Health

પુરુષો માટે ગર્ભનિરોધક દવા બની રહી છે, પહેલો હ્યુમન ટેસ્ટ સફળ રહ્યો

પુરુષો માટે ગર્ભનિરોધક દવા બનાવવાના પ્રયોગમાં વૈત્રાનિકોને મોટી સફળતા મળી છે. YCT-529 નામની આ નવી ટેબ્લેટે ફર્સ્ટ હ્યુમન સેફ્ટી ટ્રાયલ ટેસ્ટ પાસ કરી છે. આ દવા પુરુષોમાં હોર્મોન્સ વિના શુક્રાણુ બનાવવાની પ્રક્રિયાને અટકાવે છે. આ ફક્ત એક પ્રારંભિક પરીક્ષણ હતું, જેમાં 16 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે શું ગોળી યોગ્ય માત્રામાં શરીરમાં પહોંચે છે કે નહીં અને શું તે કોઈ ગંભીર આડઅસરોનું કારણ બને છે.

આ પરીક્ષણના પરિણામો 22 જુલાઈ 2025 ના રોજ કોમ્યુનિકેશન્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયા હતા. મિનેસોટા યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીએ આ ગોળી બનાવી હતી. યોરચોઇસ થેરાપ્યુટિક્સ કંપની તેના પરીક્ષણો કરી રહી છે.

સારા સમાચાર એ છે કે કોઈ મોટી આડઅસર જોવા મળી નથી. હવે આ દવા મોટા પરીક્ષણો તરફ આગળ વધી રહી છે, જ્યાં તેની સલામતી અને અસરકારકતા બંનેનું પરીક્ષણ કરવામાં આવશે.

ડૉ. સ્ટેફની પેજ (યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન) એ જણાવ્યું હતું કે પુરુષો માટે નવો ગર્ભનિરોધક વિકલ્પ લાવવાની દિશામાં આ પહેલું પગલું છે. આપણને પુરુષો માટે ઉલટાવી શકાય તેવી પદ્ધતિઓની સખત જરૂર છે.

આ નવી શોધ શું છે?
અત્યાર સુધી પુરુષો પાસે ગર્ભનિરોધક માટે ફક્ત બે જ વિકલ્પો હતા: કોન્ડોમ અને નસબંધી. પોતાના પાર્ટનર ગર્ભધારણ ન કરી લે તે માટે દર વખતે સેક્સ દરમિયાન પુરુષોએ કોન્ડોમનો ઉપયોગ કરવો પડે છે. બીજી તરફ નસબંધી એક કાયમી પદ્ધતિ છે, જેને ઉલટાવી શકવી મુશ્કેલ છે. એકવાર નસબંધી થાય ત્યાર બાદ પુરુષ ભવિષ્યમાં ક્યારેય પોતાના પાર્ટનરને ઈચ્છે તો પણ ગર્ભધારણ કરાવવા સક્ષમ બની શકે નહીં. પરંતુ હવે YCT-529 નામની આ ગોળી પુરુષો માટે એક નવો અને સરળ વિકલ્પ લાવી શકે છે.

આ દવા શુક્રાણું ઉત્પાદન અટકાવે છે
આ નવી દવા હોર્મોન્સ વિના કામ કરે છે. સ્ત્રીઓની ગર્ભનિરોધક ગોળીઓમાં હોર્મોન્સ હોય છે, જે ક્યારેક મૂડ સ્વિંગ અથવા વજન વધવા જેવી આડઅસરો પેદા કરી શકે છે. YCT-529 માં આમાંથી કશું નથી. વળી, આ દવા શુક્રાણુનું ઉત્પાદન અટકાવે છે. તે પુરુષ શરીરમાં શુક્રાણુ ઉત્પાદનની પ્રક્રિયાને અસ્થાયી રૂપે બંધ કરે છે. ત્રીજો ફાયદો એ છે કે તેને ઉલટાવી શકાય છે. ગોળી બંધ કર્યા પછી 4-6 અઠવાડિયામાં પુરુષ પ્રજનનક્ષમતા પાછી આવે છે.

