વડોદરા: શહેરના તરસાલી બંસલ મોલ પાસે મોડી રાત્રે દેશી દારૂ લઇને જઇ રહેલા બુટલેગરની મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. શહેરના સોમા તળાવથી મોડીરાત્રે તરસાલી દંતેશ્વર તરફ જઇ રહેલા રાકેશકુમાર ભટ્ટની કાર સાથે તરસાલી તરફથી દેશી દારૂ લઇને સોમા તળાવ તરફ પુરપાટ આવી રહેલા બુટલેગરની મોપેડ વચ્ચે બંસલ મોલ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાતાજ મોપેડ ઉપર થેલામાં ભરેલી દેશી દારૂની પોટલીઓ ફાટી ગઇ હતી અને રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. તો કેટલીક પોટલીઓ ન ફાટતા રોડ ઉપર પડી રહી હતી. આ અકસ્માતમાં મોપેડના ટુકડે-ટુકડા થઇ ગયા હતા અને કારને પણ ભારે નુકશાન થયું હતું.
બીજી તરફ અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દોડી આવે અને કાર ચાલક કારમાંથી નીચે ઉતરે તે પહેલાં દેશી દારૂ લઇને જઇ રહેલ મોપેડ ચાલક બુટલેગર પોતાની મોપેડ સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. ટોળે વળેલા લોકોએ ઘટનાના વિડીયો ઉતારી ગણતરીની મિનીટોમાં સોશિયલ મિડીયા ઉપર વાયરલ કરી દીધા હતા. મકરપુરા પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં બુટલેગર પરેશ વિનુભાઇ ઠાકોર (રહે. ટેકરાવાળું ફળિયું, ભાલીયાપુરા ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પરેશ ઠાકોરની પૂછપરછ કરતા તેણે તરસાલી પાસે આવેલા વડદલા ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા પપ્પુ (રહે. હરીનગર, વડદલા), શબ્બિર મલેક (રહે. વડદલા ગામ) અને ઇલાબહેન ગણપતભાઇ પટેલ (રહે. સોમાતળાવ, મંદિરવાળું ફળીયું, વડોદરા) પાસેથી લાવતો હોવાનું જણાવતા પોલીસે ત્રણેને વોન્ટેડ જાહેર કર્યા હતા.