માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં રાજનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદેશ મંત્રાલય રાષ્ટ્રીય હિત અને નીતિઓ અનુસાર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. જો કે, આજકાલ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. સોશ્યલ મિડિયા પર માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે. સંબંધોમાં તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ચર્ચામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવની મંત્રી મરિયમ શિયુનાની વિવાદાસ્પદ ટિપ્પણી માલદીવ માટે બૂમરેંગ સાબિત થઈ છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનું ભારત પ્રત્યેનું વલણ પણ આઘાતજનક છે. માલદીવ એક સમયે ભારતીય પ્રવાસીઓનું પ્રિય સ્થળ હતું, પણ હવે નવા વિવાદ પછી તે ભારતનાં લોકોના ડ્રીમ ડેસ્ટિનેશન લિસ્ટમાંથી ગાયબ થઈ રહ્યું છે. ભારતના સહેલાણીઓ સોશ્યલ મિડિયા પોસ્ટ દ્વારા કહી રહ્યા છે કે તેમની માલદીવ ટ્રીપ કેન્સલ કર્યા બાદ તેઓ લક્ષદ્વીપ અને અન્ય સ્થળોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં માલદીવના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
માલદીવ માટે પર્યટન ઉદ્યોગ કેટલું મહત્ત્વપૂર્ણ છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ૨૦૨૧માં માલદીવને પ્રવાસનમાંથી અંદાજે ૩.૪૯ અબજ ડોલરની આવક મળી હતી. માલદીવના જીડીપીનો લગભગ ૫૬ ટકા હિસ્સો પ્રવાસનમાંથી આવે છે. દક્ષિણ એશિયાના કુલ આંતરરાષ્ટ્રીય પર્યટનમાં એકલા માલદીવનો હિસ્સો લગભગ ૨૪ ટકા છે. માલદીવના પ્રવાસન ઉદ્યોગમાં ભારતીયોનું મોટું યોગદાન છે. દર વર્ષે બે લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે.
૨૦૨૨માં લગભગ ૨.૪૧ લાખ ભારતીયો માલદીવ ગયાં હતાં. ૨૦૨૩માં પણ બે લાખ લોકો માલદીવ ગયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, ત્યાર બાદ માલદીવનો બૉયકોટ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. ભારતના પર્યટકોના બોયકોટને કારણે માલદીવની સરકારનું પણ પતન થઈ જાય તેવી હાલત છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર માલદીવ પર અબજોનું દેવું છે. માલદીવ પર ચીનનું લગભગ ૧.૩ અબજ ડોલરનું દેવું છે. ચીન માલદીવને સૌથી મોટું બાહ્ય ધિરાણ આપનાર છે.
દેશના કુલ જાહેર દેવાંમાં ચીનનો હિસ્સો લગભગ ૨૦ ટકા છે. આવી સ્થિતિમાં સોશ્યલ મિડિયાના ઘણા યુઝર્સે અબજોના દેવા હેઠળ ડૂબેલા માલદીવને ભારત સાથે ટકરાવ ન કરવાની સલાહ આપી હતી. માલદીવના ચીનતરફી પ્રમુખ મુઈઝુના શાસન દરમિયાન માલદીવમાં ચીનની દખલગીરી ફરી વધશે અને માલદીવના ભારત સાથેના સંબંધો નબળા પડી જશે તેવો ભય છે. પ્રવાસન ઉપરાંત માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવનું મુખ્ય કારણ માલદીવની નવી સરકારના વિદેશ નીતિ સંબંધિત નિર્ણયો પણ છે.
માલદીવે ફરી એક વાર પોતાના દેશમાંથી વિદેશી સૈનિકોની તૈનાતી હટાવવાના નિર્ણયને દોહરાવ્યો છે, જેમાં ભારતીય સૈનિકો પણ સામેલ છે. દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના શપથ લીધા પછી તેમની ઓફિસે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે સરકારે ભારતને માલદીવમાંથી તેનું સૈન્ય પાછી ખેંચી લેવા કહ્યું છે.ભારતે હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ક્ષેત્રમાં ૭૦ થી વધુ ભારતીય સૈનિકો તૈનાત કર્યા છે. ભારતે તેની વિદેશ નીતિના ભાગરૂપે આ ક્ષેત્રમાં સ્થિત માલીને ઘણાં લશ્કરી હેલિકોપ્ટર અને જાસૂસી વિમાનો ભેટમાં આપ્યાં છે. તેની દેખરેખ માટે માલદીવમાં ભારતીય સૈનિકો તૈનાત છે. આ સૈનિકો ભારત પ્રાયોજિત રડાર અને સર્વેલન્સ એરક્રાફ્ટ ચલાવે છે. આ સિવાય આ વિસ્તારમાં ભારતીય યુદ્ધ જહાજો દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવામાં મદદ કરે છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીન તરફી અને ભારત વિરોધી માનવામાં આવે છે. મોહમ્મદ મુઇઝુએ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહનું સ્થાન લીધું છે. સોલિહને ભારતના સમર્થક માનવામાં આવતા હતા. તેમની હારથી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો બગડવાની આશંકા હતી. મુઈઝુ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના સમર્થક છે અને તેમની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
અબ્દુલ્લા યામીનને ચીનના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. મોહમ્મદ મુઈઝુ પણ ચીન તરફી છે અને ચૂંટણી પહેલાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો ચીન અને માલદીવના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થશે. માલદીવ વ્યૂહાત્મક રીતે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિશ્વની સૌથી વ્યસ્ત સમુદ્રી ચેનલમાંથી એક માલદીવની નજીકથી પસાર થાય છે. આવી સ્થિતિમાં માલદીવ હિંદ મહાસાગરમાં વેપારી સામાનની અવરજવર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ દેશ છે. વિદેશી બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે મોહમ્મદ મુઇઝુ ભારત સાથે વાતચીત કરવામાં રસ ધરાવતા નથી.
