સુરત (Surat): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો કાપડનો વેપારી (Textile Trader) હનીટ્રેપમાં (Honey Trap) ફસાતા 3.64 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. કાપડના વેપારીના વોટ્સઅપ પર મેસેજ કરનાર યુવતીએ તેની સાથે બીભત્સ વાતો કરી વિડીયો કોલ કરી નિવસ્ત્ર વિડીયો બનાવી લીધો હતો અને ત્યારબાદ આ વિડીયો યુટ્યુબ તથા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસાને માંગણી કરી હતી. આ દરમિયાન એક ઈસમે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તથા બીજા એક ઈસમે પોતાની ઓળખ યુ ટ્યુબના કંપનીના ઓફિસર તરીકે ઓળખ આપીને કાપડના વેપારીને બદનામ કરવાની ધમકી આપી તેની પાસેથી કુલ રૂપિયા 3.24 લાખ પડાવી લીધા હતા. જોકે બાદમાં પણ વેપારીને હેરાન કરવાનું ચાલુ રાખતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીંડોલી ખરવાસા રોડ પર આવેલ ગોકુલધામ બંગ્લોઝમાં રહેતા જીતેન્દ્ર દેવેન્દ્ર ગોહેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 12-9-2022 ના રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં તેમના પર મોબાઇલમાં વોટ્સઅપ પર પ્રિયંકા શર્મા નામની યુવતી નો મેસેજ આવ્યો હતો. જો કે જીતેન્દ્ર ગોહેલ પણ તેની વાતોમાં ફસાયા હતા અને તેની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન યુવતીએ તેને બીભત્સ ફોટાઓ મોકલીને વિડીયો કોલ કરવા માટે જણાવ્યું હતું. જેથી જીતેન્દ્રભાઈએ પણ યુવતીને વીડિયો કોલ કરી પોતાના કપડા ઉતારી નાંખ્યા હતા. આ દરમિયાન યુવતીએ વેપારીનો નિવસ્ત્ર વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વિડીયો વાયરલ (Viral Video) કરવાની ધમકી (Threaten) આપી તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી.
વેપારી અને યુવતી વચ્ચે હજી વાત ચાલુ હતી ત્યારે જ વિક્રમ રાઠોડ નામના ઈસમે જીતેન્દ્રભાઈ ને ફોન કરી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાહુલ શર્મા નામના ઈસમનો તેમના પર ફોન આવ્યો હતો. જે યુવકે પોતાની ઓળખ યુટ્યુબ ઓફિસર તરીકે આપી હતી. તેમણે પણ તેને બદનામ કરવાની ધમકી આપી હતી. આમ ત્રણેય ભેગા મળી વેપારી પાસેથી અલગ અલગ સમયે કુલ 3.64 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેથી . આખરે પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.