સુરતીઓ માત્ર ખાવાના શોખીન છે એવું નથી પણ તેઓ કળાના કદરદાન પણ છે, કલાને પોષનારા છે. કેટલાય આર્ટિસ્ટના જાદુઈ હાથોએ વિશિષ્ટ કલાકૃતિઓનું સર્જન કર્યું છે. તો આ જ કલાકૃતિઓના સંગ્રહ કરનારા શોખીનો પણ છે અને તેને કારણે જ સુરત કળાનગરી બન્યું છે. તમને કદાચ ખબર નહીં હોય પણ 500-1000 વર્ષ કે તેનાથી પણ વધુ વર્ષો જુના સિક્કાઓ નદીઓમાંથી નીકળે છે. નદીઓના ધૂળધોયા પાણીમાંથી આવા પ્રાચીન અતિ કિંમતી સિક્કા શોધી કોઈન સંગ્રહ કરનાર વ્યક્તિઓને આપતા હોય છે.
સુરતમાં એક વ્યક્તિ એવી પણ વસે છે જેમનો બિઝનેસ તો સ્ત્રીઓને સુંદર બનાવતા સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરવાનો છે. પણ તેમનો શોખ એકદમ હટકે ઇતિહાસની ખૂબસુરતીને જીવંત રાખવાનો છે. આ વ્યક્તિ છે ભાવેશભાઈ બુસા. તેમના ઘરમાં પ્રાચીન સમયના કોઈન, બ્રોન્ઝની જવેલરી, સ્તૂપ, ટેરાકોટાના શિલ્ડથી ભરેલો ખજાનો છે. તેઓ ફક્ત આવો એન્ટિક ખજાનાના માલિક બન્યા છે એવું નથી પણ તેમણે ઇતિહાસને સમજવા પ્રાચીન ભાષાઓ વાંચતા શોખી છે. તેમને એન્ટિક કોઈન, જવેલરીના સંગ્રહ માટેની પ્રેરણા ક્યાંથી મળી? તેમણે આવો પ્રાચીન ખજાનો કઈ રીતે સંગ્રહિત કર્યો? તેમણે નાસિક મ્યુઝિયમને દુર્લભ કહી શકાય એવું તો શું ગિફ્ટમાં આપ્યું છે? તે જાણીએ..
5માં ધોરણમાં પ્રાચીન કોઈન કલેક્શનના સંગ્રહનો શોખ જાગ્યો: ભાવેશભાઈ બુસા
ભાવેશભાઈએ જણાવ્યું કે હું 5માં ધોરણમાં ભણતો હતો ત્યારે મેં જામનગરના મ્યુઝિયમમાં અને મારા કેટલાક રિલેટિવ્ઝ પાસે એન્શીયન્ટ કહી શકાય તેવા કોઈનનું કલેક્શન જોયું હતું બસ ત્યારે જ મને પણ આવું કાંઈક સંગ્રહ કરવું જોઈએ તેવું લાગ્યું. મને જે પોકેટમની મળતું તેમાંથી મેં કોઈન કલેક્શન શરૂ કર્યું. નદીના ધૂળ ધોયા પાસેથી આવા સિક્કા મેળવતો. મોટો થયો અને બિઝનેસ શરૂ કર્યો પછી તો મેં કોઈન, એન્શીયન્ટ જવેલરી, ટેરાકોટાના શિલ્ડ અલગ-અલગ રાજ્યમાં એગ્ઝીબિશનમાંથી મેળવવાનું શરૂ કર્યું. હું એન્શીયન્ટ કોઈન પરની લિપિ પણ ઉકેલી શકું છું. મારા આ ખજાનાનું જતન મારી પત્ની કિરણ કરતી હોય છે પણ તે ક્યારેક અકળાઈને કહેતી હોય છે કે આટલું કલેક્શન ઘરમાં બહુ જગ્યા રોકે છે. મારો આ ખાજાનાનો વારસો હું મારી મોટી દીકરી ભક્તિને આપીશ કેમકે તે આવા પ્રાચીન સિક્કા પરની ડિઝાઇન બનાવે છે અને તેની લિપીને પણ સમજી શકે છે.
