સુરત(Surat) : શહેરના મિલિનિયમ માર્કેટના (Millennium Market) કાપડના વેપારી (TextileTrader) સાથે અનોખી રીતે છેતરપિંડી (Fraud) થઈ છે. કાપડના વેપારીને ત્યાં છેલ્લાં અઢી વર્ષથી નોકરી કરતો કર્મચારી રૂપિયા 40 લાખ લઈ રફૂચક્કર થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે વતન જવાનું બહાનું કાઢીને કર્મચારી કાપડના વેપારી પાસે રજા માંગીને ભાગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અડાજણના આનંદ મહલ રોડ પર નંદનવન કોમ્પલેક્સમાં રહેતા 32 વર્ષીય કાપડના વેપારી રાઘવ રમેશભાઈ જાખોટીયા રિંગરોડ પર આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની પેઢી ધરાવે છે. માર્કેટમાં તેમની ગુલાબ ક્રિએશન અને ગુલા એન.એક્ષ નામની બે પેઢી છે. તેઓ સિન્થેટીક સાડીનો વેપાર કરે છે.
દરમિયાન અઢી વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2021માં મુકેશ રામનારાયણ માહેશ્વરી એક સંબંધી મારફતે રાઘવભાઈના પરિચયમાં આવ્યા હતા. મુકેશને નોકરી માંગી હતી. આ સાથે જ ભારત-નેપાળમાં ઘણી પાર્ટીઓ સંપર્કમાં હોવાનું કહ્યું હતું તેથી રાઘવભાઈએ રૂપિયા 40 હજારના પગાર પર પોતાની પેઢીમાં નોકરીએ રાખ્યા હતા.
છેલ્લાં અઢી વર્ષ દરમિયાન બધું બરાબર ચાલ્યું હતું. મુકેશ માહેશ્વરીએ ધંધામાં માલની ખરીદીથી લઈને વેચાણ તેમજ ઉઘરાણીનું કામકાજ સંભાળી રાઘવભાઈનો વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન ગઈ તા. 16 ડિસેમ્બરના રોજ પુત્રનું એડમિશન કરાવવા માટે રાજસ્થાનના કોટા જવાનું હોવાનું કહી 7 દિવસની રજા લઈ જતો રહ્યો હતો.
મુકેશ રજા પર ગયો તેના બે દિવસ બાદ રાઘવભાઈને બેન્કમાં રૂપિયા જમા કરાવવાના હોય તેઓએ ગલ્લામાં જોતા રૂપિયા ગાયબ હતા. બીજી તરફ મુકેશનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. કોઈ રીતે સંપર્ક થઈ શકતો નહોતો. તપાસ કરતા ખબર પડી કે રજા લીધી ત્યારે જ મુકેશે ગલ્લામાંથી 3 લાખ કાઢી લીધા હતા.
વધુ તપાસ કરતા ખબર પડી કે મુકેશ નેપાળ, કલકત્તા અને બિહારની પાર્ટીઓ પાસેથી માલના પેમેન્ટ પેટેના 36.88 લાખ પણ ઉઘરાવી લીધા છે. આમ કુલ 40 લાખ રૂપિયા લઈ તે ભાગી ગયો છે. મુકેશ ખાનગીમાં દુકાનમાંથી માલ ચોરી અન્ય પાર્ટીઓને પણ માલ વેચી રોકડી કર્યાની રાઘવ જાખોટીયાને આશંકા છે. પોતે છેતરાયા હોવાની જાણ થતાં રાઘવ જાખોટીયાએ કર્મચારી મુકેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.