SURAT

સુરતના વેપારીએ રાષ્ટ્રધ્વજના પોટલા બનાવી ચીંદી ભરી, પોલીસે પકડી લોકઅપમાં પૂર્યો

સુરત : દેશની આન… બાન… અને શાન ગણાતા ત્રિરંગાનું અપમાન કરવાની ઘટના શહેરનાં જાગૃત નાગરિકોએ ઉજાગર કરી છે. જેમાં કાપોદ્રા ખાતે રસ્તા પર બંધ હાલતમાં ઉભેલી ટ્રકની પાછળના ભાગે રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

  • રાષ્ટ્રધ્વજના પોટલા બનાવીને તેમાં ચીંદી ભરવામાં આવી હતી
  • પુણાગામના જાગૃત રહેવાસીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો
  • રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર વેપારી સહિત ત્રણની ધરપકડ

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછ કરી પાંડેસરાથી કાપડની ચીંદીઓને રાષ્ટ્રધ્વજના પોટલા બનાવીને ટ્રકમાં લોડ કરનાર વેપારી સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે પાસેથી મળતી વિગતો મુજબ શહેરના પુણાગામ ખાતે રહેતા તુષાર સોલંકી ગત રોજ પોતાના ઘરેથી મિત્ર સાથે કાપોદ્રા ખાતે આવેલી ગિરનાર ઝૂંપડપટ્ટી મામાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના મિત્ર દિનેશ દેસાઈના પાર્કિંગમાં એક ટ્રકમાં રાષ્ટ્રધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

રાષ્ટ્રધ્વજના ધરાર અપમાનને કારણે ચોંકી ઉઠેલા તુષાર સોલંકીએ તાત્કાલિક ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમિયાન ટ્રક ચાલકનું નામ કુરબાનખાં હનીફખાં હોવાનું જાણવા મળ્યું હતું.

તેણે પૂછપરછ દરમિયાન પાંડેસરાના બમરોલી ખાતે કપડાંઓનો વધારાનો કચરો જે અન્ય સામગ્રીમાં વાપરી શકાય તે મંગાવીને રાજસ્થાન લઈ જવા માટે કાપડની ચીંદીઓને પોતે પોટલા બનાવી ટ્રકમાં લોડ કરેલ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં ટ્રક ચાલક સહિત તેના સહયોગી અયુબખાં દરીયામખાં અને કાપડની ચીંદી ખરીદનાર હંસરાજ રામચંદ્ર પ્રજાપતિ વિરૂદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવાને બદલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ કેસમાં વેપારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.

Most Popular

To Top