હાલ કેટલાક સમય પહેલા લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના અધ્યક્ષ એસ. એન. સુબ્રહ્મનિયને સૂચન કર્યું કે કર્મચારીઓએ સપ્તાહના ૯૦ કલાક કામ કરવું જોઇએ! રવિવારે પણ તેમણે કામ કરવું જોઇએ. તમે તમારી પત્નીને ક્યાં સુધી જોતા બેસી રહો? એવું વિવાદાસ્પદ વિધાન તેમણે કર્યું. તેમના આ નિવેદનની ઘણી ટીકા થઇ, અને થવી જ જોઇએ. ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની ઝાટકણી કાઢી. સામાન્ય કર્મચારીને સતત અને વધુને વધુ કામ કરવાનું સૂચન કરતા આવા મોટી કંપનીઓમાં ઉચ્ચ સ્તરે બેસેલા લોકોને સામાન્ય કર્મચારીની કઠણાઇઓનો ખયાલ હોતો નથી તે તેમના આવા વિધાનો પરથી સાબિત થઇ જાય છે. તમે ઉચ્ચ હોદ્દે બેઠા છો, તમારે તમારી કંપનીને આગળ લાવવી છે તો ભલે તમારી ઓફિસમાં કલાકો સુધી કામ કર્યા કરો, પણ સામાન્ય કર્મચારીઓ પાસેથી એક હદથી વધુ કામની તમારે અપેક્ષા રાખવી જોઇએ નહીં.
તમારે ઘરે કદાચ પત્નીને જોવા સિવાય બીજુ કામ નહીં હોય, કારણ કે ઘણા બધા નોકર ચાકરો, રસોઇયાઓ વગેરે તમારા ઘરે હશે. સામાન્ય કર્મચારીએ તો ઘરના કામમાં પણ પત્નીને સહકાર આપવાનો હોય છે અને મહિલા કર્મચારીઓની તો કમનસીબે ઓર વધુ ઘરની જવાબદારીઓ હોય છે. ટેસ્લાના ઇલોન મસ્ક કહે છે કે હુ સપ્તાહના ૧૨૦ કલાક કામ કરું છું. તેઓ ભલે કરતા. પણ કર્મચારીઓ પાસે સખત, ગધેડાની જેમ કામ કરાવવાની અપેક્ષા તેમણે રાખવી જોઇએ નહીં. આવા મહાનુભાવોના દાવાઓ અને સૂચનોથી વિશ્વસ્તરે પણ કામના કલાકોની સ્વાભાવિક રીતે ચર્ચા છેડાઇ છે.
૭૦-૯૦ કલાકના કાર્ય સપ્તાહ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે, આપણી સંસદમાં પણ પ્રી-બજેટ આર્થિક સર્વેક્ષણમાં આની ચર્ચા કરવામાં આવી. તેમાં અભ્યાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે અઠવાડિયામાં ૬૦ કલાકથી વધુ સમય કામ પર વિતાવવો એ માનસિક સુખાકારી માટે હાનિકારક છે અને જે વ્યક્તિઓ ડેસ્ક પર ૧૨ કે તેથી વધુ કલાકો (દિવસ દીઠ) વિતાવે છે તેઓ માનસિક તનાવ અનુભવે છે કે માનસિક આરોગ્યનું સ્તર જાળવી રાખવમાં સંઘર્ષ કરે છે.
સેપિઅન લેબ્સ સેન્ટર ફોર હ્યુમન બ્રેઇન એન્ડ માઇન્ડ દ્વારા કરવામાં આવેલા અભ્યાસને ટાંકીને સર્વેમાં જણાવાયું છે કે જે લોકો દિવસના ૧૨ કલાક કે તેથી વધુ સમય ડેસ્ક પર ગાળે છે તેમનામાં હતાશા આવી શકે છે કે તેઓ માનસિક આરોગ્યના સ્તરને જાળવી રાખવામાં સંઘર્ષ કરતા હોઇ શકે છે. અભ્યાસને ટાંકીને સર્વેમાં જણાવાયું છે કે બહેતર લાઇફસ્ટાઇલની પસંદગી, કામના સ્થળનો સારો માહોલ અને કૌટુંબિક સંબંધો કામના સ્થળે પ્રતિ મહિને બે-ત્રણ દિવસની ખોટ ઘટાડવા સાથે સંકળાયેલ છે.
મેનેજરો સાથે નબળા સંબંધો અને કામના સ્થળે ગૌરવ નહીં જળવાવાની બાબત છેવટે તો કંપની કે એકમ માટે પણ મોટા નુકસાનમાં પરિણામી શકે છે. હુ દ્વારા કરવામાં આવેલો એક અભ્યાસ જણાવે છે કે વિશ્વભરમાં હતાશા અને માનસિક ઉદ્વેગને કારણે વાર્ષિક ૧૨ અબજ દિવસોનું નુકસાન થાય છે અને તે ૧ ટ્રિલિયન ડોલર નાણાકીય નુકસાનમાં પરિણમે છે. આ બધા અભ્યાસો મસ્ક જેવા તુમાખીખોર કંપની માલિકો માટે ખૂબ સૂચક છે. કર્મચારીઓને માણસ નહીં પણ યંત્ર જેવા ગણતા આવા લોકો કર્મચારીનું તો શોષણ કરે જ છે પણ પોતાની કંપનીને કે ધંધાને પણ હાનિ પહોંચાડે છે.
કેટલીક વૈશ્વિક કંપનીઓ સહિતની તે કંપનીઓ કે એકમો, જેઓ પોતાના કર્મચારીઓની સુખાકારીનો ખયાલ રાખે છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. કર્મચારીના શોષણને બદલે તેમના હિત અને સુખાકારીની ભાવના જ્યાં હોય છે તેવી કંપનીઓને છેવટે પોતાને પણ લાભ થાય છે. અહીં ગેરશિસ્ત કે કામચોરીને ચલાવી લેવાની વાત નથી. પણ કર્મચારી પાસે તેના વેતન મુજબ કામ લેવાની, તેની કાર્યદક્ષતાની કદર કરવાની વાત છે. અને જો કર્મચારીઓના હિતોનો પુરતો ખયાલ રાખીને કંપનીઓ તેમની પાસે કામ લે તો તે બાબત સમાજજીવન અને અર્થતંત્ર માટે પણ લાભદાયી નિવડે છે.