માલદીવથી થોડે દૂર ડિએગો ગાર્સિયા નામનો ટાપુ છે, જેના પર અમેરિકન અને બ્રિટિશ નૌકાદળ તૈનાત છે. નજીકના રિયુનિયન ટાપુઓ પર ફ્રેન્ચ દળો હાજર છે. આવી સ્થિતિમાં માલદીવ પર વર્ચસ્વ સ્થાપિત કરીને ચીન ભારત સહિત ઉક્ત દેશોની સેનાઓની જાસૂસી પણ કરી શકે છે. મુઈઝુ નવેમ્બરમાં તેમના ઈન્ડિયા આઉટ પ્રચાર પ્લેટફોર્મ પર જીત્યા બાદ પ્રમુખ બન્યા હતા. તેમણે કહ્યું હતું કે નવી દિલ્હીનો પ્રભાવ માલદીવના સાર્વભૌમત્વ માટે ખતરો છે. ત્યારથી તેમની સરકારે સ્થાનિક રીતે સ્થિત ભારતીય સૈન્ય કર્મચારીઓને માલદીવ છોડવા માટે કહ્યું છે.
ભારતના સ્પષ્ટ અપમાનમાં મોહમ્મદ મુઇઝુએ ભારતની મુસાફરી કરતાં પહેલાં આ અઠવાડિયે ચીનની મુલાકાત લઈને તેમના દેશની એક પરંપરા તોડી હતી. મોહમ્મદ મુઇઝુની બેઇજિંગ મુલાકાતના અવસરે ચીને જે રીતે સ્પષ્ટતા કરી હતી કે તે માલદીવને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું નથી, તે દર્શાવે છે કે તે આવું જ કરી રહ્યું છે. જો તે મોઇજ્જુની મદદથી માલદીવનો ભારત સામે પોતાના પ્યાદા તરીકે ઉપયોગ ન કરી રહ્યો હોય તો તેને આવો ખુલાસો આપવાની શું જરૂર હતી? ચીને માલદીવમાં પોતાની હાજરી પહેલેથી જ સ્થાપિત કરી દીધી છે.
વૈશ્વિક વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કના નિર્માણના ઉદ્દેશથી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ હેઠળ ચીને માલેમાં વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટને વિસ્તૃત કરવામાં મદદ કરી છે અને માલદીવ્સ ફ્રેન્ડશિપ બ્રિજનું નિર્માણ કર્યું છે. મોહમ્મદ મુઇઝુએ જણાવ્યું હતું કે તેમની સરકાર દેશના કેન્દ્રીય એરપોર્ટ અને કોમર્શિયલ પોર્ટના વિસ્તરણ સહિત બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળ ભાગીદારી શોધવા આતુર છે. ગયા વર્ષે ચાઇના નેશનલ મશીનરી ઇન્ડસ્ટ્રી કોર્પોરેશને માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં ૧૪ કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું, જે દેશની રાષ્ટ્રીય આવકના એક ચતુર્થાંશ કરતાં વધુ હિસ્સો ધરાવે છે. ૨૦૧૯ માં માલદીવમાં જેટલા પ્રવાસીઓ આવ્યાં તેના ૨૦ ટકા ચીનના હતા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય નાગરિકો પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી હવે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. તેનો ફાયદો ઉઠાવીને વિપક્ષો હવે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને સત્તા પરથી હટાવવાની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે. માલદીવમાં સંસદીય લઘુમતી નેતા અલી અઝીમે સોમવારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની હાકલ કરી હતી.
તેમણે રાષ્ટ્રપતિ મુઈઝુને સત્તા પરથી હટાવવામાં મદદ કરવાની અપીલ કરી છે. અલી અઝીમે કહ્યું છે કે અમે દેશની વિદેશ નીતિની સ્થિરતા જાળવવા માટે અને કોઈ પણ પડોશી દેશને માલદીવથી અલગ થવાથી બચાવવા માટે સમર્પિત છીએ. તેમણે તેમની ડેમોક્રેટ પાર્ટીને પૂછ્યું હતું કે શું તમે રાષ્ટ્રપતિ મુઇઝુને સત્તા પરથી હટાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા તૈયાર છો?