SURAT

માનદરવાજાના જર્જરિત મકાનો ખાલી કરાવવા 500થી વધુ પોલીસનો કાફલો પહોંચ્યો

સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં 5 માળની ઈમારત ધરાશાયી થઈ ત્યાર બાદથી સુરતનું મનપા તંત્ર સફાળું થયું છે. જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે તંત્રએ કમર કસી છે. સૌ પ્રથમ સુરતના રિંગરોડ પર આવેલા માનદરવાજાના ટેનામેન્ટ ખાલી કરાવવાનું કામ પાલિકાએ હાથ પર લીધું છે. સમજાવટ બાદ પણ માનદરવાજાના રહીશોએ મકાન ખાલી ન કરતા આજે આખરે સુરત પાલિકાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે મકાનો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી છે.

આજે પોલીસના 500 જવાનો સહિતના કાફલા સાથે મેગા ડ્રાઈવ કરીને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહી આવવાનો નિર્ણય કરી લીધો છે. લાંબા સમયથી રીંગરોડ માનદરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડીંગ છે.

રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબુરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું. પરંતુ પાલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી.જેથી કાર્યવાહી હાથ ધરાઈ છે.

માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.

Most Popular

To Top