હથોડા: સુરત રેલ્વે સ્ટેશનેથી ઉપડી ભરૂચ તરફ જઈ રહેલી પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો એન્જિનની બાજુનો ડબ્બો રેલવેના પાટા ઉપરથી ઉતરી જતા ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટવા સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની વિગત એવી છે કે દાદરથી પોરબંદર તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નંબર 19015 પોતાના નિર્ધારિત સમયથી ડાઉનલાઇન પર સુરતથી નીકળી ભરૂચ તરફ જઈ રહી હતી. ત્યારે કીમ રેલવે સ્ટેશન પર પહોંચતા ટ્રેનના એન્જિનની બાજુમાં જોડાયેલા નોન પેસેન્જર કોચના ચાર પૈંડા ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. ટ્રેનમાં સવાર મુસાફરોને જોરદાર આંચકો લાગતા કંઈક અજુગતું થયું હોવાની દહેશત સાથે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાથે જ નાસભાગ તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓના સીધા સંપર્ક હેઠળ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને યથાવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવના પગલે ડાઉન લાઇન પર આવતી અન્ય ટ્રેનોને જે તે રેલવે સ્ટેશન ઉપર થોભાવી દેવામાં આવી હતી. ત્રણ કલાક સુધીનો સમય વેડફાતા પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર મુસાફરો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. મોટી ઘટના બનવા છતાં ટ્રેનમાં સવાર કોઈ મુસાફરો કે કર્મચારીઓને કોઈ ઈજા નહીં પહોંચતા રેલવે તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરંતુ કીમ રેલવે સ્ટેશન ખાતે અચાનક બનેલા બનાવને કારણે મુસાફરોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી અન્ય ડબ્બા પાટા પરથી ઉતરતા બચ્યા, મોટો અકસ્માત ટળ્યો
હથોડા: કીમ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન કીમ રેલ્વે સ્ટેશનથી ઉપડી હતી, તેથી ટ્રેનની સ્પીડ ઘણી ઓછી હતી. જેને કારણે માત્ર એક ડબ્બો ટ્રેનના પાટા પરથી ઉતરી ગયા બાદ ટ્રેન થંભી ગઈ હતી. જેથી ટ્રેનના અન્ય ડબ્બા પાટા પરથી ઉતરતા બચી ગયા હતા અને મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.
ઘટના બનતા જ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી પડ્યા,, સ્થાનિક લોકો પણ દોડી આવ્યા
હથોડા: કીમ રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નો ડબ્બો પાટા પરથી ઉતરતા જ આખી ટ્રેનને આંચકો લાગતા અને મુસાફરોને પણ ભારે અચકો લાગતા કોઈક મોટી ઘટના બની હોવા નું અનુમાન લગાવીને ટ્રેનમાં સવાર મુસાફરો ભયભીત બન્યા હતા અને તરત જ ટ્રેનમાંથી ઉતરીને પડ્યા હતા અને શું ઘટના બની છે તે જાણવા દોડા દોડી કરી હતી જેથી વિસ્તારમાં નાસ ભાગ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે કીમ રેલવે સ્ટેશન ખાતે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. જેના કારણે રેલવે સ્ટેશન નો વિસ્તાર જનતાથી ઉભરાઈ ગયો હતો.