બીજી અને ત્રીજી શતાબ્દીના છે કોઈન
કોઈનનું એન્શીયન્ટ ઇન્ડિયાનું 16 મહાજનપદ સાતવાહન ડાયનેસ્ટી, ગુપ્તા એમ્પાયર, કુશાન ડાયનેસ્ટીની મુદ્રાઓ, શીખ એમ્પાયરના મેઈન મહારાજા રણજીતસીંઘ, ચંદ્રગુપ્ત, છત્રપતી શિવાજી મહારાજ, હુમાયુ, અકબર, બાબર, શાહજહાં, ઔરંગઝેબના સમયના અને બ્રિટિશ સમયના રાણી વિક્ટોરિયાના કોપર, સિલ્વર, લીડ, ઝીંકના સિક્કાઓનો ખજાનો છે.
બુદ્ધ સ્તૂપ ઉજૈન, મહારાષ્ટ્રમાંથી મેળવેલા છે
સદીઓ જુના કોપરના બુદ્ધ સ્તૂપ મેં ઉજૈન, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી મેળવેલા છે. આવા સ્તૂપ તે સમયના અમીર વ્યાપારીઓ પાસે હતા. તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પ્રસાદી રૂપે થતો હતો. ટેરાકોટા એક પ્રકારની માટીના શિલ્ડ પણ છે જે 1000-1500 વર્ષ જુના છે. આ એક પ્રકારનું સ્ટેમ્પ રહેતું જે રાજ્યમાં પ્રવેશ માટે આઇડેન્ટિટી માટે કે વેપાર-વ્યવસાય માટે રહેતું.
નાસિકના મ્યુઝીમમાં દાન કર્યું ડાયનોસરનું ઈંડુ
10 વર્ષ પહેલાં શનિવારી બઝારમાં એન્ટિક વસ્તુઓ જોવા ગયા હતા ત્યારે એક કબાડ પાસે એક અજીબ પથ્થર દેખાયો હતો ત્યારે મને થયું કે આ લેવું જોઈએ. મને ત્યારે એવું લાગ્યું હતું કે, કદાચ તે ડાયનોસરનું ઈંડુ હોવું જોઈએ. આ એગ મેળવી તેને મેં નાસિક મ્યુઝીમમાં ગિફ્ટ કર્યું. મ્યુઝીમ દ્વારા તેની ખરાઈ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે ડાયનોસરનું ઈંડુ છે.
પ્રાચીન લિપીઓ વાંચતા શીખી
નાસિક મ્યુઝિયમ દ્વારા વિવિધ પ્રાચીન લિપીના 15 દિવસના કોર્સ ચલાવાય છે. ત્યાં મેં બ્રાહ્મી, ઇન્ડો-ગ્રીક, ખરોષઠી, શારદા લિપી, પર્શિયન ભાષા, મુઘલકાળના સિક્કા પરની ઉર્દુ ભાષા શીખી.
બ્રોન્ઝની ઇન્ડો-ગ્રીક વીંટી, રાણી સિક્કાના હાર છે
પ્રાચીન સમયમાં સ્ત્રીઓ બ્રોન્ઝના, કોડીના ઘરેણાં પહેરતી. ભાવેશભાઈએ જણાવ્યું કે મેં કાશ્મીરમાંથી મેળવેલી ઇન્ડો-ગ્રીક બ્રોન્ઝની વીંટી છે, બ્રિટિશ કાળના રાણી સિક્કામાંથી બનાવેલા હાર, લોકેટ, કોડીના હાર મારી પાસે છે.જોકે, તે ઘરમાં રાખવું જોખમ હોવાથી મેં લોકરમાં રાખ્યું છે. મારી પાસે 2000 વર્ષ જુના પણ ઘરેણા છે.