આ YCT-529 દવા કેવી રીતે કામ કરે છે?
YCT-529 ટેબ્લેટ પુરુષોના શરીરમાં શુક્રાણુ બનાવવાની પ્રક્રિયાને અટકાવે છે. પુરુષના શરીરમાં રેટિનોઇક એસિડ રીસેપ્ટર આલ્ફા નામનું એક પ્રોટીન હોય છે. આ પ્રોટીન શુક્રાણુ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેને એક તાળું સમજી લો. તેમાં વિટામિન A (રેટિનોઇક એસિડ) ચાવી તરીકે કામ કરે છે. જ્યારે ચાવી તાળામાં ફિટ થાય છે, ત્યારે શુક્રાણુ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. YCT-529 દવા ચાવીને તાળામાં ફિટ થતી અટકાવે છે. આ શુક્રાણુ ઉત્પાદનની પ્રક્રિયાને અટકાવે છે. પુરુષ થોડા સમય માટે વંધ્યત્વનો ભોગ બને છે. વળી, આ ગોળી હોર્મોન્સને સ્પર્શતી નથી, તેથી તે મૂડ સ્વિંગ, વજનમાં વધારો અથવા જાતીય ઇચ્છામાં ઘટાડો જેવા હોર્મોનલ ફેરફારોનું કારણ નથી. આ ગોળી બનાવવા માટે વૈજ્ઞાનિકોએ રેટિનોઇક એસિડ રીસેપ્ટરની રચનાને ઊંડાણપૂર્વક સમજી. ઘણા પરમાણુઓનું પરીક્ષણ કરવામાં આવ્યું જેથી યોગ્ય દવા બનાવી શકાય.

હ્યુમન ટેસ્ટમાં શું થયું?
પહેલો હ્યુમન ટેસ્ટ 32થી 59 ની ઉંમર ધરાવતા 16 પુરષો પર કરવામાં આવ્યો. આ ટેસ્ટનો હેતુ એ હતો કે શું દવા યોગ્ય માત્રામાં શરીરમાં પહોંચે છે. શું તેનાથી હૃદયના ધબકારા, હોર્મોન્સ, સોજો, મૂડ અથવા જાતીય સ્વાસ્થ્યમાં ફેરફાર નોંધાય છે તે જોવાનો હતો. નોંધનીય છે કે પ્રત્યેક પુરુષે અગાઉથી જ નસબંધી કરાવી હતી. તેથી તેઓની પ્રજનન ક્ષમતા પર અસર થવાનું કોઈ જોખમ નહોતું.

પરિક્ષણ દરમિયાન કેટલાંક પુરુષોને પ્લેસિબો (દવા વગરની ગોળી), કેટલાંકને ઓછી માત્રા (90 મિલિગ્રામ) અને કેટલાંકને વધુ માત્રા (180 મિ.ગ્રામ) ટેબ્લેટ આપવામાં આવી. કેટલાકે ખાલી પેટે લીધી, કેટલાંકે જમ્યા પછી લીધી હતી. તેથી ખોરાક દવાને કેવી રીતે અસર કરે તે પણ જાણી શકાય.

પરિણામ એ રહ્યું કે બધા ડોઝમાં ગોળી યોગ્ય માત્રામાં શરીરમાં પહોંચી. 180 મિ.ગ્રામ ડોઝ શ્રેષ્ટ રહ્યો. કોઈ આડઅસર જોવા મળી નહીં. હોર્મોન્સ બદલાયા નહીં. મૂડ પણ બદલાયો નહીં. જાતીય સ્વાસ્થ્ય પણ સારું રહ્યું. ગોળી દિવસમાં એક વખત લઈ શકાય કે નહીં તે હવે આગામી પરિક્ષણો બાદ જાણી શકાશે.

પહેલો પ્રયોગ સફળ થયા બાદ હવે શું?
હાલમાં એક નવો ટ્રાયલ ચાલી રહ્યો છે જેમાં પુરુષો 28 અને 90 દિવસ માટે YCT-529 લેશે. તેમાં સલામતી તેમજ શુક્રાણુઓની ગણતરી પર તેની અસર જોવામાં આવશે. આગામી પરીક્ષણોમાં વધુ પુરુષોનો સમાવેશ કરવામાં આવશે જેથી આડઅસરોની સંપૂર્ણ તપાસ કરી શકાય. ભવિષ્યમાં યુગલોનું પરીક્ષણ કરવામાં આવશે કે ગોળી ગર્ભાવસ્થાને કેટલી સારી રીતે અટકાવે છે. જો બધું બરાબર રહ્યું, તો આ ગોળી 2030 સુધીમાં બજારમાં આવી શકે છે.

Most Popular

To Top