચારેચાર પાયા આપણી અર્થવ્યવસ્થાને એક બોદી અર્થવ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત કરે છે. છેલ્લા બંને વર્ષના બજેટ જોઈએ તો જેના થકી ઉત્પાદકતા વધે તે મૂડીખર્ચ એટલે કે કેપિટલ એક્ષપેન્ડીચર્સ ઘટ્યો છે. બજેટમાં જે ખર્ચો મૂડીખર્ચ માટે ફાળવ્યો હોય તેના કરતાં પણ એક લાખ કરોડ જેટલો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઓછો થવાનો સંભવ છે, તો પછી વિકાસ કઈ રીતે થયો? આજે ભારતનું જાહેર દેવું ૮૩ ટકા છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટરી મેનેજમેન્ટ એક્ટ (એફઆરબીએમએક્ટ) – આ કાયદા મુજબ કેન્દ્ર સરકારનું જાહેર દેવું ૪૦ ટકાથી વધારે નહીં હોવું જોઈએ અને રાજ્ય સરકારોનું ૨૦ ટકાથી વધારે નહીં હોવું જોઈએ.

આમ, બંનેનું ભેગું થઈને જીડીપીના ૬૦ ટકાથી વધારે જાહેર દેવું કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારનું ન હોવું જોઈએ. આજની તારીખમાં આ સંયુક્ત જાહેર દેવું (રાજ્ય તેમ જ કેન્દ્ર) ૮૩ ટકાને પાર કરી ગયું છે.

આપણી જીડીપી સાડા ત્રણસો લાખ કરોડની આજુબાજુ છે. આજે આપણું દેવું જીડીપી કરતાં વધારે વૃદ્ધિદરથી વધી રહ્યું છે જે આપણા માટે સૌથી મોટી સમસ્યા છે. ફિસ્કલડેફીસીટનો અર્થ જ એ થાય કે આવક કરતા ખર્ચ વધી રહ્યો છે. નાણામંત્રી દર વખતે ફિસ્કલ ડેફીસીરને કાબૂમાં રાખવાનું ગાણું ગાયા કરે છે. આમ કરવા જતાં ફરજિયાત ખર્ચાઓ સિવાયનો જે કેપિટલ એક્ષપેન્ડીચર્સ એટલે કે મૂડીખર્ચ તેમ જ સામાજિક સેવાઓ જેવી કે આરોગ્ય અને શિક્ષણ વગેરે ઉપરનો ખર્ચ ફરજિયાત ઘટાડવો પડે.

મનરેગા માટે પૂરતા નાણા ફાળવી શકાતા નથી. આ બધાની કુલ અસર અર્થવ્યવસ્થાને પાછી પાડવામાં થાય છે. આપણે જે કરવેરા ઉઘરાવીએ છીએ એના ૨૫ ટકા તો આપણે દેવા પેટે ખાઈ જઈએ છીએ. આમ, નાણાકીય સ્થિતિ સારી નથી એ વાત છૂપાવવામાં આવે છે. અમુક જ સમાચાર બઢાવી ચઢાવીને રજૂ કર્યા કરે છે. ક્યારેક શેરબજાર એકદમ ઊંચકાઈ જાય એવું પણ બનતું હોય છે

આ બધી સરવાળે એવી તરકીબો જે આપણી અર્થવ્યવસ્થાને ખાડે નાખશે. આપણા બાપદાદાનું ડહાપણ એવું કહે છે કે, ‘પાઘડીનો વળ છેડે નીકળે’, ભારતીય અર્થવ્યવસ્થાની આ પાઘડીનો વળ બહુ ઝડપથી છેડા તરફ આગળ વધી રહ્યો છે. એ જે દિવસે છેડો પસાર કરી દેશે ત્યારે અર્થવ્યવસ્થાને માથે પાઘડી નહીં હોય એ નક્કી માનવું.
ડૉ.જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top